Charchapatra

એસ.એમ.સી.નો તુમાખીભર્યો વર્તાવ

સુરત પાલનપુર જકાતનાકા પાસે લગભગ 200 થી પણ વધુ મકાનો ધરાવતી વિવેકાનંદ ટાઉનશીપ સોસાયટી છે. લગભગ 2000 થી પણ વધુ રહીશો કેટલા વખતથી ડ્રેનેજ બનાવી આપવા માગણી કરતા હતા. એસએમસીએ તા. 11.2.22 થી ડ્રેનેજ માટે કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપી કામ શરૂ કરાવ્યું પરંતુ એક મહિનામાં એક લાઇનનું કામ પણ પૂરું ન થતાં તા. 6.3.22 થી કામ હોળી ઉપર મજૂરો વતનમાં જવાના છે એમ કહી અધૂરું કામ મૂકીને લગભગ આ સોસાયટીનાં 2000 રહીશોને ખૂબ જ તકલીફમાં મૂકી દીધા છે. ઘણાં રહીશોએ ફોન ઉપર કોર્પોરેશન સાથે વાત કરી પણ સંતોષકારક જવાબ આપતા નથી. હાલમાં આ જ સોસાયટીની પહેલી લાઇન ઉપર ઘ.નં. 4 અને ઘર નં. 34ની વચમાં મીઠા પાણીની લાઇન તૂટી ગયેલી છે.

દરરોજ સવારે બે કલાક પીવાનું પાણી નકામું વેડફાય છે, પરંતુ સમારકામ કરવામાં આવતું નથી. ફોન કરે તો જવાબ મળે છે કે કાલે થઇ જશે પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઇ આવ્યું નથી. હોળી તો તા. 18.3.22 ના રોજ છે. આઠ દશ દિવસ પહેલાં અધ્ધરતાલ કામ છોડીને ચાલ્યા જવાથી લોકોને આવવા જવાની પગે ચાલીને આવવા જવાની ખૂબ જ તકલીફ છે. મચ્છરોનો પણ ખૂબ જ ત્રાસ છે. એસએમસી લોકોને સહકાર આપવાને બદલે મુસીબતોમાં વધારો કરતી જાય છે. ફકત ઇલેકશન વખતે જ થોડો સહકાર બતાવશે. લોકો કંટાળીને ફરી આપના સહકારની રાહ જોઇ બેઠા છે. છેવટે વોટીંગનો બહિષ્કાર કરી ગાંધીચીંધ્યા માર્ગે જવાનો વિચાર કર્યો છે. આશા છે કે આ કામકાજ વ્યવસ્થિત શરૂ કરી પૂર્ણ કરે ને લોકોને મુસીબતમાંથી મુકત કરે એવી આશા રહીશો રાખે છે.
સુરત                   – પી. કે. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top