SURAT

રાજ્ય સરકારે સુરત એરપોર્ટ પર રન-વે માટે જમીન સંપાદન નહીં કરવા પત્ર લખી જાણ કરી

સુરત: સુરત એરપોર્ટનો વર્તમાન રન-વે (Surat airport runway) 2905 મીટરથી લંબાવી 3810 મીટરનો કરવા અને તેને સમાંતર બીજો રન-વે બનાવવા 2035ના ડેવલપમેન્ટ પ્લાન (development plan)માં જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે પેરેલલ રન-વે (parallel runway) નહીં બનાવવા અને તેના માટે જમીન સંપાદન નહીં કરવા સુરતના જિલ્લા કલેક્ટર (district collector) અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી( SUDA)ને પત્ર લખી જાણ કરી છે.

એક આરટીઆઇ અરજીના ઉત્તરમાં ખુલાસો થયો છે કે ગુજરાત સરકારના સિવિલ એવિએશન વિભાગના ડાયરેક્ટર કેપ્ટન અજય ચૌહાણે વધારાની જમીન સંપાદન નહીં કરવા અને સમાંતર રન-વે નહીં બનાવવા કલેક્ટર અને સુડાને પરિપત્ર ક્રમાંક એવીએન- સુરત-એરપોર્ટ-2020-21-605થી જાણ કરી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ તથા ક્રેડાઇ સુરતના પત્ર સંદર્ભે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે સુરત એરપોર્ટના સમાંતર રન-વે 04આર અને 22એલ માટે જમીન સંપાદનની કાર્યવાહી મોકૂફ રાખવાનું જણાવવામાં આવ્યું છે. તેમ છતાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેને અનુરૂપ ઊંચાઇના નિયંત્રણ ચાલુ રાખવામાં આવ્યા છે. તે તાત્કાલિક ધોરણે હટાવી લેવાની ટેકનિકલ જરૂરિયાત ઉભી થઇ છે.

ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ તથા અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા સુરત સહિત રાજ્યના પાંચ મહાનગરોમાં 70 માળ સુધીના બિલ્ડિંગ નિર્માણ માટેનો નિર્ણય મુખ્યમંત્રીના સ્તરેથી લેવામાં આવ્યો છે. તેમાં સમાંતર રન-વે અને જમીન સંપાદનની કાર્યવાહી અવરોધરૂપ બની શકે છે. તે જોતા ચૌહાણે જિલ્લા કલેક્ટર અને સુડાના મુખ્ય કારોબારી અધિકારીને તેને અનુલક્ષી કાર્યવાહી કરવા જણાવ્યું છે. રાજ્ય સરકારના નિર્ણયથી એરપોર્ટની ફનલ બહારના વિસ્તારોમાં 70માળના બિલ્ડિંગ બનવાની આશાઓ જાગી છે. જોકે અત્યારે 2905 મીટરના રનવેમાંથી માત્ર 2250 મીટરના રનવેનો ઉપયોગ થઇ રહ્યો છે. મોટા વિમાનને લેન્ડિંગ કરવા માટે 27 પ્રોજેક્ટ નડતરરૂપ હોવાથી વેસુ તરફના 615 મીટરના રનવે પર કાપ મુકવામાં આવ્યો છે.

પેરેલલ રનવે માટે એરપોર્ટ ઓથોરિટીએ 687 હેકટર જગ્યા માંગી હતી

સુરત એરપોર્ટ પર પેરેલલ રનવે માટે અગાઉ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે 687 હેકટર જગ્યા માંગી હતી. અગાઉ આભવા ખાતે ઓથોરિટી અને ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં આ માંગણી કરવામાં આવી હતી. જેમાં 39.23 હેકટર જગ્યા તાત્કાલિક ધોરણે એરપોર્ટ ઓથોરિટીની સેવા સુધારવા માટે માંગવામાં આવી હતી.

Most Popular

To Top