SURAT

સુરતમાં ગરબા રમવા ગયેલી યુવતી લોક મારવાનું ભુલી ગઇ અને મોપેડ ચોરાઇ ગયુ

સુરત: (Surat) ડિંડોલીમાં ગરબા (Garba) રમવા ગયેલી યુવતી મોપેડમાં લોક મારવાનું ભુલી ગઇ હતી. યુવતી ગરબા રમી રહી હતી ત્યારે કોઇ અજાણ્યો યુવક તેનું મોપેડ ચોરી (Theft) કરી ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મહેસાણાના ઉંઝાના કહોડા ગામની વતની અને સુરતમાં ડિંડોલી ઉમિયાધામ મંદિર પાસે ગોકુલધામ ટાઉનશીપમાં રહેતી ચૈતાલી વિષ્ણુભાઇ આચાર્ય ડિંડોલીના બિઝનેસ પ્લાઝામાં ગરબા રમવા માટે ગઇ હતી. ચૈતાલીએ પોતાનું મોપેડ (Moped) કોમ્પલેક્ષની આગળ પાર્ક કર્યું હતુ, પરંતુ તે સ્ટિયરીંગ ઉપર લોક મારવાનું ભુલી ગઇ હતી. રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં ચૈતાલી બહાર આવી ત્યારે તેણીએ મોપેડ જોયુ ન હતુ. આ અંગે આજુબાજુમાં તપાસ કરતા મોપેડ મળી આવ્યું ન હતું. બનાવ અંગે ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વઘારેલી ખીચડી અને સફરજન ખાધા બાદ ફુડ પોઇઝનિંગ
સુરત: ડિંડોલી વિસ્તારમાં રહેતા પાટીલ પરિવારના ચાર સભ્યોને આઠમનો ઉપવાસ છુટતા સમયે વઘારેલી ખીચડી અને સફરજન ખાધા બાદ ફુડ પોઇઝનિંગની અસર થતા ઝાડા વોમિટ થવા લાગ્યા હતા. તાત્કાલિક તમામને આજે વહેલી સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. નવરાત્રિ ચાલી રહી હોય આઠમના દિવસે પાટીલ પરિવારે ઉપવાસ રાખ્યો હતો અને રાત્રે જમ્યા બાદ સફરજન ખાધા હતા અને વહેલી સવારે તેમને ફુડ પોઇઝનની અસરને પગલે ઝાડા વોમિટ થવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર નવાગામ ડિંડોલી દિપાલી પાર્ક ખાતે ઘર નં.16માં રહેતા કાશીનાથ પાટીલ રત્નકલાકારનું કામ કરી બે સંતાનો અને પત્નીનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગઇકાલે આઠમ હોય કાશીનાથ પાટીલ અને તેની પત્ની સરલા પાટીલ (ઉ.વ.27) આઠમનો ઉપવાસ રાખ્યો હતો. રાત્રે ઉપવાસ છુટતા સમયે માતા સરલા તેમજ પુત્ર રોશન (ઉ.વ.10) અને પુત્રી શાહી પાટીલ (ઉ.વ.8) તેમજ અમૃતા પાટીલ (ઉ.વ.12)એ વઘારેલી ખીચડી અને ત્યારબાદ સફરજન ખાધા હતા. પાટીલ પરિવાર સુઇ ગયા બાદ મળસ્કે સાડા ત્રણ ચાર વાગ્યે માતા-પુત્રી અને બંને પુત્રોને ઝાડા વોમિટ થવા લાગ્યા હતા. તબિયત લથડતા ત્રણેયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top