Dakshin Gujarat

ચીખલીની ક્વોરીમાંથી પથ્થરનું મટિરિયલ વહન કરતી સુરતની ટ્રકોને અટકાવતા વિવાદ

ઘેજ : ચીખલીની ક્વોરીમાંથી પથ્થરનું મટિરિયલ (Stone Material) વહન કરવા માટે વાપી તેમજ દમણ તરફથી આવતી ટ્રકોમાં (Truck) પથ્થરનું મટીરીયલ વહન કરતી સુરતની ટ્રકોની સ્થાનિક ટ્રાન્સપોટરો (Transporters) દ્વારા અટકાવતા ક્વોરી સંચાલક અને ટ્રાન્સપોટરો વચ્ચે વિવાદ સર્જાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે મામલો પોલીસ મથકે પહોંચતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મિટિંગ યોજી પ્રશ્નનું નિરાકરણ લાવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે લાંબા સમયથી ચાલી આવેલા આ વિવાદ બાબતે કોઈક દિવસ સ્થાનિક ટ્રાન્સપોટરો અને સુરત હીરા વિભાગના ટ્રાન્સપોટરો તેમજ ક્વોરી સંચાલક વચ્ચે ભારે વિવાદ છેડાઈ તો નવાઈ નહીં, એ પહેલાં વહીવટી તંત્ર આ પ્રશ્નનો ગંભીરતાથી નિકાલ લાવે એ જરૂરી બન્યું છે.

ટ્રક માલિક તેમજ ડ્રાઇવર સાથે વિવાદ
ચીખલીમાં મોટો ક્વોરી ઉધોગ આવેલો હોવાથી રોજિંદી હજારો ટ્રક પથ્થરનું મટીરીયલ અન્ય વિસ્તારમાં સપ્લાય થાય છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉધોગને પણ વેગ મળવા પામ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ટ્રાન્સપોટરો ક્વોરી સંચાલકો અને બહારના વિસ્તારના ટ્રાન્સપોટરો વચ્ચે રિટર્ન ભરીને સુરત જતી ટ્રકો બાબતે નિરાકરણ લાવવા અનેક પ્રયાસો કરવા છતાં પ્રશ્ન ઠેરનો ઠેર રહેતા ગુરુવારની સાંજના સમયે વાપીથી પરત સુરત જતી ટ્રકોમાં ક્વોરીમાંથી પથ્થરનું મટીરીયલ ભરી જતી સુરત-હજીરા વિસ્તારની ટ્રકને સ્થાનિક ટ્રાન્સપોટરોએ અટકાવી રિટર્ન ગાડી નહીં ભરવા બાબતે જણાવતા ક્વોરી સંચાલક અને ટ્રક માલિક તેમજ ડ્રાઇવર સાથે વિવાદ થતા જે મામલે ચીખલી પોલીસ દોડતી થઈ ગઈ હતી. જે મામલો ચીખલી પોલીસ મથકે પહોંચતા પીઆઇ કે.જે.ચૌધરી તેમજ સ્થાનિક ટ્રાન્સપોટરો અને ક્વોરી સંચાલકો વચ્ચે ચર્ચા વિચારણા કરી લાંબા સમયથી ચાલી આવેલા વિવાદનો અંત લાવવા શુક્રવારે ચીખલી પ્રાંત અધિકારી અમિત ચૌધરીની અધ્યક્ષતામાં મિટિંગ યોજી નિકાલ લાવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. પરંતુ પ્રાંત અધિકારીની અગત્યની મિટિંગ હોય ત્યારે આ બેઠક મળી ન હતી.

વહીવટી તંત્રના અધિકારીઓ આ પ્રશ્નને ગંભીરતાથી લેતા નથી
લાંબા સમયથી સ્થાનિક ટ્રાન્સપોટરો અને સુરત હજીરા સચિન પાંડેસરા વિસ્તારના બહારના ટ્રાન્સપોટરો સાથે રિટર્ન ગાડીમાં મટીરીયલ વહન કરવાના મામલે જો કોઈ ચોક્કસ નિરાકરણ નહીં આવે તો કોઈ દિવસ આ મામલે મોટું સ્વરૂપ ધારણ કરે તો કોઈ નવાઈની વાત રહે નહી. એ પહેલા વહીવટી તંત્રના અધિકારીઓ આ પ્રશ્નને ગંભીરતાથી નહીં લે તો કોઈક દિવસ નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અને એ સમયે વહીવટી તંત્ર દોડતું થઈ જશે ત્યારે તબેલામાંથી ઘોડા નાસી છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ થાય તો નવાઈ નહી.

Most Popular

To Top