SURAT

જો આ લોકોને રોકવામાં નહીં આવે તો સુરત એરપોર્ટ દેશ માટે કલંક બની જશે

સુરત: સુરત એરપોર્ટ (SuratAirport) પરથી ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ખોટા રસ્તે રૂપિયા કમાવા માંગતા લોકો માટે સુરત એરપોર્ટ ગ્રીન ચેનલ સમાન બની ગયું છે. ચાર વર્ષમાં આવા લુચ્ચાઓ ખોટું કામ કરતા 41 વખત પકડાયા છે. આ ધૂતારા ચીટરોને રોકવામાં નહીં આવે તો સુરત એરપોર્ટ દેશ માટે કલંક બની જશે એવો ભય સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખે વ્યક્ત કર્યો છે.

સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના નામે એક માત્ર શારજાહ–સુરતની ફ્લાઈટ (SharjahSuratFlight) અઠવાડિયામાં 3 વખત શિડ્યુલ છે. તેમ છતાં સુરત એરપોર્ટ પર ખૂબ મોટા પાયે સોનાની દાણચોરી થાય છે. પાછલા ચાર વર્ષમાં સુરત એરપોર્ટ પરથી 20 કિલોથી વધુ દાણચોરીનું સોનું (Gold) પકડાયું છે તે જ દર્શાવે છે કે સુરત એરપોર્ટ દાણચોરોનું (Smugglers) ફેવરિટ બની ગયું છે.

સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઈઝાવાને આરટીઆઈ (RTI) મારફત મળેલી વિગત અનુસાર ચાર વર્ષમાં 20 કિલો જેટલું દાણચોરીનું સોનું પકડાયું છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2019-20 માં 6799.12 ગ્રામ, વર્ષ 2021-22 માં 282.60 ગ્રામ, વર્ષ 2022-23 માં 8955.78 ગ્રામ અને વર્ષ 2023-24માં ઓગસ્ટ મહિના સુધી 4356.69 ગ્રામ સોનું મળીને કુલ 20,394.19 ગ્રામ એટલે કે 20 કીલો ગ્રામ કરતા વધુ દાણચોરી થઈ છે.

ચાર વર્ષમાં 9.85 કરોડનું દાણચોરીનું સોનું પકડાયું
વર્ષ 2019-20 માં રૂપિયા 2.45 કરોડ, વર્ષ 2021-22માં 0.14 કરોડ, વર્ષ 2022-23માં 4.53 કરોડ અને વર્ષ 2023-24માં ઓગસ્ટ મહિના સુધી 2.73 કરોડ મળીને કુલ 9.85 કરોડની કિંમતની દાણચોરી થઈ છે.

સુરત એરપોર્ટ પર ચાર વર્ષમાં દાણચોરીના 41 કેસ નોંધાયા
વર્ષ 2019-20માં 14 વખત, વર્ષ 2021-22 માં 1 વખત, વર્ષ 2022-23 માં 17 વખત અને વર્ષ 2023-24માં ઓગસ્ટ મહિના સુધી 9 વખત મળીને કુલ 41 વખત સુરત એરપોર્ટ પરથી દાણચોરી થઈ છે. કસ્ટમ વિભાગના મદદનીશ કમિશ્નર, સુરત એરપોર્ટ દ્વારા આપવામાં માહિતી મુજબ છેલ્લા 4 વર્ષમાં કોઈ FIR આ 41 જેટલા કેસોમાં કરવામાં આવી નથી. સુરત એરપોર્ટ પર 13 જેટલા કસ્ટમ અધિકારીઓ સુરત પોલીસના અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.

દાણચોરીમાં કસ્ટમના ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાનો આક્ષેપ
તાજેતરમાં સુરત એરપોર્ટથી દાણચોરીનો આક્ષેપ લાગેલા આરોપી પરાગ દવે (ઈમીગ્રેશનના પી.એસ.આઇ., સુરત પોલીસ) માત્ર મોહરો છે. માત્ર એક PSI કક્ષાના અધિકારી આ પ્રકારની ઘટનાને અંજામ ન આપી શકે. કોઇ ઉચ્ચ અધિકારી આ કિસ્સામાં માસ્ટર માઈન્ડ તરીકે કામ કરી રહ્યા છે, સુરત એરપોર્ટથી થઇ રહેલી આ દાણચોરીમાં સુરત પોલીસ અને કસ્ટમ્સનાં ઘણા અધિકારીઓની મિલી ભગત નકારી શકાય નહીં એમ સંજય ઇઝાવાએ આશંકા વ્યક્ત કરી છે.

દાણચોરો માટે સુરત એરપોર્ટ ગ્રીન ચેનલ સમાન બની ગયું છે: સંજય ઈઝાવા, પ્રમુખ સુરત એરપોર્ટ એક્શન કમિટી
સુરત એરપોર્ટ દાણચોરો માટે ગ્રીન ચેનલ સમાન થઇ ગયું છે. દેશના ઇકનોમીને અસર પડી શકે એવા ગોલ્ડ સ્મગલીંગમાં અધિકારીઓ વધુ ધ્યાન આપવું પડશે. શરૂઆતથી જ સ્મગ્લરોની ચેનલ તોડવું પડશે, અન્યથા સુરત એરપોર્ટ દેશ માટે એક કલંક બની શકે છે, જે સુરત એરપોર્ટના વિકાસ અને વિદેશી વિમાની સેવામાં અસર પડશે.

Most Popular

To Top