SURAT

સુરત : અલથાણમાં બેરોજગારોને લોભામણી લાલચ આપી પૈસા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું

સુરતઃ શહેરના ખટોદરા પોલીસની હદમાં અલથાણ ખાતે ગુરુવારે સાંજે કોલ સેન્ટર ઝડપાયું હતું. આ કોલ સેન્ટરમાં રાજ્ય બહારના લોકોને ડેટા એન્ટ્રી (DATA ENTRY)ના નામે કામ આપી છેતરપિંડી કરી તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા. ખટોદરા પોલીસે રેડ (RAID) કરી 5 મહિલા સહિત 13ને ઝડપી પાડી મોબાઈલ, લેપટોપ અને સોફ્ટવેર સહિતની સામગ્રી કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ખટોદરા પોલીસે બાતમીના આધારે ગુરુવારે સાંજે શહેરના અલથાણ સોહમ સર્કલ પાસે અલથાણ એન્કલેવમાં કોલ સેન્ટર (CALL CENTER) ઝડપી પાડ્યું હતું. પોલીસે રેડ કરી 5 મહિલા સહિત કુલ 13 જણાને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે મોબાઈલ ફોન, સિમ કાર્ડ, લેપટોપ, સર્વર સહિતની વસ્તુઓ કબજે કરી હતી. વિવેક રાજપૂત નામના વ્યક્તિ દ્વારા આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. પોલીસે વિવેક રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો છે. આ કોલ સેન્ટરમાં ક્વીકર જોબ્સ નામની સાઈટ પરથી ડેટા ચોરી કરી તેનો મિસ યૂઝ કરવામાં આવતો હતો.

ક્વીકર જોબ્સ સાઈટ (QUICKER JOB SITE) પર દેશભરમાંથી નોકરીની જરૂરિયાત હોય તે અને જેમણે સ્ટાફની જરૂર હોય તેવા લોકો માહિતી મૂકતા હોય છે. આ ટોળકી દ્વારા નોકરીની જરૂર હોય તેવા લોકોને ફોન કરી જોબ ઓફર કરવામાં આવતી હતી. તેઓ ડેટા એન્ટ્રીનું કામ આપતા હતા. અને એક ફોર્મના 25થી 30 રૂપિયા આપતા હતા. એક અઠવાડિયાનો સમય નક્કી કરીને તેઓ એગ્રીમેન્ટ કરી લેતા હતા. એક અઠવાડિયાના ટાસ્કમાં જો સફળ ન થયા તો પેનલ્ટી વસૂલતા હતા. ખટોદરા પોલીસે કોલ સેન્ટર પર દરોડો પાડી ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. છેલ્લા એકાદ મહિનાથી જ આ કોલ સેન્ટર શરૂ થયું હોવાનું જાણવા મળ્યું છે.

સોફ્ટવેર ટાસ્ક પૂરો ન થવા દે અને 5000 પેનલ્ટી ભરવી પડે

આ ટોળકી દ્વારા એ પ્રકારનું સોફ્ટવેર (SOFTWARE) બનાવવામાં આવ્યું હતું કે, તે અઠવાડિયામાં આપેલો ટાસ્ટ પૂરો જ ન થવા દે. અનેક પ્રયત્નો પછી પણ ટાસ્ક પૂરો ન થતો હતો. અને અંતે નોકરી મેળવવા આવેલી વ્યક્તિને પાંચ હજારથી લઈ બને એટલી વધારે પેનલ્ટી ચૂકવવી પડતી હતી.

મોટા ભાગના ભોગ બનનાર ગુજરાત બહારના

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ કોલ સેન્ટરમાં 13 જણાને ઝડપી પાડ્યા છે. આ લોકોએ અત્યાર સુધી સેંકડો લોકો પાસેથી પેનલ્ટીના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા હશે. વધુમાં મોટા ભાગના ભોગ બનનાર લોકો ગુજરાત બહારના હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, તપાસ દરમિયાન વધારે વિગતો સામે આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top