Charchapatra

આત્મહત્યા: એક કદમ માનસિક સ્વાસ્થ્ય તરફ

શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે આપણે સજાગ છીએ, પરંતુ માનસિક સ્વાસ્થ્ય તરફ કોઈનું ધ્યાન જતું નથી.કોઈ એક વ્યક્તિ આત્મહત્યા શા માટે કરે છે?  શું એ બધી મુશ્કેલીઓનો અંત છે? ના. કદાચ એ વ્યક્તિની સમજ પૂરતો  હોઈ શકે.  આપણે સૌ વારસાગત સમસ્યાનાં માણસ! પરંતુ એના કુટુંબ માટે તો એ  મુશ્કેલી ઊભી કરે છે.તાજેતરમાં  થયેલા સર્વે પ્રમાણે રાજ્યમાં દરરોજ  ૨૩‌ લોકો આપઘાત કરે છે અને સુરત રાજ્યમાં બીજા નંબરે છે. આ પ્રમાણ ચોંકાવનારું નથી? આત્મહત્યાનાં કારણોમાં – આર્થિક સંકડામણ, પ્રેમ પ્રકરણ, ગંભીર બીમારી, પારિવારિક સમસ્યા, પરીક્ષામાં નાપાસ  થવાનો ડર , માનસિક બીમારી  મુખ્ય છે.

રાજ્યમાં આત્મહત્યા રોકવા  અભયમ હેલ્પલાઇન, જિંદગી હેલ્પલાઇન ૧૦૯૬  ચલાવવામાં આવે છે. પરંતુ આ નંબરો  ડાયલ કરશે કોણ?  સમસ્યાગ્રસ્ત વ્યક્તિ પોતે? ના. જો વ્યક્તિ આ નંબર ડાયલ કરવા જેટલી  સ્વસ્થ હશે તો તે આત્મહત્યા જ શા માટે કરે?  આ કામ  એનાં પરિજનો અથવા આજુબાજુ પર્યાવરણમાં રહેતી  સ્વસ્થ વ્યક્તિનું છે. જે આવા બનાવો બનતાં રોકવા સહાયભૂત બની શકે. આ સંદર્ભે રઇશભાઈ મણિયારની પંક્તિ યાદ આવે છે: મરી જવાનું થયું મન , એક ક્ષણ વીતાવી દીધી, પછીની ક્ષણોમાં ઘણું જીવવા સમું નીકળ્યું. તો બોર્ડ એક્ઝામ નજીક છે તો પરીક્ષાર્થીઓ પર focus કરી ,સૌના સહિયારા પ્રયાસથી આવી  ક્ષણોને રોકી  લઇએ.
સુરત     – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

નોટરી એટલે દૂઝણી ગાય
દસ્તાવેજો પ્રમાણભૂત કરાવવા નોટરી સિસ્ટમ અમલમાં છે પણ શાસક પક્ષ વકીલોને નોટરી તરીકે નિમવા માટે કયા માપદંડ અપનાવે છે? કોઈ પણ શાસક પક્ષ ભંડોળભૂખ્યો હોય એ સમજી શકાય અને જ્યાં ઘરાક દેખાય ત્યાં વેપાર કરી લે તે સમજી શકાય, પણ જ્યાં આવે ત્યાં દુકાન માંડી દે તે કેવી વૃત્તિ? આજે ન્યાય માંગનારની સંખ્યા વધી છે અને ન્યાય આપવાની ગતિ ધીમી પડી છે પરિણામે લોકો અદાલતની બહાર ન્યાય શોધતા થઈ ગયા છે છતાં ન્યાયતંત્રનું મહત્ત્વ સચવાય તેમાં વકીલોનો ફાળો નોંધપાત્ર છે. ન્યાયની પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તેમાં વકીલોનો ફાળો મોટો છે. ન્યાયપ્રક્રિયાના દસ્તાવેજો ધોરણસર રહે તેમાં નોટરીઓનો ફાળો નોંધનીય છે જ.

ખાસ કરીને નિવૃત્તિ વય પછી વકીલોને સમસ્યા નડતી હોય છે. એક તરફ વૃદ્ધાવસ્થાને કારણે તબિયત સાચવવાનો ખર્ચો વધે અને બીજી તરફ ઘરમાં કમાણીનું બીજું સાધન નહીં  હોય, કમાઉ દીકરો નહીં  હોય કે અલગ રહેતો હોય એ સિનિયર વકીલની હાલત જોઈ છે? આવા સિનિયર વકીલો નોટરી તરીકે સેવા આપે તેમાં ન્યાયનું હિત સચવાય અને આવા સિનિયર  વકીલોનો દાળ રોટલો પણ નીકળે. કેટલાંક રાજ્યોમાં વકીલોને દસેક વર્ષની પ્રેક્ટિસ પછી આપોઆપ નોટરી પબ્લિક તરીકે કામ કરવાનો અધિકાર મળી જાય છે. આવાં રાજ્યોમાં નોટરી પબ્લિકની સેવા માટે વેપાર નથી ચાલતો, લાચારીનો ગેરલાભ નથી લેવાતો, સરકાર બધા વકીલો ટંકશાળ પાડે છે એવા ભ્રામક ખ્યાલમાંથી બહાર આવે એ જરૂરી છે.
સુરત     – અજય એન. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top