SURAT

સુરત: મતદાનને લઈ ચૂંટણી તંત્રએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ફાળવણી શરૂ કરી

સુરત: (Surat) સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો (Assembly Seats) પર આગામી તા.1લી ડિસેમ્બરે મતદાન અને તા.8મી ડિસેમ્બરે મતગણતરી બિલકુલ નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે સ્થાનિક ચૂંટણી પંચ (Election Commission) કટિબદ્ધ છે. એડવાન્સ પ્લાનિંગ સાથે આગળ વધી રહેલા સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ આજે વિધાનસભા મત વિસ્તાર અને પોલિંગ બુથ અનુસાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની (Electronic Voting Machine) ફાળવણી પણ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ દરેક આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરોએ પોતપોતાના મત વિસ્તારમાં જેટલા પોલિંગ બુથ છે તે ઉપરાંત 10 ટકા રિઝર્વ, વીવીપેટ સહિતની સામગ્રીઓને શોર્ટલિસ્ટ કરીને તેને સ્ટ્રોંગ રૂમમાં મૂકવા સુધીની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. હાલમાં દરેક મતદાન મથક અનુસાર આ સામગ્રીને લોક એન્ડ કીમાં મૂકવામાં આવશે જે મતદાનના બે દિવસ અગાઉ જે તે મતદાન મથકો સુધી ડિસ્પેચ કરવામાં આવશે.

બીજી તરફ આજે સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ તા.1લી ડિસેમ્બરના રોજ યોજનારા મતદાન માટે પોલિંગ સ્ટાફની ફાળવણી તેમજ રિલિવર્સની નિમણૂકોનું કામ કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોથી હાથ ધર્યું હતું. સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ તમામ 16 વિધાનસભા મત વિસ્તારમાં પોલિંગ ઓફિસરથી લઇને સેવક ભાઇઓ સુધીના સ્ટાફની નિયુક્તિ કરી છે તદુપરાંત 10 ટકા જેટલા રિઝર્વ અને રીલિવર સ્ટાફની પણ નિયુક્તિઓ કરી છે. હવે પોલિંગ સ્ટાફને મતદાન મથકની ફરજ અંગેના ઓર્ડર ઇશ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ઇવીએમ માટે સ્ટ્રોંગ રૂમો પણ ઉભા કરી દેવામાં આવ્યા
સુરત જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ દરેક વિધાનસભા મત વિસ્તાર અનુસાર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સની જાળવણી માટે સ્ટ્રોંગ રૂમોને સાધન-સુવિધા સાથે સજ્જ કરી દેવામા આવ્યા છે. સ્ટ્રોંગ રૂમોને વાઇફાઇ સુવિધા ઉપરાંત ચોવીસે કલાક ચુસ્ત પોલિસ બંદોબસ્તથી સજ્જ કરી દેવામાં આવ્યા છે. મતદાન પહેલા અને મતદાન થયા પછી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સની જાળવણી સ્ટ્રોંગ રૂમોમાં થવાની હોય ત્યાં 100 મીટર ત્રિજ્યામાં પ્રવેશ નિષેધ કરી દેવામાં આવ્યો છે.

ચોથા દિવસે પણ એકેય ઉમેદવારી નહીં, 230 ઉમેદવારીપત્રો ઇશ્યુ થયા
સુરત શહેર જિલ્લામાં આવેલી કુલ 16 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થયાના સતત ચોથા દિવસે એકેય ઉમેદવારે ઉમેદવારીપત્રક જમા કરાવ્યું નથી. આજે ચોથા દિવસે પણ ઉમેદવારો અને તેમના ટેકેદારો દ્વારા ફક્ત કોરા ઉમેદવારીપત્રકો લઇ જવામાં આવ્યા હતાં. આજે કુલ નવા 230 ઉમેદવારીપત્રકો ઇશ્યુ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં સુરત શહેર જિલ્લાની કુલ 16 બેઠકો માટે 623 ઉમેદવારીપત્રકો ઇશ્યુ થઇ ચૂક્યા છે. આજે બુધવાર તા.9મી નવેમ્બરના રોજ સૌથી વધુ ઉમેદવારીપત્રકો ચોર્યાસી મત વિસ્તારમાંથી ઇશ્યુ કરવામાં આવ્યા હતા. ચોર્યાસી બેઠકના કુલ 30 ઉમેદવારીપત્રો લિંબાયત બેઠકના 27 ઉમેદવારીપત્રકો, ઓલપાડના 16, માંગરોળના 6, માંડવીના 7, કામરેજના 3, સુરત પૂર્વના 27, સુરત ઉત્તરના 14, વરાછા રોડ 14, કરંજના 19, ઉધના 18, મજુરા 22, સુરત પશ્ચિમ 8, ચોર્યાસી 30, બારડોલી 5 અને મહુવા બેઠકના 2 ઉમેદવારીપત્રો વહેંચાયા હતાં.

Most Popular

To Top