SURAT

દેશમાં નવા એરપોર્ટ બનીને શરૂ પણ થઈ ગયા ને સુરત એરપોર્ટ હજી ઠેરનું ઠેર

સુરત: (Surat) વર્ષ 2019 માં 200% થી વધુના પેસેન્જર ગ્રોથ સાથે વર્ષે 15 લાખ પેસેન્જર મેળવનાર સુરત એરપોર્ટથી (Airport) વિમાન સેવાઓ એક પછી એક ઓછી થઈ રહી છે. જેના લીધે પેસેન્જર (Passengers) ગ્રોથના મામલે સુરત સતત પાછળ જઈ રહ્યું છે. દેશના ટોપ 30 શહેરોમાં પણ સુરતને સ્થાન મળી રહ્યું નથી. દેશમાં નવા એરપોર્ટ બનીને શરૂ થઈ ગયા, ત્યાં ઘણી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ (Flight) શરૂ થઈ ગઈ પણ સુરત એરપોર્ટ હજી ઊંચી ઉડાનથી દુર છે.

તાતા ગ્રુપમાં મર્જર પછી એર ઇન્ડિયાની સફળ ફ્લાઈટ સેવાઓ સુરતે ગુમાવી છે. જ્યારે બીજા શહેરોમાં એર ઇન્ડિયા અને અલાયન્સ એરની સેવાઓ ચાલુ રહી છે. સ્પાઇસ જેટ એરલાઈન્સે તો સુરતથી સંપૂર્ણ ઓપરેશન સમેટી લીધું છે. જ્યારે એક સમયે આ એરલાઈન્સે સુરતથી 7 શહેરોની કનેક્ટિવિટી આપી હતી. ગો-ફર્સ્ટ એરલાઈન્સએ સુરત એરપોર્ટ પર સુવિધાઓ ગોઠવી આયોજન રદ કરી દીધું છે. ઓડિશા એરની સેવા પણ અલ્પજીવી રહી હતી. સુરત એરપોર્ટ પર બફેલો હિટની ઘટના પછી તે સમયના એરપોર્ટ ડાયરેક્ટર પ્રમોદકુમાર ઠાકરે વિકાસનાં કામોને ગતિ આપી હતી, પણ એમની બદલી થયાં પછી એકપણ મોટું કામ પૂર્ણ થયું નથી. કોવિડ-19 પછી બીજા શહેરોના એરપોર્ટ ધમધમતા થયા પણ સુરતને હજી જાણે કળ વળી નથી. એર ઇન્ડિયાના ખાનગીકરણ પછી તાતા ગ્રુપે સુરતથી એર ઇન્ડિયાની ફ્લાઇટ તા. 3 માર્ચ 2023થી બંધ કરી એર એશિયાની દિલ્હી, કોલકાતા, બેંગલુરૂની ફ્લાઈટ શરૂ કરી છે. પણ એને લીધે સુરતથી યાત્રા કરતા પેસેન્જરની ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી છીનવાઈ છે. વિસ્તારા એરલાઈન્સે સુરત એરપોર્ટથી સ્લોટ મંજુર કરાવ્યા હતા પણ તાતા ગ્રુપની એરલાઈન્સનાં મર્જર પછી આ સેવા પણ પડતી મુકાઈ છે. બાવાનાં બેઉ બગડ્યા હોય એમ સુરતે એર ઇન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સ જેવી બંને પ્રીમિયમ એરલાઈન્સની સેવાઓ ગુમાવી છે.

ઇન્ડિગો એરલાઈન્સ અત્યારે સુરત એરપોર્ટ પર મુખ્ય એરલાઈન્સ છે. પણ ઇન્ડિગોનું મેનેજમેન્ટ પણ સુરતની ક્ષમતાઓ ઓળખી શક્યું નથી. તે ઘણા નાના નાના શહેરો ને વર્જિન એરલાઈન્સ, અમેરિકન એરલાઈન્સ, કાંતાસ એરલાઈન્સના કોડ શેર થકી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી આપી રહ્યું છે. પણ સુરતને એમાંથી બાકાત રાખ્યું છે. ઇન્ડિગો જેવી મોટી એરલાઈન્સ પણ પટણા લખનઉ વારાણસી ગુવાહાટી કોચી જેવા શેહેરો સાથે સીધી કનેક્ટિવિટી આપવા માટે પણ અક્ષમ જણાઈ રહી છે. વિદેશી એરલાઈન્સ એમિરાત અને થાઈ એરવેયઝ સુરતથી ફ્લાઈટ શરૂ કરવા રસ દાખવી ચુકી છે. પણ બાયલેટરલ કરાર કરવામાં કે સુરત ઓપન કરવામાં ભારત સરકારને રસ નથી. એની અસર ડાયમંડ બુર્સની ઓફિસોના ઓક્શનમાં પણ જોવા મળી રહી છે. બીજી બાજુ સુરત એરપોર્ટ માટે ILS માટે 8 એકર જેટલી જગ્યા પણ મળી શકતી નથી અને અન્ય શહેરો માટે વિશાળ જગ્યા મેળવીને નવા એરપોર્ટ ડેવલપ થઈ ગયા છે. ONGC જેવી કંપની ગેસ લાઈનનો પ્રશ્ન ઉકેલી શકી નથી. કહેવાય છે કે ઉચ્ચ કક્ષાએથી ટર્મિનલ બિલ્ડિંગ ખુલ્લું મૂકવામાં આવનાર છે પરંતુ જો ઉણપો દૂર ના થાય તો આ ટર્મિનલ બિલ્ડિંગની ઉપયોગિતા પર પણ પ્રશ્નાર્થ જ રહેશે.

  • આ ઉણપ પણ હોય શકે ?
  • — એરપોર્ટ માટે જમીન મેળવવા પૂરતા પ્રયાસો ન કરવા
  • — 24X7 ઓપરેશનનો વિલંબિત નિર્ણય ?
  • — ઇન્ડિયન કેરિયરને સુરત એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી આપવામાં રસ ન હોય તેવા કિસ્સામાં બાયલેટરલમાં સમાવેશ ન કરવો,નબળા નેતૃત્વને પગલે એરલાઈન્સ દ્વારા પોઇન્ટ ઓફ કોલમાં સમાવેશ ન કરવો
  • –ઇન્ટરનેશનલ એરપોર્ટનાં માપદંડ મુજબનો ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, ટેક્સી વે અને પાર્કિંગ બેના કામોમાં ખૂબ વિલંબ
  • — દક્ષિણ ગુજરાત અને નોર્થ મહારાષ્ટ્રના કેચમેંટ ધરાવતા વિસ્તારોમાંથી દર વર્ષે હજારો યાત્રીઓ હજ અને ઉમરા માટે મુંબઇ, અમદાવાદથી પ્રવાસ કરે છે. ઈન્ડિગો,વિસ્તારા અને એર અરેબિયા જેવી એરલાઈન્સ આ પેસેન્જરોને લાવે અને લઈ જાય છે એ વ્યવસ્થા પણ સ્થાનિક નેતાઓ બીજા રાજ્યની જેમ સુરત એરપોર્ટ પર ગોઠવી ન શક્યા

Most Popular

To Top