SURAT

સુરત RTOમાં 3000 વાહનની નંબર પ્લેટ પેન્ડિંગ, નવરાત્રિમાં બીજો ઉમેરો થશે

સુરત: સુરતની (Surat) પાલ (Pal) સ્થિત આરટીઓ (RTO) કચેરીમાં નવાં વેચાયેલાં વાહનોનું રજિસ્ટ્રેશન કરનાર બે ઇન્સ્પેક્ટર પૈકી એકની બદલી થયા પછી ખાલી જગ્યાએ બીજા શહેર-જિલ્લામાંથી બદલી થઈને આવેલા ઇન્સ્પેક્ટર્સ પૈકી કોઈ એકને આ કામગીરીની ફરજ નહીં સોંપાતાં 3000 વાહનોની નંબર પ્લેટ (Number Plate) પેન્ડિંગ ચાલી રહી છે. વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એકમાત્ર ઇન્સ્પેક્ટરને હવાલે ચાલતી હોવાથી કામનું ભારણ વધ્યું છે.

  • પુષ્ય નક્ષત્રના શુભ દિવસે બુક કરવામાં આવેલાં 1500 નવાં વાહનોની ડિલિવરી વાહન ડીલરોએ આજે કરી
  • વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એકમાત્ર ઇન્સ્પેક્ટરને હવાલે ચાલતી હોવાથી કામનું ભારણ વધ્યું

બીજી તરફ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે બુક કરવામાં આવેલાં 1500 નવાં વાહનોની ડિલિવરી વાહન ડીલરોએ આજે કરી હતી. એ જોતાં પેન્ડિંગ નંબર પ્લેટની સંખ્યા હજી વધશે. સામાન્ય રીતે નવરાત્રિના 10 દિવસમાં સુરતમાં ટુ વહીલર, ફોર વ્હીલર અને ખેતી-ટ્રાન્સપોર્ટનાં વાહનો મળી કુલ 10,000 વાહનોનું વેચાણ થતું હોય છે. એ સ્થિતિમાં રજિસ્ટ્રેશનનું કામ કરનાર એકમાત્ર ઇન્સ્પેક્ટર પર કામનું ભારણ વધશે. નવનિયુક્ત ઇનચાર્જ આરટીઓ મેહુલ ગજ્જરે વાહન રજિસ્ટ્રેશન માટે બે ઇન્સ્પેક્ટર પૈકી એક ખાલી જગ્યાએ બીજા ઇન્સ્પેક્ટરને હજી ચાર્જ આપ્યો નથી. એ જોતાં આ સમસ્યા હજી વધશે.

બોગસ મોટર ડ્રાઇવિંગ સ્ફૂલ્સ બંધ કરાવવા માંગ
ધી સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રાજેશ શાહની આગેવાનીમાં એસો.ના પ્રતિનિધિમંડળે સુરતના ઇનચાર્જ આરટીઓ મેહુલ ગજ્જરની મુલાકાત લીધી હતી. સુરતમાં ચાલતી બોગસ ડ્રાઇવિંગ સ્કૂલો અને ગાડી શીખવવાના જે પ્રાઇવેટ કોચિંગ ક્લાસ ચાલે છે તે બંધ કરાવવા માંગ કરી છે. ઉપરાંત આરટીઓમાં અસામાજિક તત્ત્વોની ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરાવવા, ફેસલેસ કામ ઝડપી બનાવવા રજૂઆત કરી હતી. આર.ટી.ઓ.ની બહાર અસામાજિક તત્ત્વો ગાડીઓ લઈને ઓનલાઈન કોમ્પ્યુટર, લેપટોપ રાખી કામ કરે છે. અને લોકોને છેતરે છે એ બંધ કરાવવું જોઈએ સહિતની માંગ કરી હતી. ઇનચાર્જ આરટીઓએ આ પ્રકારનાં દૂષણો અટકાવવા ખાતરી આપી હતી.

Most Popular

To Top