Charchapatra

શાકભાજી વેચનારની દીકરી જ્જ બની : અભિનંદન

25 વર્ષીય અંકિતા નાગર નામક લારી પર શાકભાજી વેચનારનાં દીકરી તાજેતરમાં જ્જ બન્યાના સમાચાર આવ્યા છે. માતા લારી પર શાકભાજી વેચી રહી હતી ત્યારે જ પરિણામની પ્રિન્ટ લઈને પહોંચી મમ્મીને કહ્યું, ‘હું જ્જ બની ગઈ’ માની આંખમાં હર્ષાશ્રુ વહી રહ્યા. એક નાનકડા રૂમમાં કાળઝાળ ગરમીમાં છત પર લગાડેલાં પતરાં ગરમ થઈ જતાં હતાં ને કાણા પતરામાંથી ઘરમાં પાણી પડતું હતું. ત્યારે ભાઈએ પૈસા બચાવી કુલર અપાવ્યું હતું. અંકિતા મમ્મીને શાકભાજી વેચવામાં મદદ કરતી હતી. 11 વાગ્યે ઉચ્ચ પરીક્ષા આપવા એકાગ્ર ચિત્તે વાંચવા બેસી જતી હતી. ફી ના પૈસા પણ નહોતા ત્યારે પુસ્તકો વસાવવા પણ  ઉછીના લેવા પડતા હતા. આવા સંઘર્ષમાં એક ગરીબી રેખા હેઠળની અનુસૂચિત જાતિના ક્વોટામાં ઉચ્ચ રેંક મેળવી પાસ થઈ જ્જ બની તે આજના ગરીબ, મધ્યમ વર્ગીય યુવા ભાઈ-બહેનો માટે પણ પ્રેરણારૂપ છે.

આજે પણ આવી પ્રેરણાદાયી ઘટનાઓ રાજ્યમાં દેશમાં બનતી જ રહે છે. એમાંથી બોધપાઠ લઈ યુવક-યુવતીઓએ એકાગ્ર ચિત્તે, પ્રચંડ પુરુષાર્થ કરી GPSC, UPSC જેવી ઉચ્ચ પરીક્ષાઓ પાસ કરી અન્યોને પ્રેરણા પૂરી પાડવી જોઈએ. જેઓ ઉચ્ચ ધ્યેય રાખી, દૃઢ સંકલ્પ કરી પુરુષાર્થ કરવા મંડી પડે છે, તેને માટે કુદરત પણ મદદ કરે છે. ત્રીજા પ્રયત્ને ઉચ્ચ પરીક્ષા પાસ કરી ન્યાયાધીશ બનનારી અંકિતા નાગરને અભિનંદન.
સુરત     – ભગુભાઈ પ્રે. સોલંકી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top