Dakshin Gujarat

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે ‘વલસાડ ડીઈઓ’ લોન્ચ કરાઈ

વલસાડ : વિધાનસભા ચૂંટણી- 2022 (Election) દરમિયાન અધિકારી અને મતદારોને સરળતા પડે તે માટે સમગ્ર ગુજરાતમાં (Gujarat) સૌપ્રથમવાર વલસાડ (Valsad) જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીના સરળ મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ (DEO App) જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે દ્વારા જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓને ચૂંટણી સંબંધિત વિગતો આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ એપ લોન્ચ કરવામાં આવી છે. જેના થકી મતદારોને પોતાનુ નામ અને મતદાન મથક સુધી પહોંચવાનો શોર્ટકટ રસ્તો સહિતની માહિતી મળી શકશે.

  • મતદારો તેમજ અધિકારીઓને મતદાન મથકોના શોર્ટ કટ રસ્તાની માહિતી મળી રહેશે
  • જિલ્લા ચૂંટણી અધિકારી મહત્વની સૂચનાઓ એલર્ટ રૂપે આપી શકશે
  • આ એપનો મુખ્ય હેતુ ઝોનલ/સેક્ટર મેજિસ્ટ્રેટોને મતદાન મથક ઉપર અવર જવરમાં સગવડતા મળી રહે તે છે

આ એપ અંગે વધુ માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણી-2022ના સરળ સંચાલન માટે આ એપ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપનો મુખ્ય હેતુ ઝોનલ/સેક્ટર મેજિસ્ટ્રેટોને મતદાન મથક ઉપર અવર જવરમાં સગવડતા મળી રહે તે છે. આ એપની બીજી વિશેષતાએ છે કે, મતદારોને પોતાના મતદાન મથકનું સ્થળ અને ત્યાં પહોંચવા માટેનો ટૂંકા રસ્તાની જાણકારી પણ મળી રહેશે.

મતદારો પોતાનુ નામ પણ જોઈ શકશે. ઉપરાંત પોલીંગ સ્ટેશનના બીએલઓના નામ અને ફોન નંબર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના ઈમરજન્સી સંપર્ક નંબરો પણ જાણી શકશે. ચૂંટણીની તૈયારી સરળતાથી કરી શકાય અને મતદાનના દિવસે આ એપ દ્વારા લોકેશન બેઈઝડ એટેન્ડન્સ સિસ્ટમથી ઝોનલ મેજિસ્ટ્રેટની તેમના મતદાન મથકોની રીઅલ ટાઈમ મુલાકાત પણ જાણી શકાશે. રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા ચૂંટણી અધિકારી મહત્વની અને ઈમરજન્સી સૂચનાઓ પણ આ એપમાં એલર્ટ સ્વરૂપે આપી શકશે. આ એપ્લિકેશન VALSAD DEO ટાઈપ કરીને મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયુ છે.

Most Popular

To Top