SURAT

સુરત: સરથાણામાં રહેતી સાળીના એકતરફી પ્રેમમાં અંધ બનેવીએ તેના પતિ પર કરાવ્યું ફાયરીંગ, પણ..

સુરત (Surat) : સરથાણામાં (Sarthana) ટેક્સટાઇલના વેપારી (Textile Trader) ઉપર ફાયરિંગ (Firing) કરવાની ચકચારિત ઘટનામાં ત્રણ દિવસના અંતે પોલીસે (Police) આ પ્રકરણમાં બનેવી સાળી પાછળ પ્રેમમાં ગાંડોતૂર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. સાળીને તેનો સાઢુભાઇ હેરાન કરતો હોવાને કારણે ગુસ્સામાં આવીને બનેવીએ જ ફાયરિંગ કરાવ્યુ હોવાની વિગત હાલમાં પોલીસ મારફત જાણવા મળી છે. સાળીને ખોટી રીતે ત્રાસ આપતો હોવાથી તેની અદાવત રાખીને બનેવીએ જ વેપારીને ધમકાવવા માટે પોતાની ફેક્ટરીમાં ભૂતકાળમાં કામ કરી ચૂકેલા બે યુવકોને રૂા.60 હજારમાં સોપારી આપી હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે સાઢુભાઇની ધરપકડ કરીને ફાયરીંગ કરનારા બે યુવકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • બનેવી સાળીના એકતરફી પ્રેમમાં ગાંડોતૂર થતા પગલુ લીધાની આશંકા
  • બંને યુવકો વેપારીને મારે છે કે નહી..? તે જોવા માટે બનેવી કારમાં અવર-જવર કરતા પકડાઇ ગયો
  • સાળીને તેનો સાઢુભાઇ હેરાન કરતો હોવાને કારણે ગુસ્સામાં આવીને બનેવીએ ટેક્સટાઇલના વેપારી ઉપર ફાયરિંગ કરાવ્યુ હતુ

પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે સવારના સમયે મોર્નિંગ વોક ઉપર નીકળેલા ટેક્સટાઇલ વેપારી હિરેનભાઇ મોરડીયાની ઉપર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ થયો હતો. સ્પોટ્સ બાઇક ઉપર આવેલા બે યુવકો ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને સીસીટીવી ફૂટેજથી તપાસ આરંભી હતી. પ્રારંભિક તપાસમાં ફાયરિંગ કરનારા બે યુવકો કામરેજ તરફ ભાગી જતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત પોલીસે અન્ય ચેક કરેલા સીસીટીવી ફૂટેજમાં જ્યાં ફાયરિંગ થયું ત્યાં એક હોન્ડા બજાજ કાર અવરજવર કરતી હોવાનું જણાયું હતું. પોલીસે આ ગાડીના માલિક અને મોટા વરાછા રાધે રો હાઉસમાં રહેતા અનિલ રમણિકભાઇ કાકડીયાને પોલીસ મથકે બોલાવીને પુછપરછ કરી હતી. અનિલભાઇ તેમજ હિરેનભાઇ સંબંધમાં કૌટુંબિક સાઢુભાઇ થાય છે. ઉત્રાણથી સરથાણા શ્યામધામ ચોક પાસે વહેલી સવારે શા માટે આવ્યા તેને લઇને પોલીસની કડક પુછપરછમાં અનિલભાઇ ભાંગી પડ્યા હતા અને તેઓએ જ પોતાના બે માણસોને રૂા.60 હજારમાં હિરેનભાઇને ધમકાવવા માટે સોપારી હતી.

અનિલભાઇએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, હિરેનભાઇની પત્ની અર્ચનાબેન ઓનલાઇન ટ્રેડીંગનો વેપાર કરતા હોવાથી અર્ચનાબેન અને અનિલભાઇ બંને વચ્ચે અવારનવાર વાતો થતી હતી. અર્ચનાબેનને સંતાનમાં બીજો પુત્ર પ્રાપ્ત થયા બાદ તેમનો પતિ હિરેનભાઇ તેઓની સાથે મારઝુડ કરી ત્રાસ આપતો હતો. જે અંગે તેઓએ અનિલભાઇને વાત કરીને પોતાના પતિને સમજાવવા માટે કહ્યું હતું. જેને લઇને હિરેનભાઇએ કીમ પાસે આવેલી કેમિકલની ફેક્ટરીમાં અગાઉ કામ કરી ચૂકેલા બે શૂટરોને બોલાવ્યા હતા અને તેઓને રૂા.60 હજાર આપીને હિરેનભાઇને ધમકાવવા માટે કહ્યું હતું. શુક્રવારે વહેલી સવારે હિરેનભાઇ ચાલવા નીકળ્યા ત્યારે અનિલભાઇ ઉત્રાણથી ફોરવ્હીલર લઇને આવ્યા હતા. બંને શૂટરો હિરેનભાઇને કેવી રીતે ધમકાવી છે તેની તપાસ કરતા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. પોલીસે આ અનિલભાઇની ધરપકડ કરીને ફાયરિંગ કરનારા રાજુ વાઘજીયા ક્લેશ તથા લાલુ ઉર્ફે રણજીત જામદરીયા તોમરને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

60 હજારમાંથી અનિલભાઇએ બંનેને 30 હજાર આપી દીધા હતા
સરથાણા પોલીસના જણાવ્યા પ્રમાણે અનિલભાઇએ રાજુ ક્લેશ તેમજ લાલુ તોમરને રૂ. 60 હજારમાં સોપારી આપી હતી. જેના એડવાન્સ પેટે રૂા.30 હજાર આપી દીધા હતા, જ્યારે કામ થઇ ગયા બાદ બીજા 30 હજાર આપવાની વાત કરી હતી. અનિલભાઇએ બંનેને માત્ર ધમકાવવા માટે જ કહ્યું હતું, બંને પાછળના રસ્તેથી આવ્યા હતા અને હિરેનભાઇને ખભાના ભાગે દેશી તમંચા વડે ગોળી મારીને ફરાર થઇ ગયા હતા.

રાજુ ક્લેશ તેમજ લાલુ તોમર અનિલની કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હતા
પોલીસના જણાવ્યા પ્રમાણે અનિલભાઇ કાકડીયા કીમમાં કેમિકલની ફેક્ટરી ધરાવતા છે, તેઓને ત્યાં ભૂતકાળમાં સને-2016ના અરસામાં રાજુ ક્લેશ તેમજ લાલુ તોમર બંને કામ કરતા હતા. પરંતુ તેઓનો ગુનાહિત ઇતિહાસ હતો અને તેઓની સામે ચોરીની ફરિયાદો થઇ હતી. પોલીસે તેઓની ધરપકડ પણ કરી હતી, ત્યારબાદ તેઓ જામીન ઉપર છૂટી ગયા હતા અને બંને ચોરીના રવાડે ચડી ગયા હતા. પકડાયેલા બંને પૈકી રાજુની સામે વરાછામાં 1, લિંબાયતમાં ચોરી, સરથાણામાં 4, ડિંડોલીમાં 1 અને છોટાઉદેરપુરના સંખેડા પોલીસ મથકમાં પણ 1 ગુનો નોંધાયો છે, જ્યારે લાલુ તોમરની સામે વડોદરામાં 1 અને છોટાઉદેપુરના જેતપુરમાં પણ 1 ગુનો નોંધાયો છે.

અનિલ અર્ચનાના એકતરફી પ્રેમમાં પાગલ હોવાની ચર્ચા
જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે બનેવી અનિલ અર્ચનાબેનના એકતરફી પ્રેમમાં પાગલ હતો. અર્ચના અનિલની સાથે મિત્રતા રાખતી હતી, પરંતુ આ મિત્રતાને અનિલભાઇ પ્રેમમાં લઇ જવા માંગતો હતો. અર્ચનાબેનની તમામ એક્ટિવીટી વિશે અનિલ જાણકારી રાખતો હતો. દરમિયાન અર્ચનાબેનએ પોતાની આપવીતિ કહી ત્યારે અનિલ ઉશ્કેરાયો હતો અને હિરેનભાઇને ધમકાવવાનો પ્લાન પણ બનાવી નાંખ્યો હતો.

Most Popular

To Top