SURAT

સુરત: પુત્રને અભ્યાસ માટે UK મોકલવા લોન લેવા એપ્લાય કરતા ખેડુત સાથે ઠગાઈ, પોલીસમાં અરજી કરી તો..

સુરતઃ જહાંગીપુરામાં રહેતા વૃદ્ધ ખેડૂતે (Farmer) પોતાના પુત્રને અભ્યાસ (Study) માટે યુકે (UK) મોકલવા લોન એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટે તેમની પાસેથી વિવિધ ચાર્જ મળીને 6.22 લાખ રૂપિયા પડાવ્યા બાદ લોન (Loan) કરી આપી નહોતી. અને તેમની પાસેથી લીધેલા રૂપિયા પણ નહી ચુકવતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં (Police Station) છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

જહાંગીરપુરા ખાતે અંજની હાઈટ્સની સામે ગોવર્ધન રો હાઉસમાં રહેતા 60 વર્ષીય મહેશભાઈ મગનભાઈ પટેલ ખેડૂત છે. મહેશભાઈએ લોન એજન્ટ નાગેન્દ્ર કે.સીંગ ની સામે છેતરપિંડીની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહેશભાઈ તેના પુત્ર અભિષેકને યુકે અભ્યાસ માટે મોકલવાના હતા. તે માટે નાણાકીય જરૂરીયાત હોવાથી પુત્રના મિત્ર મારફતે લોન એજન્ટ નાગેન્દ્રને મળ્યા હતા. નાગેન્દ્રએ મહેશભાઈને પોતાના એલઆઈસી ફાઈનાન્સના અધિકારી સાથે સારા સંબંધ હોવાની જણાવી તેમની લોન ઝડપી અને ઓછા વ્યાજે પાસ કરી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. અને મહેશભાઈ પાસેથી લોન માટેના પેપર્સ માંગ્યા હતા. જેથી વિશ્વાસમાં આવીને મહેશભાઈએ તેમના આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, વેરાબીલ સહિતના પુરાવા આપ્યા હતા. મહેશભાઈએ કેટલી લોન પાસ થશે તે અંગે પુછતા તેમની મિલકત 70 લાખની હોય તેની ઉપર 40 લાખ સુધીની લોન પાસ કરાવી આપવાની ખાતરી આપી હતી.

આ લોન પાસ કરાવવા માટે ટુકડે ટુકડે મહેશભાઈ પાસેથી પૈસા માંગતા તેમને પોતાના સગા-સંબંધી પાસેથી રૂપિયા ભેગા કરી ફોન-પે તથા ગુગલ-પે દ્વારા લોન એજન્ટની પત્ની તથા તેની સાળી તથા તેના મિત્રોના એકાઉન્ટગમાં અલગ-અલગ કરી 3.22 લાખ રૂપિયા તથા ત્યારબાદ પણ બીજા 3 લાખ રૂપિયા મળી કુલ 6.22 લાખ રૂપિયા પડાવ્યા હતા. અને ત્યારબાદ પણ લોન કરી આપી નહોતી. જેથી મહેશભાઈએ તેમને આપેલા રૂપિયા પરત માંગતા તે પણ આજદિન સુધી પરત આપ્યા નહોતા. જેથી ખેડૂત મહેશભાઈએ અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

પોલીસમાં અરજી કરી તો સમાધાન કરવા વિશ્વાસ અપાવ્યો
મહેશભાઈએ આ અંગે લોન એજન્ટની વિરુધ્ધ પોલીસમાં અરજી આપી હતી. જેથી લોન એજન્ટે પૈસા મળી જશે તેવું જણાવી 31 ઓગસ્ટના રોજ સમાધાન કરાર કરી આપીશ તેવું જણાવી વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ આજદિન સુધી સમાધાન કરાર બનાવી આપ્યો નથી. તથા મહેશભાઈની લોન પાસ કરાવી આપી નથી અને પૈસા પણ પરત આપતો નથી.

Most Popular

To Top