Business

સુરતમાં યુવકને ભાગીદાર બનાવવાની લાલચ આપી નોકરી છોડાવી પછી વેપારીએ એવો કર્યો ખેલ કે..

સુરત : (Surat) ફોઇલ પ્રિન્ટીંગનું (Foil Printing) કામ શીખવાડીને વેપારમાં ભાગીદાર (Partner) બનાવી એક યુવક પાસેથી રૂા. 48.50 લાખની મશીનરી લઇને ઠગાઇ (Cheating) કરાઇ હતી. વેપારીને શરૂઆતમાં સરખો હિસ્સો આપવાનું કહીને બાદમાં તેને 30 ટકા જ હિસ્સો અપાયો હતો. આ ઉપરાંત અન્ય વેપારીઓના 30 થી 40 લાખના બિલ પણ અટકાવી દેવામાં આવતા પોલીસ ફરિયાદ થઇ હતી.

  • ભાગીદારને ઉલ્લુ બનાવી વેપારી 48 લાખની મશીનરી લઇ ગયો
  • સરખા હિસ્સાના ભાગીદાર હોવાનું કહીને કરારમાં પોતાનો 70 અને બીજાનો 30 ટકા હિસ્સો લખી ઠગાઇ
  • ભાગીદારોમાં ઝઘડો થતા રૂા. 40 લાખના બિલ પણ અટકાવી દેવાયા

પ્રાપ્ત વિગતો મુજબ ભેસ્તાનમાં સુંદરમ સ્ટેટ્સમાં રહેતા મહેશકુમાર બચ્ચાપ્રસાદ કુશ્વાહા પલસાણા ચોકડી પાસે આવેલી ફોઇલ હબ પ્રા. કંપનીમાં મેનેજમેન્ટ હેડ તરીકે નોકરી કરે છે. તેઓ અલગ અલગ કંપનીમાં ઓર્ડર લેવાનું કામ કરે છે. સને-2016માં તેમની મુલાકાત પાંડેસરા જીઆઇડીસી હાઇટેક પાર્ક, કશીસ મેટાલિક પ્રા.લી.ના નામે વેપાર કરતા વેપારી મનીષ અરવિંદલાલ જરીવાલાની સાથે થઇ હતી. મનીષભાઇએ મહેશકુમારને ફોઇલ પ્રિન્ટીંગનું કામ શીખવાડીને ઉધનામાં ભાગીદારીમાં કામ શરૂ કરવાનું કહ્યું હતું.

બાદમાં ઓક્ટોબર-2016માં લક્ષ્મી ક્રિએશનમાંથી 5 લાખની કિંમતનું ડિ-ફોલ્ડીંગ મશીન, 3.50 લાખનું બેચીંગ મશીન, 2 લાખનું ફોલ્ડીંગ મશીન, 13.75 લાખના 125 ડિઝાઇન રોલ તેમજ 1 લાખના રબર રોલ મળી કુલ્લે રૂા.48.50 લાખની મશીનરી ખરીદીને મનીષ જરીવાલાના કારખાનામાં શીફ્ટ કરાઇ હતી. બાદમાં મહેશભાઇ વતનમાં માતાજીના ખબરઅંતર પુછવા ગયા ત્યારે મનીષભાઇએ તમામ મશીનરી પાંડેસરામાં પોતાના જ કારખાનામાં શીફ્ટીંગ કરી નાંખી હતી.

આ ઉપરાંત જે ભાગીદારી કરાર બનાવ્યો હતો. તેમાં બંનેએ 50 ટકાનો હિસ્સો રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ મનીષ જરીવાલાએ પોતાનો 70 ટકા અને મહેશભાઇનો 30 ટકા જ હિસ્સો રાખ્યો હતો. આ ઉપરાંત મનીષ જરીવાલાએ મહેશભાઇના પુત્ર મોહિતના નામની કંપની શરૂ કરીને બારોબાર વહીવટ શરૂ કરી દીધો હતો. આખરે મહેશભાઇએ પોતાની મશીનરી પરત માંગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બનાવ અંગે મનીષ જરીવાલાની સામે પાંડેસરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top