SURAT

સુરત: ક્રેન પર કામ કરતા યુવકને કાર ચાલક કારના બોનેટ ઉપર લટકાવી અડધો કિલોમીટર ઢસડી ગયો

સુરત: (Surat) ઘોડદોડ રોડ પર ટ્રાફિક નિયમન કરાવવા નીકળેલી ક્રેનના પોલીસ (Police) કોન્સ્ટેબલ સાથે ચાર જણાએ ગાળાગાળી કરી હતી. અને ક્રેન (Crane) પર મજુરી કરતા યુવકને બોનેટ (Bonnet) પર બેસાડી અડધો કિલોમીટર સુધી લઈ ગયા હતા. બાદમાં તેમને ટ્રાફિકમાં પકડી લેવાયા હતા. અને તેમની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

  • ક્રેન પર કામ કરતા યુવકને ચાલક કારના બોનેટ ઉપર બેસાડીને અડધો કિલોમીટર ઢસડી ગયો
  • ઘોડદોડ રોડ પર ટ્રાફિક નિયમન કરાવવા નીકળેલી ક્રેનના પોલીસ કોન્સ્ટેબલ સાથે ચાર જણાની ગાળાગાળી
  • પોલીસે કાર ચાલકને પકડી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ડિંડોલી ખાતે રહેતા અને ટ્રાફિક પોલીસમાં રીજીયન 3 માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય રતનસિંગ રામસિંગભાઈએ ઉમરા પોલીસ સ્ટેશનમાં સાગર મધુભાઇ નકુમ (રહે- ૩૦૩, મણીભટ્ર કેમ્સ ગોડાદરા), સુનિલભાઇ પ્રવિણભાઇ ઢોલા (રહે-૧૬૧,ચામુડા સોસાયટી, વરાછા), અમિતભાઇ મેરામણભાઇ વરૂ (રહે-ગામ- ખીજદડ, તા.રાણાવાવ, જી.પોરબંદર) તથા અજયભાઇ મધુભાઇ મોર (રહે-, ઘર નં-૨૦, સરોવલ વિલા સોસાયટી ગોડદરા) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે તેઓ ફરજ પર હાજર હતા.

રસ્તા પર ‘નો પાર્કીંગ’માં મુકેલી ગાડીઓ સામે તેમની ટીમને લઈને કાર્યવાહી કરવાની કામગીરી કરતા હતા. તેમની સાથે ક્રેન ઉપર એક મજુર વિજય સુરવાડે પણ હતો. ઘોડદોડ રોડ પર એક કાર (જીજે-05-આરસી-8187) રોડ પર ટ્રાફિકને અવરોધરૂપ મુકી હતી. અને કારના તમામ કાચ પણ કાળા કલરના હતા. જેથી તેઓ કારને ટોઈન્ગ કરીને લઈ જવાની કાર્યવાહી કરતા હતા. ત્યારે એક વ્યક્તિએ આવીને પોતે કાર માલિક હોવાનું કહ્યું હતું. તેનું નામ સાગર મધુભાઇ નકુમ હોવાનું કહ્યું હતું. અને ઉશ્કેરાઈને દંડ ભરવાની ના પાડી ગાળાગાળી કરી હતી.

કારની આગળ વિજય સુરવાડે ઉભો હોવા છતાં કાર ચાલુ કરીને આગળ જવા લાગ્યો હતો. જેથી વિજય સુરવાડે બોનેટ પર ચઢી રોકવા જતા તેને બોનેટ પર બેસાડી આશરે અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. ટ્રાફિકમાં બુમાબુમ કરીને તેને પકડી લેવાયો હતો. પોલીસે તેની સાથે કારમાં બેસેલા ત્રણેયને બહાર કાઢતા પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. અને ઝપાઝપી કરવા લાગતા પીસીઆર વાન બોલાવી તેમની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top