SURAT

સુરતમાં ચોરો લાખોના દાગીનાની સાથે બિલ પણ ચોરી ગયા

સુરત : સુરત (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી શિવ દર્શન સોસાયટી, આશાપુરી સોસાયટીની સામે દોઢ લાખના દાગીનાની ચોરી (Jewelry Theft) થઇ હતી. દાગીનાની સાથે ચોરો દાગીનાના બિલોની પણ ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. આ મામલે ધર્મિષ્ઠાબેન નરેશભાઇ રાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ જયારે સવારે પાંચ વાગ્યે પાણી પીવા ઉભા થયા ત્યારે તેમની તિજોરી ખુલ્લી હતી. તેના નકૂચા કોઇએ તોડેલા હતા. તેમાં લોકરમાં પડેલા રોક઼ડા રૂ.45000, સોના ચાંદીના દાગીના અંદાજે રૂ. 1.50 લાખની ચોરી કરીને કુલ્લે 1.95 લાખની ચોરી કરી હતી. દાગીનાની તો ચોરો દ્વારા ચોરી કરવામાં આવી હતી પરંતુ તેની સાથે તેઓ ખરીદીના બિલ પણ ચોરી જતા લિંબાયત પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પૂજારા મોબાઇલ શોપ વેડ રોડમાંથી 25 મોબાઇલની ચોરી
સુરત: વેડ રોડ ખાતે આવેલા પૂજારા મોબાઇલ શોપમાંથી બે મહિનામાં બીજી વખત ચોરી થઈ હતી. તેમાં વિકાસભાઇ ત્રિભુવન તિવારીએ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે જણાવ્યું કે, પંડોળ શોપિંગ સેન્ટર, જલારામ સોસાયટી, વેડ રોડ ખાતે ગત તા.13ના રોજ તેમની શોપમાંથી 25 જેટલા મોબાઇલની ચોરી થઈ હતી. દુકાનનું શટર અને કાચ તોડી કોઇ ઇસમ રાત્રિના સમયે આ ચોરી કરીને પલાયન થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા પણ આ જ દુકાનમાં પંદર મોબાઇલની ચોરી થઇ હતી. પોલીસ ચોપડે 89000 મોબાઇલની ચોરીનો ગુનો દાખલ થયો હતો. દરમિયાન દુકાનમાં મૂકેલા ઇયર બર્ડ અને રાઉટરોની પણ ચોરી થઈ હતી. આ જ શોપિંગમાં અગાઉ ચાર દુકાનનાં તાળાં તૂટ્યાં હોવાની વાત છે. દરમિયાન બે મહિનામાં એક જ દુકાનનાં તાળાં તૂટતાં આ કિસ્સામાં પોલીસની બેદરકારી ચર્ચામાં આવી છે.

છેતરપિંડીના ગુનામાં આગોતરા જામીન પર મુક્ત થયેલા આરોપી પિતા-પુત્ર એક દિવસના રિમાન્ડ પર
સુરત : ઉધના પોલીસ સ્ટેશનમાં કપડાને લગતી નોંધાયેલી 91.92 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં આગોતરા જામીન પર મુક્ત થયેલા આરોપી પિતા-પુત્રના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. કેસની વિગત એવી છે કે ઉધનામાં કપડાનો વેપાર કરતા વેપારી સાથે દિલ્હીના દલાલ સવેન્દરસિંગ મુલાકાત કરીને દિલ્હીના વેપારીઓને માલ અપાવવાની વાત કરી હતી.

દલાલના કહેવાથી ઉધનાના વેપારીએ દિલ્હીના વેપારીઓ પ્રતાપસિંઘ અને તેનો દિકરી નિરપાલસિંઘને 91.92 લાખ રૂપિયાનો માલ આપ્યો હતો. પરંતુ બંનેએ રૂપિયા નહીં ચૂકવતા વેપારીએ ઉધના પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપીઓ આગોતરા જામીન પર મુક્ત થયા હતા. બંને આરોપીઓ ઉધના પોલીસને તપાસમાં સહયોગ આપતા નહીં હોવાથી ઉધના પોલીસે કોર્ટમાં બંને આરોપીઓના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરીને બંને આરોપીઓને ઉધના પોલીસને સોંપવાનો હુકમ કર્યો હતો. મૂળ ફરિયાદી તરફે એડવોકેટ વિરલ મહેતાએ દલીલો કરી હતી.

Most Popular

To Top