Editorial

ચૂંટણી વર્ષ હોવાથી કેન્દ્ર સરકાર લેખાનુદાનમાં લોભામણી જાહેરાતો કરે તેવી સંભાવના

ભારતમાં ટેક્સના એટલાબધા માળખાઓ છે કે જ્યારે પણ બજેટ આવવાનું હોય ત્યારે લોકો બજેટમાં શેની જાહેરાતો થશે તેની આતુરતાથી રાહ જોતા હોય છે. અગાઉની સરકારોમાં બજેટ તા.28મી ફેબ્રુઆરીના રોજ જાહેર થતું હતું પરંતુ મોદી સરકારે તેનો સમય બદલીને 1લી ફેબ્રુઆરીના રોજ બજેટની જાહેરાત કરવાની શરૂઆત કરી હતી. લોકો રાહ જોતા હોય છે કે ઈન્કમટેક્સમાં કઈ રાહત આપવામાં આવી? હવે જીએસટીમાં કઈ રાહત આપવામાં આવી? કયા મોટા પ્રોજેક્ટોની જાહેરાતો કરવામાં આવી? બજેટ દેશની આખી ઈકોનોમીને હચમચાવી શકતું હોવાથી દેશના ઉદ્યોગપતિઓથી માંડીને તમામ વેપારીઓ માટે બજેટ ખૂબ મહત્વનું હોય છે.

દર વર્ષે પૂર્ણરૂપે બજેટ જાહેર કરવામાં આવે છે પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા લેખાનુદાન રજૂ કરવામાં આવી રહ્યું છે અને એવી આશા છે કે મતદારોને લોભાવવા માટે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બજેટમાં કોઈ મોટા વેરાઓ નાખવામાં આવશે નહીં અને બજેટમાં રાહતોની લ્હાણીઓ કરવામાં આવશે. સામાન્ય રીતે અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે, કેન્દ્રની મોદી સરકારના મોટાભાગના નાણામંત્રીઓ દેશની ઈકોનોમીને સમજવામાં થોડા નબળા રહ્યા છે. જેને કારણે અત્યાર સુધીના બજેટોમાં એવા મોટા કોઈ જ નિર્ણયો જોવા મળ્યા નથી અને મોદી સરકારની આ બીજી ટર્મનું છેલ્લું બજેટ હોવાથી આ બજેટમાં પણ મોટા નિર્ણયો જોવા મળે તેવી આશા નથી.

દેશનો નાગરિક જો આજે પરેશાન હોય તો તે કરમાળખાથી છે. દેશના પ્રત્યેક નાગરિક કે જે આવકની મર્યાદામાં આવે છે તેની પર ઈન્કમટેક્સ લાગે છે પરંતુ જીએસટી એવો કર છે કે જે દરેક નાગરિકને લાગુ પડે છે. હોટલમાં ખાવા જાય કે પછી મોબાઈલનું બિલ હોય, દરેક ઠેકાણે દેશનો નાગરિક જીએસટી ભરી રહ્યો છે. ભીખ માંગતી વ્યક્તિએ પણ પ્રત્યેક ખરીદી પર જીએસટી ચૂકવવો પડી રહ્યો છે. આ કારણે જ દેશનો નાગરિક હવે બજેટમાં ઈચ્છે છે કે, આ કરમાળખાને સીધું કરવામાં આવે. જે રીતે સરકાર ‘વન નેશન, વન ઈલેકશન’ લાવી રહી છે તેવી જ રીતે જો સરકાર દ્વારા ‘વન નેશન, વન ટેક્સ’ લાગુ પાડવામાં આવે તો આ દેશનો નાગરિક પ્રતાડિત થતો ઓછો થશે.

કોઈપણ દેશની પ્રગતિનો આધાર તેની કનેક્ટિવિટી પર છે. ભારતમાં આજે પણ અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે કે જ્યાં કાચા રસ્તા સિવાય કોઈ જ કનેક્ટિવિટી નથી. આજે આખું વિશ્વ વિમાની સફર કરી રહ્યું છે ત્યારે દેશનું પ્રત્યેક ગામડું સ્ટેટ અને નેશનલ હાઈવેથી જોડાય તે જરૂરી છે. બજેટમાં રસ્તાઓ માટે મોટી ફાળવણી કરવામાં આવશે અને રસ્તાઓ બનશે તો જે તે વિસ્તારનો વિકાસ આપોઆપ થઈ શકે છે. દેશમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક વિમાની કંપનીઓએ ઉઠમણાં કર્યા છે. જે સરકારની નિષ્ફળતા છે. આજે સમયની કિંમત છે. આ સંજોગોમાં જો દેશમાં એક કનેક્ટિવિટી વધારવામા માટે બજેટમાં આયોજનો કરવા જોઈએ. પ્રત્યેક જિલ્લામાં એક એરપોર્ટ તો હોવું જ જોઈએ. મોટા વિમાનો નહીં તો પણ નાના વિમાનોથી પણ ડોમેસ્ટિક કનેક્ટિવિટી આપી જ શકાય છે.

આ ઉપરાંત દેશમાં મોટો દરિયા કિનારો છે. દેશમાં નદીઓ છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે દેશમાં વોટર વે માટે પણ આયોજનો કરવા જોઈએ. બજેટમાં તેનો સમાવેશ કરી શકાય છે. જો વોટર વે શરૂ કરવામાં આવે તો હાઈવે માટે કરવો પડતો મોટો ખર્ચો બચી શકે છે. ઉપરાંત દરિયાકિનારાઓ પર બંદરોનો વિકાસ કરવો જરૂરી છે કે જેથી દેશના ઉદ્યોગોને પણ લાભ કરાવી શકાય. ભારત કૃષિ પ્રધાન દેશ છે પરંતુ આ દેશમાં ખેડૂતો ગરીબ છે. ખેડૂત અનાજ પકવે છે પરંતુ તેનો મોટો લાભ ટ્રેડરો લઈ રહ્યા છે. આ સંજોગોમાં ટ્રેડરોને મળતો લાભ સીધો ખેડૂતોને મળે તે માટે પણ સરકારે પ્રયાસો કરવા જોઈએ. ખેડૂતોને મોટો લાભ મળે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકારે બજેટમાં કરવી જોઈએ.

અગાઉ કેન્દ્રની કોંગ્રેસ સરકારે શરૂ કરેલી મનરેગા યોજનાને કારણે ગામડાઓમાં લોકોને મોટાપાયે રોજગારી મળી રહી છે. આ રોજગારીમાં મોટું બજેટ ફાળવવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત આવાસો માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવે તેવી આશા દેશના નાગરિકો રાખી રહ્યા છે. આ વખતે બજેટમાં કેન્દ્ર સરકાર લોકો ખુશ થઈ જાય તેવી જાહેરાતો કરે તેવી શક્યતા છે પરંતુ એ પણ સત્ય જ છે કે, બજેટમાં કરાયેલી જોગવાઈઓ અને ત્યારબાદ જારી કરવામાં આવતા ડિટેઈલ નોટિફિકેશન અલગ જ હોય છે અને લોકો સુધી બજેટનો લાભ પહોંચવામાં મોડું થઈ જાય છે. કેન્દ્ર સરકાર લેખાનુદાન જાહેર કરતી વખતે લોકોને તેનો ચોક્કસ લાભ મળે તેવા આયોજનો કરશે તો જ બજેટની જોગવાઈઓ લેખે લાગશે તે નક્કી છે.

Most Popular

To Top