SURAT

કોપીરાઈટ મામલે ઇઝરાઈલની કંપનીના વરાછા, કાપોદ્રાની ડાયમંડ મશીનરી બનાવતી કંપનીઓમાં દરોડા

સુરત: (Surat) હીરા ઉદ્યોગમાં (Diamond Industries) આધુનિક ડાયમંડ મશીનરી ઉદ્યોગમાં મોનોપોલી ધરાવનાર ઇઝરાઈલની જાણીતી કંપનીને મળેલી બાતમીના આધારે પોલીસ રક્ષણ મેળવી વરાછા, સુમુલ ડેરી રોડ અને કાપોદ્રાની 4 લોકલ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ (Manufacturing Company) સામે પ્લાનર મશીન ગેલેક્સીની કોપી કરવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આ 4 કંપનીમાંથી બે દિવસ પહેલાં ડેટા મેળવી 200 સ્થાનિક હીરાનાં કારખાનાં કે જે ડોમેસ્ટિક મશીનરી ઉત્પાદક કંપનીઓ ડી-ડાયમંડ, એચએલટી, બી-જેમ્સ અને પી-જેમ્સના ટૂંકા નામથી જાણીતી કંપનીઓ સામે ઇઝરાયલની STના ટૂંકા નામથી જાણીતી કંપનીએ કોપી રાઈટ ભંગની કાર્યવાહી કરી છે. આ મામલે હવે ઇઝરાયલની કંપની ડુપ્લિકેટ મશીનરી ગેલેક્સી બનાવનાર 4 કંપની અને વપરાશકર્તા 200 હીરા કારખાનેદાર સામે કોર્ટમાં કોપીરાઈટનો કેસ દાખલ કરશે.

200 નાના અને મધ્યમ હરોળના હીરાના કારખાનેદાર સામે કાર્યવાહીને લઈ ડાયમંડ એસો.નો વિરોધ
સુરત:સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીએ ઇઝરાયલની ડાયમંડ મશીનરી અને સોફ્ટવેર બનાવતી કંપની દ્વારા 200 નાના અને મધ્યમ હરોળના હીરાના કારખાનેદારો સામે કાર્યવાહીને લઈ વિરોધ નોંધાવ્યો છે. વિદેશી કંપની કહેવાતી ડુપ્લિકેટ મશીનરી કે સોફ્ટવેર બનાવનાર કંપનીઓ સામે કાર્યવાહી કરે એ પણ યોગ્ય નથી. કારણ કે, તેઓ નવું ક્રિએશન જોડતા હોય છે. એવી જ રીતે વપરાશકર્તા કારખાનેદારોને હેરાન કરે એ યોગ્ય નથી. આર્થિક તાકાત અને વગના કારણે એક જાણીતી કંપની દ્વારા ગઈકાલે ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં કોપી રાઈટ્સના ઈસ્યુને લઈને 200 કંપની પર કાર્યવાહી કરાવવામાં આવી છે. જે યોગ્ય નથી. કારણ કે, હાલમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે રત્નકલાકારોની રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

મંદીના સમયે આવી રીતે અચાનક કાર્યવાહીથી કારખાનાનાં કામો બંધ થઈ જાય અને કામદારોને પણ કામ ન મળે તેવી ભીતિ ઊભી થઈ છે. જે કંપનીઓ ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી છે તેના કારણે હીરા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન જઈ શકે અને નાનાં-મોટાં કારખાનાંનું કામ અટકી જાય તેવી શક્યતા છે. હીરા ઉદ્યોગના હિતમાં જે કંપનીઓ પર કાર્યવાહી થઈ રહી છે, એમના માટે સુરત ડાયમંડ એસોસિએશનની આગેવાની હેઠળ સરકારમાં રજૂઆત કરવામાં આવશે. આ માટે જે કંપનીઓની કનડગત થઈ છે તેમના પ્રતિનિધિઓએ તા.૨૩.૦૫.૨૦રર ને સોમવારના રોજ સવારે ૧૧ કલાકે સુરત ડાયમંડ એસોસિએશનની આફિસ પર ભેગા થવા ડાયમંડ એસો.ના મંત્રી દામજી માવાણીએ અપીલ કરી છે. જો કે, ઉદ્યોગનું એક જૂથ કહે છે કે, કોપી રાઇટ્સને પ્રોત્સાહન આપતી કંપનીઓનો ડાયમંડ એસો.એ શા માટે બચાવ કરવો જોઈએ. નાના કારખાનેદારો વતી ચોક્કસ અવાજ ઉઠાવવો જોઈએ.

Most Popular

To Top