SURAT

સ્મીમેર કોલેજમાં ઇન્ટર્નશિપ કરવા આવતા ફોરેન મેડિકલ વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ ચૂકવાશે

સુરત : સુરત (Surat) મનપા (SMC) સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં (SMIMER Medical College) વિદેશમાંથી એમબીબીએસ (MBBS) અભ્યાસક્રમ પાસ કરી ઇન્ટર્નશિપ (InternShip) કરવા આવતા વિદ્યાર્થીઓ (Foreign Student) પાસેથી વાર્ષિક રૂ. ૧ લાખ ઇન્ટર્નશિપïï ફી વસૂલાતી હતી. ઉપરાંત અત્યાર સુધી સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું ન હતું પરંતુ હવે નેશનલ મેડિકલ કમિશનના (NationalMedicalCommission) નવા નિયમને કારણે મનપાએ હવે ફોરેન મેડિકલ વિદ્યાર્થીઓને 1 લાખની ઇન્ટર્નશિપ ફીમાંથી મુક્તિ આપવાની રહેશે.

એટલું જ નહીં, અને દેશના વિદ્યાર્થીઓને અપાય છે તેમ નિયમ મુજબ રૂપિયા 18500નું સ્ટાઈપેન્ડ પણ ચૂકવવું પડશે. જેના કારણે મનપા પર આર્થિક બોજ વધશે. મનપાની સ્થાયી સમિતી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્મીમેરમાં અગાઉ 200 સીટ હતી તેથી 15 બેઠક પર ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને ઈન્ટર્નશિપ કરાવવામાં આવતી હતી પરંતુ હવે 250 બેઠક થતા 19 વિદ્યાર્થીઓનો બોજ મનપા પર આવશે.

અત્રે ઉલ્લખનીય છે કે, એનએમસી દ્વારા કોલેજની અસંમતિ હોય તો ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા સાથે ભવિષ્યમાં આ અંગે કોઇપણ પ્રશ્ન ઊભા થાય તો તેની જવાબદારી જે-તે મેડિકલ કોલેજ/સંસ્થાની રહેશે તેવી તાકીદ કરી હતી. આ તાકીદને પગલે મનપા દ્વારા પણ ફોરેન મેડિકલ વિદ્યાર્થીઓ પાસે ઇન્ટર્નશિપ ફી માંથી મુકિત તેમજ આ વિદ્યાર્થીઓને માસિક સ્ટાઈપેન્ડ આપવા માટેની તૈયારી બતાવવામાં આવી છે.

સ્મીમેરમાં ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપની મંજુરી મુદ્દે વિપક્ષનો વિરોધ
સ્થાયી સમિતિમાં શ્રી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ધન્વંતરિ ફાર્મસી કોલેજ, ધન્વંતરિ કેમ્પસ કીમના ડોકટર ઓફ ફાર્મસી કોર્સના 70 વિદ્યાર્થીઓને સ્મીમેર હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરવા મંજૂરી આપવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. જેને વિપક્ષી કોર્પોરેટર પાયલ સાકરીયા દ્વારા વિરોધ કરાયો છે.

તેમણે જણાવ્યું છે કે, સામાન્ય રીતે મેડિકલ કોલેજોમાં મેડિકલ વિદ્યાર્થી, નર્સિંગ વિદ્યાર્થી અને ફીઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે મંજૂરી આપવામાં આવે છે. કારણ કે આ વિદ્યાર્થીઓ દર્દીની સારવાર સાથે સીધા સંકળાયેલા છે. જ્યારે ફાર્મસી કોલેજની આ બાબતે ભૂમિકા નહિવત છે અને આવું કરવાથી દર્દીઓને-સગાસંબંધીઓને-હોસ્પિટલના કર્મચારીઓને રોજબરોજની સારવારમાં અસગવડો ઉભી થશે.

આ બાબતે કોઈ ચોક્કસ નીતિ નિયમો વગર જ આવી રીતે મંજૂરી આપવાની શાસકોની વ્હાલા દવાલાની નીતિ સંપૂર્ણ અયોગ્ય છે, અત્યાર સુધી કોઈ પણ સરકારી મેડિકલ કોલેજમાં ખાનગી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે પરવાનગી આપવામાં આવી નથી તો આ નિર્ણય ફક્ત રાજકીય અને પોતાના અંગત લાભ માટે હોઈ શકે છે અને સંપૂર્ણપણે સુરત મહાનગરપાલિકાના હિતમાં નથી તેથી આપના સભ્યો તેનો વિરોધ કરે છે.

Most Popular

To Top