Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર સ્વૈચ્છિક લોકડાઉન: માંડવીમાં 8 દિવસ, પલસાણામાં 12 દિવસ સ્વૈચ્છિક બંધ

દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર લોકો દ્વારા અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરાયું છે. કોરોના મહામારીથી બચવા અને કોરોનાની ચેન તોડવા માટે વિવિધ જગ્યાઓએ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લગાડવાનો નિર્ણય કરાયો છે. જોકે આ દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ અને દવાઓનું વેચાણ ચાલુ રહેશે.

માંડવી : હાલમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થવાથી નગરની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ વેપારી મંડળો સાથે નગરપાલિકા ભવન ખાતે પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નગરના વેપારી મંડળોએ તા- 15 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી જે 8 દિવસ દુકાનો બંધ રાખવા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો હતો. જ્યારે મેડીકલ સ્ટોર, દૂધની દુકાનો સવારે 7 થી 10 અને સાંજે 5 થી 7 ખુલ્લી રાખવા અનુરોધ કર્યો હતો. માસ્ક નહિ પહેરનાર તથા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ પાસે રૂ.1000 નો દંડ કરવામાં આવશે. અને બહાર ગામથી આવતા દરેક વ્યક્તિએ કોરોનાનો ટેસ્ટ ફરજીયાત કરાવવાનો રહેશે. કોરોના કાળમાં ઇમરજન્સી બાબતે વહીવટી તંત્રનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં ડો. આશિષ ઉપાધ્યાય, પાલિકા પ્રમુખ રેખાબેન વશી, કારોબારી અધ્યક્ષ શાલીન શુકલ તથા તમામ પાલિકાના સભ્યો અને વેપારી મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

પલસાણામાં તા. 25મી સુધી સ્વૈચ્છીક લોકડાઉન

પલસાણા: સુરત જિલ્લાના પલસાણા ગામમાં વેપારીઓએ આગામી 25 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે સવારે 7 થી 12 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પલસાણાના વેપારીઓ ગ્રામ પંચાયતમાં ભેગા થઈ આગેવાનો સાથે ચર્ચા કરી મહત્વનો નિર્ણય લીધો હતો. કોરોના સંક્રમણને રોકવા માટે પલસાણાના વેપારીઓએ લીધેલા સરાહનીય નિર્ણયને સ્થાનિક લોકોએ વધાવી લીધો હતો. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો આગામી 25 તારીખ સુધી બંધ રાખવામાં આવશે. કોરોનાના કારણે હવે નાના શહેરોથી લઈ ગામડાઓ સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્યા છે.

ઓલપાડ ટાઉન આગામી ત્રણ દિવસ માટે સંપૂર્ણ લોક્ડાઉન

ટકારમા : ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતે કોરોના સંક્રમણ અટકાવવા આગામી શુક્રવાર, તા.16-4-2021થી રવિવાર તા.18-4-2021 સુધી ત્રણ દિવસ તમામ દુકાનો બંધ રાખી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે મેડિકલ સ્ટોર, દવાખાના તથા ફકત દૂધ વેચાણ કરતાં કેન્દ્રો અને ડેરી સવારે 7થી બપોરે 1 અને સાંજે 4થી 7 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે લોકડાઉનના સમય દરમ્યાન ક્રિકેટ કાર્યક્રમ પણ સંપૂર્ણ બંધ રહેશે.

સાયણ ગ્રામ પંચાયતે ૩ દિવસ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો

દેલાડ: કોરોનાવાયરસની મહામારીને લઈ સાયણ ગ્રામ પંચાયતે ૩ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. તા.૧૬/૪/૨૦૨૧થી ૧૮/૪/૨૦૨૧ સુધી સંપૂર્ણ સાયણ ગામ સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. જેમાં દવાખાનું મેડિકલ સ્ટોર સંપૂર્ણ દિવસ ચાલુ રહેશે. દૂધ ડેરી, મિનરલ વોટર અને અનાજ દળવાની ઘંટીનો સમય સવારે ૬થી ૯ અને સાંજે ૫થી ૭ સુધીનો રહેશે. તા.૨૦/૪/૨૦૨૧ના રોજથી તારીખ ૩૦/૪/૨૦૨૧ સાયણ ગામમા દુકાનો, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓની તમામ દુકાનો સવારે ૬થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ત્યાર બાદ સ્વૈચ્છિક બંધ રહેશે. દવાખાનું, મેડિકલ સ્ટોર સંપૂર્ણ દિવસ ચાલુ રહેશે. પરંતુ દૂધ ડેરી સાંજે ૫થી ૭ વાગ્યે ખુલ્લી રહેશે. તેમજ મિનરલ વોટર અને દૂધ હોમ ડિલિવરી કરવાની રહેશે.

વાંકલ અને ઝંખવાવ ગામનું બજાર બપોરે ત્રણ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે

વાંકલ: માંગરોળના વાંકલ અને ઝંખવાવ ગામનું બજાર બપોરના ત્રણ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. સોમવાર અને મંગળવાર સંપૂર્ણ બંધ રહ્યા બાદ કાલથી વાંકલ અને ઝંખવાવ બજાર બપોરના ત્રણ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. ત્યારબાદ મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો બંધ રહેશે. આથી આજે તા.14/04/2021થી બજારનું કામકાજ બપોરે 3 વાગ્યાથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા જણાવાયું છે.

Most Popular

To Top