Editorial

કેટલાક દેશો વસ્તી વધારાની, કેટલાક વસ્તી ઘટાડાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે

હાલ થોડા જ સમય પહેલા દુનિયાની વસ્તી વધીને આઠ અબજ થઇ છે. આમ તો છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાની વસ્તી વધવાનો દર ખૂબ ધીમો પડ્યો છે અને વસ્તી ધીમા દરે વધી છે છતાં પહેલાથી મોટો વધારો થઇ ગયો હોવાને કારણે  તેને સાત અબજ પરથી આઠ અબજ પર પહોંચતા બહુ લાંબો સમય લાગ્યો નથી. અને દુનિયાની આ જે આઠ અબજની વસ્તી છે તેમાંથી ત્રણ અબજ જેટલી વસ્તી તો ભારત અને ચીન – એ બે દેશોમાં જ આવી જાય છે અને બાકીની પાંચ  અબજની વસ્તી તો દુનિયાના બાકીના ૧૭પ કરતા વધુ દેશોમાં પથરાયેલી છે.

આ બાકીના દેશોમાં પણ વસ્તી અસમાન દરે ફેલાયેલી છે. અમેરિકા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ મળીને બીજા એકાદ અબજની આસપાસની વસ્તી ધરાવે  છે અને બાકીની ચાર અબજની વસ્તી બીજા દેશોમાં વસે છે જેમાં કેટલાક દેશો ખૂબ મોટો જમીન વિસ્તાર ધરાવે છે તેના પ્રમાણમાં તેમની વસ્તી પાંખી છે જેમ કે રશિયા. કેટલાક દેશોનો વિસ્તાર બહુ મોટો નથી તો વસ્તી પણ બહુ મોટી નથી  જેમ કે મોંગોલિયા – જે એક પાંખી વસ્તી ધરાવતો દેશ છે  તો બીજી બાજુ કેટલાક દેશોનો વિસ્તાર ખૂબ નાનો છે અને વસ્તી વિશ્વની કુલ વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછી હોવા છતાં તેમના કદના પ્રમાણમાં ખૂબ વધારે છે તેથી તે ખૂબ ગીચ  વસ્તી ધરાવતા દેશ છે જેમ કે મોનાકો. ચીન અને ભારતની બાબતમાં જોઇએ તો ચીન વિશ્વનો સૌથી વધુ વસ્તી વાળો દેશ છે પરંતુ તેનો જમીન વિસ્તાર પણ મોટો છે અને હવે તેની વસ્તી ઘટવા તરફ છે. હાલમાં તેની વસ્તી ખૂબ નીચા દરે  વધી રહી છે અને થોડ વર્ષો પછી તે ઘટવા માંડશે તેવો અંદાજ છે જ્યારે કે ભારતની વસ્તી હજી પણ પ્રમાણમાં વધુ વધી રહી છે અને તેનો જમીન વિસ્તાર ચીન કરતા પ્રમાણમાં ઘણો ઓછો છે અને દેખીતી રીતે તેની વસ્તી હવે ખદબદ  થતી જણાઇ રહી છે અને સંસાધનોની સ્પષ્ટ તંગી આ દેશમાં અનુભવાઇ રહી છે.

આપણે ઉપર જોયું તેમ ચીનની વસ્તી હવે ઘટવા તરફ છે, હજી તેની વસ્તી વધી રહી છે પણ ધીમા દરે અને હવે ઘટવા માંડશે એવો અંદાજ છે. ચીનમાં યુવાનો હવે લગ્ન કરવાનું અને લગ્ન કરે તો બાળકો પેદા કરવાનું ટાળી રહ્યા છે. લાંબા  સમયના વસ્તી નિયંત્રણના નિયમોને કારણે જ કદાચ ત્યાં લોકોની માનસિકતા એવી થઇ ગઇ છે અને આર્થિક કારણો પણ છે. અને હવે જાપાનમાંથી એક હેવાલ એ બહાર આવ્યા છે કે જાપાનમાં આ વર્ષે જન્મેલા બાળકોની સંખ્યા ગયા વર્ષની  વિક્રમી નીચી સંખ્યા કરતા પણ ઓછી થઇ છે અને સરકારના એક ટોચના પ્રવકતાએ આ સ્થિતિને કટોકટીભરી ગણાવી છે. જ્યારે ચીફ કેબિનેટ સચિવ હિરોકાઝુ માત્સુનોએ વચન આપ્યું છે કે વધુ લગ્નો અને વધુ જન્મોને પ્રોત્સાહન આપવા  સઘન પગલાઓ ભરાશે.

આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરના સમયગાળામાં કુલ પ૯૯૬૩૬ જાપાનીઝ જન્મ્યા હતા, જે આંકડો ગયા વર્ષના આ સમયગાળા કરતા ૪.૯ ટકા નીચો છે, અને એવું જણાય છે કે ૨૦૨૨ના કુલ જન્મોની સંખ્યા ગયા  વર્ષના ૮૧૧૦૦૦ બાળકોના વિક્રમી નીચી સંખ્યા કરતા પણ નીચે જશે. જાપાન એ વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે પણ ત્યાં જીવન નિર્વાહનો ખર્ચ ઘણો ઉંચો છે અને પગારોમાં વધારો ધીમો રહ્યો છે. અત્યાર સુધી લોકો વધુ બાળકો  જન્માવે તે માટેના સરકારના પ્રયાસોની અસર પાંખી રહી છે.

સરકાર પોતાના પ્રયાસોમાં સગર્ભાવસ્થા, બાળજન્મ અને બાળ સંભાળ માટે સબસીડી ચુકવે છે. ઘણા યુવા જાપાનીઓ નોકરીઓની ઘટેલી તકો, મુશ્કેલીભરી રોજીંદી મુસાફરી અને  મા-બાપ બંને નોકરી કરતા હોય તે બાબતને અનુકૂળ નહીં એવા કોર્પોરેટ કલ્ચરને કારણે લગ્ન કરવાનું કે કુટુંબ ધરાવવાનું ટાળી રહ્યા છે. જો કે જાપાનમાં આમ તો જન્મ દર ૧૯૭૩ની ૨૧ લાખની ઉંચાઇ પછી ઘટવા માંડ્યો છે અને ૨૦૪૦  સુધીમાં તે ૭૪૦૦૦૦ થઇ જવાની શક્યતા છે. જાપાનની સાડા બાર કરોડ જેટલી વસ્તી છેલ્લા ૧૪ વર્ષમાં ઘટતી રહી છે અને ૨૦૬૦ સુધીમાં તો તે ૮ કરોડ ૬૭ લાખ જ રહી જવાનો અંદાજ છે.

યુવા વસ્તી  ઘટવાની સાથે વૃદ્ધોની વધેલી  સંખ્યા પણ એક સમસ્યા બની રહી છે. ચીનમાં પણ અત્યારથી આ જ સમસ્યા ઉભી થઇ રહી છે. ત્યાં પણ યુવા વસ્તી ઘટી રહી છે અને વૃદ્ધ વસ્તી વધી રહી છે. આની આર્થિક અસરો પણ મોટી થઇ શકે છે. યુવા વસ્તી ઘટવાને કારણે કામ કરી  શકે તેવા કામદારોની સંખ્યા ઘટવાને કારણે ઉત્પાદન ઘટશે તેવો ભય અને મોટો વૃદ્ધ વસ્તીને સારી રીતે નભાવવાની ચિંતા ચીન અને જાપાન બંનેને પરેશાન કરી રહી છે.

ભારતને હજી વધતી વસ્તીની સમસ્યા પરેશાન કરી રહી છે. વધતી જતી વસ્તીને કારણે ભારતમાં સંસાધનો પર ભારે દબાણ આવી રહ્યું છે અને ખેતીની જમીન પર પણ દબાણ વધી રહ્યું છે. રોજગારનો અભાવ વર્તાય છે અને વસ્તીના પ્રમાણમાં ચીજ વસ્તુઓની, મકાનોની, દવાઓ વગેરેની તંગીના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન સહિતના બીજા કેટલાક દેશો પણ આ પ્રકારની જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દુનિયામાં આજે કેટલાક દેશો વધતી વસ્તીની તો કેટલાક દેશો ઘટની વસ્તીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

Most Popular

To Top