Sports

લખનઉએ સનરાઇઝર્સને 12 રને હરાવ્યું

નવી મુંબઇ : આઇપીએલની (IPL) અહીં રમાયેલી 12મી મેચમાં (Match) શરૂઆતમાં જ 27 રનમાં ત્રણ વિકેટ (Wicket) ગુમાવી દીધા પછી કેપ્ટન (Caption) કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર દીપક હુડાની જવાબદારીભરી અર્ધશતકીય ઇનિંગ અને તેમની વચ્ચેની 87 રનની ભાગીદારીની મદદથી મુકેલા 170 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદ 9 વિકેટે 157 રન સુધી જ પહોંચતા લખનઉનો 12 રને વિજય થયો હતો.

લક્ષ્યાંક કબજે કરવા મેદાને પડેલી સનરાઇઝર્સ હૈદરાબાદે 38 રનના સ્કોર પર પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી એડન માર્કરમ અને રાહુલ ત્રિપાઠીએ 44 રનની ભાગીદારી કરી સ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો હતો, પણ માર્કરમ 12 રન કરીને આઉટ થયો તે પછી થોડી જ વારમાં ત્રિપાઠી પણ 44 રને આઉટ થયો હતો. નિકોલસ પૂરને 24 બોલમાં 34 રનની ઇનિંગ રમીને ટીમની આશા જગાવી હતી. તે પછી અંતિમ ઓવરમાં 16 રન કરવાના આવ્યા હતા પણ જેસન હોલ્ડરની એ ઓવરમાં માત્ર ત્રણ રન આવ્યા હતા અને ત્રણ વિકેટ પણ પડતા સનરાઇઝર્સનો સ્કોર 20 ઓવરમાં 9 વિકેટે 157 રન થતાં લખનઉનો 12 રને વિજય થયો હતો.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલા લખનઉ સુપર જાયન્ટ્સને વોશિંગ્ટન સુંદરે મેચની બીજી જ ઓવરમાં મોટો ઝાટકો આપીને આક્રમક ઓપનર ક્વિન્ટન ડિ કોકને આઉટ કર્યો હતો. તે પછી એવિન લુઇસ અને મનિષ પાંડે પણ સસ્તામાં આઉટ થતાં લખનઉએ 27 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે કેપ્ટન સાથે રમતમાં જોડાયેલા હુડાએ આક્રમક બેટીંગ કરીને 33 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પણ 50 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 68 રનની ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં આયુષ બદોનીને 11 બોલમાં 19 રન કર્યા હતા. જ્યારે જેસન હોલ્ડર 8 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. હૈદરાબાદ વતી સુંદર, રોમારિયો શેફર્ડ અને ટી નટરાજને 2-2 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top