uncategorized

સૂર્યા મરાઠીની ગેંગના સાગરીતની હત્યાના ગુનામાં ફરાર ધર્મેશ ટુનટુનને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો

સુરત: (Surat) સૂર્યા મરાઠીની ગેંગના (Gang) સાગરીતની હત્યાના (Murder) ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી બહેનના લગ્નના બહાને વચગાળાના જામીન પરથી ફરાર થયેલા ટુનટુન ગેંગના (Tun Tun Gang) મુખ્ય સુત્રધાર ધર્મેશ ટુનટુનને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ઝડપી પાડ્યો હતો. આરોપી બે દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. તે વતન બિહાર ભાગી ગયો અને નેપાળ ફરવા જતો રહેતો હતો.

  • સૂર્યા મરાઠી ગેંગના સાગરીતની હત્યાના ગુનામાં ફરાર ટુનટુન ગેંગનો સુત્રધાર ઝડપાયો
  • બહેનના લગ્નના બહાને વચગાળાના જામીન લઈ વતન ભાગી ગયો હતો
  • બિહાર અને નેપાળ ગયો, પરત આવી વતનમાં ખેતી અને મરઘા કેન્દ્ર ચલાવતો હતો

ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વેડ રોડ, ત્રિવેણી સોસાયટીની બાજુમાં સરદાર હોસ્પિટલ વાળા રોડ પર ટુનટુન ગેંગનો મુખ્ય સૂત્રધાર ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી ધર્મેશ ઉર્ફે ટુનટુન બિરગુનાથ યાદવ (ઉ.વ.૩૦, રહે.૬૦ ત્રિવેણી સોસાયટી, વેડ રોડ, ચોક બજાર, સુરત તથા મુળ બરોલી ચંદનપેલા ગોપાલગંજ બિહાર) ને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2013 માં ચોકબજાર વેડરોડ ખાતે સૂર્યા મરાઠીની ગેંગના માણસો સાથે અવાર-નવાર ગેંગવોર થતી હતી. જેની અદાવત રાખી સૂર્યા મરાઠીના સાગરીતની હત્યા કરી હતી.

આ અંગે હત્યાની ફરિયાદ નોંધાતા આ ગુનામાં ટુનટુનની ધરપકડ કરાઈ હતી. બાદમાં હત્યાના ગુનામાં લાજપોર મધસ્થ જેલ ખાતે સળીયા પાછળ ધકેલાયો હતો. વર્ષ 2018 માં આરોપીએ પોતાની બહેનના લગ્ન માટે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો. બાદમાં હાજર થવાની જગ્યાએ ભાગી છુટ્યો હતો. ત્યારથી પોલીસની નજર ચુકવી નાસતો ફરતો હતો. દરમિયાન ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પોલીસની નજરથી બચવા પોતાના વતન ભાગી ગયો હતો. ત્યાંથી નેપાળ ભાગી જતો હતો. અને વતનમાં જ ખેતી કરતો અને મરઘા કેન્દ્ર ચલાવતો હતો. બે દિવસ પહેલા જ સુરત આવ્યો હતો અને ક્રાઈમ બ્રાંચે તેને દબોચી લીધો હતો.

Most Popular

To Top