SURAT

સુરત: વાદળો છવાયા પણ વરસાદ ન પડતાં સુરતીઓ નિરાશ, 25-26 જૂને ભારે વરસાદની આગાહી

સુરત: (Surat) ગુજરાતમાં શનિવારે અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. સુરતમાં પણ શનિવારે સમગ્ર દિવસ દરમ્યાન વાતાવરણ વાદળછાયું (Cloudy) રહ્યું હતું પરંતુ વરસાદ ન પડતાં સુરતીઓ નિરાશ થયા હતા. સમગ્ર દિવસ દરમ્યાન વરસાદી છાંટા પડ્યા હતા. જોકે તૂટી પડે તેવો વરસાદ પડવાની સુરતીઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે 25 અને 26 જુને સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ડેવલપ થયેલી જુદી જુદી સિસ્ટમથી શનિવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ભેજનું પ્રમાણ વધતા સુરતીઓ બફારાથી પરેશાન થયા હતા. પરંતુ આગામી બે દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શનિવારે છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી તારીખ 25 અને 26 જૂને બારે વરસાદ થઈ શકે છે. એક સિસ્ટમ પ્રબળ બની રહી છે. જેના કારણે રાજ્યમાં આગામી 25 અને 26 જૂને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નવસારીમાં વરસાદના અમી છાંટા વચ્ચે તાપમાન ગગડ્યું
નવસારી : નવસારીમાં આજે વરસાદના અમી છાંટા પડ્યા હતા. જેથી મહત્તમ તાપમાન 3.1 ડિગ્રી ગગડતા 31.5 ડિગ્રી નોંધાયું છે. પરંતુ વરસાદ બંધ થઇ ગયા બાદ બફારાનું પ્રમાણ વધી જતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. શનિવારે નવસારીમાં મહત્તમ તાપમાનમાં 3.1 ડિગ્રી ગગડતા 31.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી ગગડતા 27.8 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા હતું. જે બપોરબાદ વધીને 92 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન 6.5 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

વાપીમાં વરસાદી માહોલ જામ્યો
વાપી : વાપીમાં શુક્રવારની રાત્રીના અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ વાદળો ઘેરાયા હતાં. મળસ્કે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ પડ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. શનિવારે સવારથી જ ક્યારેક-ક્યારેક વરસાદી ઝાપટાઓ પડ્યા હતા અને માર્ગો ઉપર ક્યાંક-ક્યાંક પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં. દિવસભર વાદળછાયું વાતાવરણ વચ્ચે હવા ચાલુ રહેતા ગરમીથી રાહત અનુભવાઈ હતી. અચાનક આવી પડેલા વરસાદને પગલે થોડીકક્ષણ માટે માર્ગો સૂમસામ બની જતા હતાં.

Most Popular

To Top