SURAT

સુરત સેન્ટ્રલ ઝોનના આ રસ્તાઓ 52 દિવસ સુધી બંધ, પાલિકા દ્વારા પાણીનું નવું નેટવર્ક નંખાશે

સુરત: (Surat) શહેરના વોલ સિટી વિસ્તાર સેન્ટ્રલ ઝોનમાં (Central Zone) સુરત મનપા દ્વારા (Corporation) જુની પાણીની લાઈનની જગ્યાએ નવા નેટવર્ક નાખવાની કામગીરી કરવામાં આવશે. જેના કારણે શહેરના સગરામપુરા અને રુસ્તમપુરાના આ રસ્તાઓ 52 દિવસ સુધી લોકોની અવર જવર માટ બંધ રહેશે. જે અંતર્ગત સગરામપુરા ડી.એમ.એ.માં મોટો મહોલ્લો રોડ (Road) જંક્શન, વૈશાલી વડાપાંવ જંકશનથી રૂસ્તમપુરા પોલીસ ચોકી તરફ જતા રોડ જંકશન સુધી તેમજ અગિયારી મહોલ્લો રોડ જંક્શનથી રૂસ્તમપુરા પોલીસ ચોકી સુધીના રોડ પર આ કામગીરી કરવાની હોય, તા. 22-10 થી 15-12 દરમિયાન એટલે કે, કુલ 52 દિવસ માટે આ રોડ બંધ રાખવામાં આવશે. જેમાં મોટો મહોલ્લો રોડ જંક્શન, વૈશાલી વડાપાંવ જંક્શનથી રૂસ્તમપુરા પોલીસ ચોકી તરફ જતા રોડ જંક્શન સુધી તેમજ અગિયારી મહોલ્લો રોડ જંક્શનથી રૂસ્તમપુરા પોલીસ ચોકી સુધીનો રોડ 52 દિવસ માટે તમામ રાહદારીઓ તેમજ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ મુકવામાં આવશે.

આ દિવસો દરમિયાન વિકલ્પરૂપે રિંગરોડને (Ring Road) લાગુ આંતરિક ગલીઓનો ઉપયોગ કરી તથા ઉધના દરવાજાથી પુતળી સર્કલ થઈ નવસારી બજાર ચાર રસ્તા થઈ આંબાવાડી કાલીપુલ- ડી.કે. એમ.હોસ્પિટલ- કોટસફીલ મેઈન રોડ તરફ આવન-જાવન કરી શકાશે અને રોડને લાગુ આંતરિક ગલીઓનો ઉપયોગ કરી શકાશે. રસ્તાના ભાગ પર કામગીરી પુરી થશે તેમ તેમ તેટલા ભાગનો રસ્તો નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે તબક્કાવાર રીતે ખુલ્લા કરવામાં આવશે.

દિલ્હી ગેટ સર્કલથી ફાલસાવાડી તરફ જતો રોડ આજથી 2 મહિના માટે બંધ
સેન્ટ્રલ ઝોન (વોલ સિટી) વિસ્તારમાં રિહેબિલિટેશનની કામગીરી અંતર્ગત જુની હયાત પાણીની લાઇનોની જગ્યાએ નવું નેટવર્ક નાંખવાની યોજના હેઠળ પ્રથમ તબક્કે લાલદરવાજા ડી.એમ.એ.માં રિંગરોડ પર દિલ્હી ગેટ સર્કલથી ફાલસાવાડી તરફ જતા રોડ જંકશન સુધી (સેન્ટ્રલ ઝોન તરફના લેન પર) પાણીની લાઈન નાંખવાની કામગીરી કરવાની હોય, તા. 22-10 થી તા. 31-12 એટલે કે, 68 દિવસ માટે આ રસ્તો બંધ રખાશે. દિલ્હી ગેટ સર્કલથી ફાલસાવાડી તરફ જતા રોડ જંકશન સુધીનો રોડ, તમામ રાહદારીઓ તેમજ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. વિકલ્પરૂપે આંશિક રોડ તથા લાગુ ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરી શકાશે. રસ્તાના ભાગ પર કામગીરી પુરી થશે તેમ તેમ તેટલા ભાગનો રસ્તો નાગરિકોની સુવિધા માટે અંશતઃ રીતે તબક્કાવાર રીતે ખુલ્લા કરવામાં આવશે.

Most Popular

To Top