Gujarat

કેટલાક સરકારી અધિકારી-કર્મચારીઓ ભાજપના એજન્ટ બની કામ કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ: સરકારની (Government) વાહવાહી અને ચાટુકારિતા માટે ખેસ પહેર્યા વગર કાર્યકર્તાની જેમ અધિકારી-કર્મચારીઓ ભાજપના (BJP) એજન્ટ બની ફરજ બજાવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, સુરત વોર્ડ નંબર-19 અને 22 માં ભાજપ પક્ષના કાર્યક્રમમાં હાજરીની ટ્વિટને સુરત ગ્રામ્ય પોલીસના વડાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ ‘એસ.પી. સુરત રૂરલ’ પરથી રિટ્વિટ કરવામાં આવ્યું હતું. રાજકીય પક્ષના આશ્રય અને ખેસવગરના કાર્યકર્તાની જેમ વહિવટી પાંખના અધિકારી અને કર્મચારીઓની વધુ એક ઘટના સામે આવી છે.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે આ અગાઉ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની પણ આ પ્રકારની કામગીરી સામે આવી હતી. એક બાજુ ગુજરાત કોંગ્રેસના ઓફિસની અંદર પોલીસ ગેરકાયદેસર રીતે પ્રવેશી સર્ચ કરે છે, મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરે અને ભાજપના એજન્ટ બનીને વર્તી રહી છે. બીજી બાજુ સત્તા પક્ષના નેતાઓની રીટ્વિટ કરી ચાટુકારિતા કરી રહ્યાં છે. લોકશાહીમાં વિપક્ષના અવાજને જનતાનો અવાજ ગણવામાં આવે છે ત્યારે ધરણાં હોય, આંદોલન હોય કે અન્ય કોઈ પ્રદર્શન હોય તેમાં રાજકીય હાથો બની, નીતનવા નિયમો – ધારાઓ દર્શાવી વિપક્ષને પ્રદર્શન કરતા રોકવામાં આવે છે.

દેશની સૌથી મોટી પાર્ટીના દાવા કરતી ભાજપ વહિવટીતંત્રનો દુરુપયોગ કરી રહી છે અને સરકારી તંત્રમાં અનેક અધિકારીઓ – કર્મચારીઓ પદ – બઢતી માટે ખેસ વગરના કાર્યકર્તાની જેમ વર્તી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે, સરકારી માધ્યમનો ઉપયોગ કરી રાજકીય પક્ષનો પ્રચાર પ્રસાર કરતા અધિકારીઓ પર તાત્કાલીક દંડાત્મક-શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી અમારી માંગણી છે.

Most Popular

To Top