National

છેલ્લાં બે વર્ષનું ઈન્કમટેક્સ રિટર્ન સમયસર નહીં ફાઈલ કર્યું હોય તો પાંચગણો ટેક્સ ભરવો પડશે

સુરત: (Surat) કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને બજેટમાં (Budget) કલમ 206 એબી અને કલમ 206 સીસીએની નવી જોગવાઈ લાગુ કરી છે, તે મુજબ છેલ્લાં બે વર્ષના ઈન્કમટેક્સ રિટર્ન સમયસર નહીં ફાઈલ કર્યા હોય તેવા કિસ્સામાં પાંચગણો અથવા બમણો બેમાંથી જે વધારે હોય તેટલો ટેક્સ (Tax) ભરવાનો થશે. આ જોગવાઇ ખૂબ જ આકરી અને કરદાતાઓના વિશાળ હિતમાં ન હોવાથી આ જોગવાઈઓને પાછી ખેંચી લેવા માટે ચેમ્બર ઓફ કોમર્સની (Chamber Of Commerce) ઈન્કમટેક્સ કમિટી દ્વારા નાણાંમંત્રીને ઇ-મેઇલ કરીને રજૂઆત કરવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સની ઈન્કમટેક્સ કમિટીના ચેરમેન સીએ વિરેશ રૂદલાલે જણાવ્યું હતું કે, નાણાંમંત્રીએ બજેટમાં કલમ 206 એબી અને કલમ 206 સીસીએની નવી જોગવાઈ લાગુ કરવાનું સૂચન કર્યું છે, તે અનુસાર ડિવિડન્ડ, વ્યાજ, કોન્ટ્રાક્ટ પેમેન્ટ, ઈન્સ્યુરન્સ કમિશન, દલાલી-કમિશન, ભાડું, પ્રોફેશનલ્સ ફી, મિલકત ખરીદી, યુનિટ આવક જેવી તમામ આવક મેળવનારા તથા સ્ક્રેપ, લાકડાં સહિતની તમામ ખરીદીઓ કરનારાઓએ છેલ્લાં બે વર્ષના ઈન્કમટેક્સ રિટર્ન સમયસર ભર્યા નહીં હોય તો ટેક્સ કપાત કરનારે તેઓનો પાંચ ગણો એટલે કે 1 ટકાને બદલે 5 ટકા અથવા ડબલ 10 ટકાના 20 ટકા બેમાંથી જે વધારે હોય તે પ્રમાણે કાપવાનો છે. અલબત્ત, ટેક્સ કપાવનારનો અગાઉના દરેક વર્ષનો ટીડીએસ 50 હજારથી વધુ હોવો જરૂરી છે.

ટેક્સ કપાવનારનાં છેલ્લાં બે વર્ષના ઈન્કમટેક્સ રિટર્ન માંગવા ઉપરાંત ફોર્મ નં.26 એએસની વિગતો પણ ખુલ્લી થવાના ડરે તેઓ દ્વારા અસહકાર કરવામાં આવે તો ટેક્સ કપાવનારને જ વ્યાજ, દંડ અને ફોજદારીનો સામનો કરવો પડી શકે છે. રૂદલાલે વધુમાં કહ્યું કે, નવો ધંધો શરૂ કરનારના અગાઉનાં વર્ષોનાં રિટર્ન મળી શકશે નહીં અને ટેક્સ કપાવનારનું છેલ્લું રિટર્ન બાકી હોય તો કયા રેટથી ટીડીએસ કાપવો એ ગૂંચવાડો ઊભો કરશે. જ્યારે પાન નંબર નહીં આપવાની જોગવાઈ છે. તો તે સંજોગોમાં આ વધારાની જોગવાઈ અવ્યવહારું હોય પાછી ખેંચાવી જોઈએ એવી માંગણી કરાઈ છે. ચેમ્બરની ઇન્કમટેક્સ કમિટીએ બજેટમાં કરવામાં આવેલી આ નવી આખરી જોગવાઈ રદ કરવા નાણાંમંત્રીને ઇ-મેઇલ કરી રજૂઆત કરી છે.

સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારા સામે ક્રેડાઇ દ્વારા બેનરો લગાવીને વિરોધ પ્રદર્શન કરાશે

સુરત : સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારા સામે આગામી તા. 12મી ફેબ્રુઆરીના રોજ ક્રેડાઇ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કાર્ટેલ કરીને સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં અસહ્ય વધારો કરી રહી છે. જેના કારણે બાંધકામો વધુને વધુ મોંધા પડતા હોવાથી ધંધાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. કંપનીઓના આવા ભાવ વધારાની સામે ગુજરાતમાં ક્રેડાઇ દ્વારા તા. 12મીના રોજ વિવિધ સાઇટ ઉપર બેનર અને હોર્ડિંગ લગાવીને પ્રોજેક્ટ કામકાજ ઉપર તમામ કામ બંધ રાખવા તેમજ બપોરે 12 વાગ્યે વિશાળ સંખ્યામાં હાજરી આપીને કલેક્ટરને આવેદનપત્ર આપવા નક્કી કરવામાં આવ્યું છે.

હાલમાં આમ પણ રિઅલ એસ્ટેટના ધંધામાં ભારે મંદી છે. આ સંજોગોમાં જો સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો કરવામાં આવે તો બિલ્ડરોની હાલત કફોડી થઈ જાય તેમ છે. હાલમાં ફ્લેટ કે રો હાઉસ વેચવા માટે ભારે કસરત કરવી પડી રહી છે. જેમાં ભાવ વધારો ગ્રાહકોની કેડે જ આવે તેમ હોવાને કારણે બિલ્ડરો દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલમાં બિલ્ડરો દ્વારા વિરોધ-પ્રદર્શન જ કરવામાં આવશે, પરંતુ જો કંપનીઓ દ્વારા ભાવ વધારો રોકવામાં નહીં આવે તો ક્રેડાઈ દ્વારા આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top