SURAT

સુરતમાં નોંધાયો ઓમિક્રોનનો ત્રીજો કેસ: બોત્સવાનાથી આવેલા હીરા વેપારીને ઓમિક્રોન

સુરત(Surat): દેશ અને દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના (Corona) ઓમિક્રોન (Omicron) વેરિએન્ટનો સુરતમાં (Surat) આજે ત્રીજો કેસ નોંધાયો છે. બોત્સવાનાથી આવેલા અને છાપરાભાઠા-વરિયાવ રોડ ખાતે રહેતા 32 વર્ષિય હીરાના વેપારીને ઓમિક્રોન વેરિએન્ટથી કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે. આ વેપારી ગત તા.1લી ઓકટો.ના રોજ બોત્સ્વાના ગયા હતા અને તારીખ 11મી ડિસે.ના રોજ ઇથોપિયા એરલાઇન્સની ફ્લાઇટમાં ગેબ્રોનથી અદિસા અબાબા (ઇથોપિયા) સુધીની મુસાફરી કરી દિલ્હી અને ત્યાંથી તેઓ સુરત આવ્યા હતા. જ્યારે દિલ્હી એરપોર્ટ પર તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે નેગેટિવ આવ્યો હતો પરંતુ સુરત આવતાં તેમને મનપાની ટીમ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં.

દરમિયાનમાં ગત તા.19મી ડિસે.ના રોજ તેમનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવતા તકેદારીના ભાગ રૂપે ખાનગી હોસ્પિ.માં લઈ જવામાં આવ્યા હતા. આ વેપારીનો સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યો હતો. જે તા.27મી ડિસે.ના રોજ ઓમિક્રોન વેરિએન્ટ હોવાનું બતાવતો હતો. મનપા દ્વારા તેમના કોન્ટેક ટ્રેસિંગ કરી સોશિયલ અને પ્રોફેશનલ કોન્ટેકસનું ધનવંતરી રથ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 61 લોકોના ટેસ્ટ કરાયા હતાં. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ વેપારીએ કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ 8 જૂન અને બીજો ડોઝ 2 સપ્ટેમ્બરના દિવસે લીધો હતો. હીરાના વેપારીને ઓમિક્રોનનની સાથે સુરતમાં ઓમિક્રોનના હવે કેસની સંખ્યા 3 થઈ જવા પામી છે.

સુરતમાં એક તરફ ઓમિક્રોનનો વધુ એક કેસ મળ્યો છે તો બીજી તરફ તાજેતરમાં થયેલા રાજકીય કાર્યક્રમોમાં કોરોનાની ગાઈડલાઈનની ઐસીતૈસી કરવાનું પરિણામ હવે બહાર આવી રહ્યું છે. સુરતમાં રવિવારે સાયક્લોથોન, નદી ઉત્સવ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના નેતાઓ માસ્ક વિના નજરે પડ્યા હતા. હવે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ હવે સુરત મહાપાલિકાના ડે.મેયર દિનેશ જોધાણી અને સાથે સાથે સુરત ભાજપના મહામંત્રી કિશોર બિંદલ તેમજ તેમના પત્ની કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે સુરતમાં સોમવારે કોરોનાના 22 કેસ નોંધાયા છે.

સુરતમાં જે 22 કેસ નોંધાયા તેમાં રાંદેર અને અઠવા ઝોનમાં 7-7 અને વરાછા-એ અને કતારગામ ઝોનમાં 3-3 તેમજ વરાછા-બી અને લિંબાયત ઝોનમાં 1-1 કેસ નોંધાયા હતા. જેમાં 47 વર્ષીય સ્ત્રી, 28 વર્ષીય પુ., 49 વર્ષીય પુ., 61 વર્ષીય સ્ત્રી કે જેઓ નોન હાઈ રિસ્ક દેશો અનુક્રમે દુબઈ, ઓસ્ટ્રેલિયા, અને અમેરિકાથી આવેલા છે. જેઓની તબિયત હાલ સારી છે. તેમ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. સુરતમાં ભાજપના નેતાઓ પોઝિટિવ આવતાં આ કાર્યક્રમમોમાં હાજર રહેલા અન્ય નેતાઓમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
સુરત શહેરમાં આવેલા કુલ 22 પોઝિટિવ કેસમાંથી વિધાકુંજ શાળા,પાલનપુર પાટિયામાં 1 વિધાર્થિની, કે પી કોમર્સ કોલેજમા 1 વિદ્યાર્થીની, ડી.આર.બી કોલેજમાં 1 વિદ્યાર્થી પોઝિટિવ આવી હતી. તેથી જે તે વિદ્યાર્થીઓના વર્ગ બંધ કરાવાયા હતા. મનપા દ્વારા સોમવારે શાળામા તથા કોલેજમાં વિધાર્થીઓના ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 70 જેટલા વિધાર્થીઓના ટેસ્ટિંગ કરતા રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં.

સોમવારે શહેરમાં નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાં રાંદેર ઝોનમાં આવેલા પાલનપોર કેનાલ રોડ પરની દિવ્યાંગ સોસાયટીમાં એક જ પરિવારના 2 સભ્યો પોઝિટિવ આવતા આ સોસાયટી સીલ કરાઈ હતી. પરિવારના સભ્યોમાં 75 વર્ષના વૃધ્ધ અને વિદ્યાકુંજ શાળાનો વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો.

Most Popular

To Top