Dakshin Gujarat

‘નાયક’ ફિલ્મની જેમ ભરૂચ જિલ્લામાં ‘સજેશન બોક્સ’ મુકાયાં, લેટર દ્વારા પોલીસ સુધી સમસ્યા પહોંચાડી શકાશે

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસ હવે નગરજનો માટે નાયકની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવૂડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’ (Nayak) ખૂબ પ્રચલિત થઇ હતી. આ ફિલ્મમાં મુખ્યપ્રધાન દ્વારા પ્રજા સાથે સીધો સંપર્ક કેળવવા જાહેર સ્થળોએ સજેશન બોક્સ (Suggestion Box) મૂકવામાં આવ્યાં હતાં. આ બોક્સમાં ફરિયાદ, રજૂઆત અને સૂચનોને આવકારવામાં આવ્યાં હતાં અને તેનું ત્વરિત નિરાકરણ લાવી લોક સુખાકારી વધારવામાં આવી હતી. ભરૂચ પોલીસ પણ હવે નાયક બનવા જઈ રહી છે. જેણે શહેરના અલગ-અલગ 5 સ્થળે સજેશન બોક્સ મુકાવ્યાં છે. આ બોક્સમાં વ્યક્તિ ઓળખ સાથે અથવા ઓળખ છુપાવીને પોલીસને હકીકતથી વાકેફ રાખી શકે છે. સાથે શહેરની સમસ્યાઓ હલ કરવામાં ભાગીદાર બની શકે છે.

  • ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે પ્રારંભિક 5 સ્થળે લેટર બોક્સ મુકાયાં
  • લોકો સજેશન બોક્સ થકી પોતાની વેદના અને સમસ્યા જણાવી શકશે
  • રેલવે સ્ટેશન, નર્મદા બસ સ્ટેશન, તુલસીધામ, નર્મદા પાર્ક અને માતરિયા તળાવ ખાતે બોક્સ મુકાયા

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ લીધા બાદ IPS અધિકારી ડો.લીના પાટીલે પ્રથમ રાઉન્ડમાં કડક અધિકારી તરીકેની છાપ ઊભી કર્યા બાદ હવે એક કડક સ્વભાવના અધિકારીમાં રહેલા માનવતાવાદી વ્યક્તિત્વનાં દર્શન કરાવી રહ્યાં છે. સામાન્ય લોકો પોલીસની દૂર રહેવામાં જ ભલાઈ સમજતા હોય છે. આ કારણોસર ઘણીવાર આસપાસના વિસ્તારમાં અસામાજિક કે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં લોકો નજરઅંદાજ હોય છે. જો કે, હાલમાં પોલીસ સુધી હકીકત પહોંચાડી આમ આદમીએ પોલીસ સ્ટેશન જવું પણ ન પડે તેવી ભરૂચ પોલીસે વ્યવસ્થા તૈયાર કરી છે. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહિત 5 સ્થળે સજેશન બોક્સ મૂકવામાં આવ્યાં છે. આ બોક્સમાં લોકો નિર્ભય બની ફરિયાદ, રજૂઆત અને સૂચનો મૂકી શકે છે. પોલીસ એક ચોક્કસ સમયગાળા બાદ આ બોક્સ ખોલી મળેલા પત્રનો જવાબ કાર્યવાહી અથવા જરૂરી માર્ગથી આપવા પ્રયત્ન કરશે.

ગુના ઉપર નિયંત્રણ આવશે: ભરૂચ એસપી
ભરૂચ એસપી ડો.લીના પાટીલે જણાવ્યું હતું કે, આ પ્રયોગથી લોકો નિર્ભય બની પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ અને રજૂઆત કરી શકશે. ગુના ઉપર નિયંત્રણ સાથે આ સૂચનો જન સુખાકારી માટે મદદરૂપ સાબિત થશે. પ્રજાજનો પણ પોલીસની પહેલને આવકારી રહ્યા છે. આ પ્રકારનાં બોક્સ અસામાજિક તત્ત્વો સામે અસરકારક પૂરવાર થશે.

Most Popular

To Top