SURAT

એવું શું થયું કે સુરત મનપાએ લોકોને પાણીનો વપરાશ કરકસરથી કરવા અપીલ કરી

સુરત: આવતીકાલે તા. 8 ફેબ્રુઆરીથી સુરત શહેરના અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો અવરોધાશે. આ વિસ્તારોમાં બે દિવસ પાણી નહીં મળે. તેથી સુરત મનપા દ્વારા પાણીનો સંગ્રહ કરી કરકસરયુક્ત રીતે પાણીનો વપરાશ કરવાની અપીલ શહેરીજનોને કરવામાં આવી છે.

  • બુધવાર અને ગુરુવારે કોસાડના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોટકાશે
  • કતારગામ ઝોન ના નવા વિસ્તારોમાં પાણી આપવા માટેની કામગીરી ચાલી રહી છે
  • 10 મી ફેબ્રુઆરીથી સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે

સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) કતારગામ ઝોન વિસ્તારમાં પાણીની લાઇનની (Water Line) કામગીરી બે દિવસ ચાલવાની હોવાથી આવતીકાલ બુધવાર અને ગુરુવારે કોસાડના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોટકાશે. આ દિવસ દરમિયાન જે વિસ્તારમાં પાણી પુરવઠાનો વિક્ષેપ પડશે તે વિસ્તારના લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત પૂરતા પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકા તંત્રએ અપીલ કરી છે.

સુરત શહેરના વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કતારગામ ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા માટે હાઇડ્રોલિક વિભાગ કામગીરી કરી રહ્યો છે. કતારગામ ઝોન ના નવા વિસ્તારોમાં પાણી આપવા માટેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના પગલે 8 અને 9 ફેબ્રુઆરીના રોજ કોસાડ વિસ્તારમાં કોસાડ જળ વિતરણ મથકથી ભરવા માટેની 600 મી.મી. વ્યાસની રાઇઝીંગ લાઇન પર વાલ્વ મુકવાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત કોસાડ જળ વિતરણ મથક ખાતેની 500 મી.મી. વ્યાસની બાયપાસ લાઇન પર લીકેજ રીપેરીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

આ સોસાયટીઓમાં પાણી પુરવઠો અવરોધાશે
આવતીકાલે તા. 8 ફેબ્રુઆરીના રોજ 24×7 યોજના હેઠળની ટાંકીઓ જેવી કે નેટવર્ક હેઠળ આવતા અમરોલી સાયણ મેઇન રોડની આસપાસનો વિસ્તાર, સૃષ્ટિ સોસાયટી વિ-1, 2 અને 3 ની આસપાસના સોસાયટી વિસ્તારમાં પાણી પુરવઠો અવરોધાશે. આ ઉપરાંત કોસાડ ગામતળ તથા આસપાસનો વિસ્તાર તથા કોસાડ રજવાડી પ્લોટની આસ-પાસનો વિસ્તાર જેવા કે, જુનો કોસાડ રોડ, નવો કોસાડ રોડ,ક્રોસ રોડ, સત્તાધાર ચોકડીનો વિસ્તાર તેમજ કોસાડનો તમામ ટી.પી. વિગેરે વિસ્તારમાં 8 અને 9 ફેબ્રુઆરીના રોજ પાણી પુરવઠો મળશે નહીં અથવા ઓછા દબાણથી મળશે. 10 મી ફેબ્રુઆરીથી સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે.


Most Popular

To Top