SURAT

દરિયા કિનારાની સફાઈ માટે રોબોટ બનાવી સુરતના વિદ્યાર્થીઓ 50 લાખનું ઈનામ જીત્યા

સુરત(Surat): દરિયા કિનારા (Beach) પર સહેલાણીઓ દ્વારા કચરો ફેંકવામાં આવતો હોવાના લીધે ઘણી ગંદકી થતી હોય છે. તંત્ર દ્વારા વારંવાર સફાઈ કરવા છતાં દરિયા કિનારા ક્લીન થતા નથી ત્યારે આ સમસ્યાના નિવારણનો એક ઉપાય સુરતની કોલેજના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો છે.

સુરતની કોલેજના વિદ્યાર્થીઓએ (College Student) દરિયા કિનારાની સફાઈ માટે રોબોટ (Cleaning Robot) બનાવ્યો છે. ખુશીની વાત એ છે કે આ રોબોટનો પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં વિજેતા બન્યો છે, જેના લીધે સુરતની કોલેજના વિદ્યાર્થીઓને 50 લાખની માતબર રકમનું ઈનામ મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રોબોટ દ્વારા દરિયા કિનારાના કચરાને અલગ કરી સાફ કરવા માટે બીચ ક્લિનિંગ રોબોટ સુરતના કોલેજિયન ગ્રુપ દ્વારા બનાવાયું હતું. એક ખાનગી કંપનીની નેશનલ કોમ્પિટીશનમાં આ રોબોટ પ્રોજેક્ટ પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. આ સ્પર્ધામાં દેશભરમાંથી 70 હજાર પ્રોજેક્ટ સ્પર્ધામાં સામેલ થયા હતા, જેમાં સુરતના વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ વિજેતા થયો હતો. પ્રથમ ક્રમના વિજેતાને 50 લાખનું ઈનામ અપાયું હતું.

એસવીએનઆઈટીની દ્રષ્ટિ ક્લબમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ઈનોવેશન કરવામાં આવતા હોય છે ત્યારે અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓને પોર્જેક્ટ આપવામાં આવે છે. તે પૈકી 12 વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા બીચ ક્લિનીંગ રોબોટનો અનોખો પ્રોજેક્ટ કરાયો હતો. આ ઈનોવટેવિ આઈડિયા રજૂ કરીને રોબોટ બનાવાયો હતો. દરિયા કિનારાના કચરાને સાફ કરવાની સાથે તે અલગ કરે તેવું મશીન આ ગ્રુપે બનાવ્યું હતું.

રોબોટ બનાવનાર વિદ્યાર્થી હર્ષિલ મિસ્ત્રી અને અદિતી તાપડિયાના જણાવ્યા અનુસાર આ રોબોટ તૈયાર કરતા એક વર્ષનો સમય લાગ્યો છે. રોબોટના અલ્ગોરિધમ, હાર્ડવેર અને ઈલેક્ટ્રિક સર્કિટથી લઈને ઈન્ટરફેસિંગ સહિતના વિભાગો પર ઝીણવટપૂર્વક કામ કર્યું હતું. આ મશીન સરળતાથી દરિયા કિનારાનો કચરો સાફ કરવા સાથે તે અલગ કરી શકે છે.

વળી તેને આસાનીથી ચાર્જ કરી શકાય છે. તે બે કલાકથી વધુ સમય સુધી સફાઈ કરી શકે છે. વળી, આ મશીન જરૂરિયાત મુજબની સાઈટમાં બનાવી શકાય છે. હાલ વિદ્યાર્થીઓના ગ્રુપે બે મોડલ બનાવ્યા છે. બંને મોડલ સફળ થયા છે.

Most Popular

To Top