Surat Main

સુરતનાં ઓલપાડ-સરોલી જકાત નાકા પાસે 6 લેનનો નવો રેલવે ઓવરબ્રિજ બનશે

ગાંધીનગર : સુરત મહાનગરપાલિકાને (SMC) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટ ગ્રોથ (OUT Groth) વિસ્તારના કામ અંતર્ગત અર્બન મોબિલીટી ઘટકમાં રૂ. ૬૪ કરોડના રેલવે ઓવરબ્રિજ (Railway Overbridge) બનાવવાના કામને રાજ્ય સરકારે સોમવારે (Monday) સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે સુરત-ઓલપાડ રોડ પર જૂના સરોલી જકાત નાકા પાસે આવેલા હયાત રેલવે ઓવરબ્રિજના સ્થાને નવો ૬ લેનનો ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. હજીરા સ્થિત ઉદ્યોગના ટેન્કર સહિતના ભારે વાહનો કિમ-ઓલપાડ તરફથી આવતા હોવાથી સુરત ઓલપાડને જોડતા હયાત ટુ લેન બ્રિજ પરના ટ્રાફિકનું ભારણ પણ રોજ-બરોજ વધતું રહે છે.

આ સમસ્યાના સુચારૂ નિરાકરણ માટે વર્તમાન ટુ લેન બ્રિજના વિસ્તૃતિકરણ કે તેના સ્થાને વધુ ક્ષમતાવાળો નવો બ્રિજ બનાવવો અત્યંત જરૂરી હોઇ સુરત ઓલપાડ રોડ ઉપર જૂના સરોલી જકાત નાકા પાસે ૬ લેનનો ઓવરબ્રિજ બનાવવાના કામ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્તને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

સુરત સહિત મહાનગરોના પોલીસ કમિશ્નર, રેન્જ આઈજીની ટૂંકસમયમાં બદલીના સંકેત
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) પોલીસ (Police) વિભાગમાં પ્રથમ તબક્કે જિલ્લા પોલીસ વડાની બદલીઓ બાદ હવે આઇપીએસ (IPS) કક્ષાના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ તોળાઇ રહી છે. આ બદલીમાં સુરત (Surat) સહિત મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ આઇજી તેમજ અન્ય સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે. નજીકના દિવસોમાં આ બદલીના આદેશ કરવાના ચક્રો ગિતમાન થયા છે. સચિવાલયના ટોચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે એસપી કક્ષાના અધિકારીઓની બદલી બાદ હવે સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલીઓ પણ નજીકના સમયમાં આવી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં 57 એસપી કક્ષાના અધિકારીની બદલી અને 20 પોલીસ અધિકારીઓને એસ કક્ષામાં નવા પોસ્ટિંગના આદેશ કરાયા છે. જેમાં ખાસ કરીને મહિલા અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત દલિત અધિકારીઓને પણ આ મહત્વની જગ્યાઓ માટે સ્થાન આપવામાં આવ્યું છે. ફરજ પર ત્રણ વર્ષના ગાળાને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી અટકેલી આ બદલીઓ પછી હવે સિનિયર ઓફિસરોનો રાઉન્ડ આવી રહ્યો છે.

હવે રાજકોટ સહિત રાજ્યના શહેરોના પોલીસ કમિશનરોની બદલીઓ આવી રહી છે. રાજકોટના બહુચર્ચિત જમીન ખાલી કરાવવાના કમિશનર તેમજ ઉઘરાણીના કેસની તપાસ પછી પોલીસ કમિશનર પદે ફરજ બજાવતા મનોજ અગ્રવાલની બદલી કરી હતી. આ જગ્યાનો ચાર્જ ઘણાં સમયથી અહેમદ ખુરશીદને આપવામાં આવેલો છે.

રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે સમશેરસિંહ અને રાજુ ભાર્ગવનું નામ સામે આવ્યું છે. બીજા શહેરોના પોલીસ કમિશનર માટે પણ અલગ અલગ નામો ચર્ચાઇ રહ્યાં છે. પોલીસ ભવનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ, સુરત તેમજ ગાંધીનગર સહિતના રેન્જ આઇજી તેમજ અલગ અલગ વિભાગ અને બ્રાન્ચના વડાની બદલીઓ પણ તોળાઇ રહી છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ નવી નિયુક્તિ કરવામાં આવશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બીજા તબક્કાની આ બદલીઓના આદેશ ટૂંકસમયમાં થવાની સંભાવના છે.

Most Popular

To Top