Columns

અમેરિકાના ઇશારા પર ઇમરાન ખાનને સજા કરવામાં આવી રહી છે?

રાજકારણમાં સત્તાની ખુરશી વાઘની સવારી જેવી હોય છે. વાઘ ઉપર બેઠેલો માણસ તેના પરથી નીચે ઊતરે ત્યારે વાઘ તેને ખાઈ ગયા વગર રહેતો નથી. પાકિસ્તાનમાં જ્યારે લશ્કરી રાજ આવ્યું ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યા હતા. હવે ઇમરાન ખાન પણ તેમના રસ્તે જઈ રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના નેતા ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના કેસમાં ૧૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

આ સજા લશ્કરી સંસ્થાન સામે માથું ઊંચકવા બદલ ફરમાવાઈ રહી છે. આ બીજો કેસ છે જેમાં ઈમરાન ખાનને ૧૦ વર્ષ કે તેથી વધુની સજા થઈ છે. ઈમરાન ખાન અને તેની રહસ્યમય પત્ની બુશરા બીબી પર વિદેશોમાં મફતમાં મોંઘી ભેટસોગાદો લેવાનો આરોપ છે. અલકાદીર ટ્રસ્ટ કેસમાં પણ ઈમરાન ખાન વિરુદ્ધ સજા સંભળાવવાની બાકી છે. એટલું જ નહીં ઈમરાન ખાન પર ૭૮ કરોડ ૭૦ લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. બુશરા બીબીએ અદિયાલા જેલમાં આત્મસમર્પણ કર્યું છે.

પાકિસ્તાનની વિશેષ અદાલતે દંપતીને ૧૦ વર્ષ સુધી કોઈ પણ જાહેર પદ પર રહેવા પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાની મિડિયા અનુસાર બુશરા બીબીના કહેવા પર ઈમરાન ખાને તોશાખાનામાંથી ઘણી મોંઘી ભેટો છીનવી લીધી હતી, જેમાં સાઉદી પ્રિન્સ દ્વારા આપવામાં આવેલી મોંઘી ઘડિયાળો પણ સામેલ છે, જેની માહિતી મોહમ્મદ બિન સલમાન સુધી પહોંચી હતી. બુશરા બીબી પોતાને પીર માને છે અને દાવો કરવામાં આવે છે કે તે જીન સાથે વાત કરે છે.

દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ આર્મી ચીફ અસીમ મુનીર સાથે ઈમરાન ખાનનો ઝઘડો વધુ ઘેરો બન્યો છે અને આ જ કારણ છે કે ચૂંટણી પહેલાં જ તેમને સજા આપવામાં આવી રહી છે. ઇમરાન ખાનને પદભ્રષ્ટ કર્યા પછી પણ તેમની લોકપ્રિયતા સતત વધી રહી હતી. લશ્કરી વડાઓને ડર હતો કે જો ઇમરાન ખાન ફરી સત્તા પર આવશે તો લશ્કરના જનરલોનાં ઘણાં કૌભાંડો બહાર આવી શકે છે.

આ સજાને કારણે ઇમરાન ખાનનો ચૂંટણી લડવાનો રસ્તો લગભગ બંધ થઈ ગયો છે. અગાઉ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના સ્થાપક ઇમરાન ખાન અને નેતા શાહ મહેમૂદ કુરેશીને સાઇફર કેસમાં ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. રાવલપિંડીની અદિયાલા જેલમાં સુનાવણી દરમિયાન વિશેષ અદાલતના ન્યાયાધીશ અબુલ હસનત ઝુલકરનૈને સજાની જાહેરાત કરી હતી. ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે આ બધું અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પીટીઆઈના કાર્યકરોની ધરપકડ માટે પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ જવાબદાર છે. તેમણે કહ્યું કે જે લોકો ચૂંટણી પ્રચાર માટે બહાર નથી આવ્યા તેમની સામે તપાસની માંગણી કરશે.

પીટીઆઈના સ્થાપક ઇમરાન ખાને દાવો કર્યો હતો કે પીએમએલ(એન) ના સૌથી ઊંચા નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ કોર્ટ સાથેના કરાર હેઠળ પાકિસ્તાન પરત ફર્યા છે અને તેઓ હજુ પણ વડા પ્રધાન કાર્યાલય સુધી પહોંચવા માટે વેગો વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે પડકાર ફેંક્યો કે એક વાર પરવાનગી આપવામાં આવશે તો તેઓ અત્યાર સુધીની સૌથી મોટી રેલી યોજશે. ઇમરાન ખાને દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ સેના પ્રમુખ નિવૃત્ત જનરલ કમર જાવેદ બાજવા વિપક્ષી નેતાઓ માટે સમાધાનની માંગણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ કોર્ટને જનરલ બાજવા, ડોનાલ્ડ લુ અને લશ્કરી વડાઓને સાક્ષી તરીકે બોલાવવા કહેશે.

ભારતમાં અને પાકિસ્તાનમાં કોઈ પણ નેતા વડા પ્રધાન કે પ્રધાન બને ત્યારે હોદ્દો અને ગુપ્તતાના સોગંદ લેતા હોય છે. આ સોગંદ મુજબ તેઓ હોદ્દા દરમિયાન અને હોદ્દો છોડે તે પછી પણ સરકારના કોઈ પણ ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી શકતા નથી. જો જાહેર કરે તો તેમને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ સજા કરવામાં આવે છે. જો કોઈ રહસ્ય દેશની તરફેણમાં પ્રગટ કરવામાં આવ્યું હોય તો પણ કાયદા હેઠળ સજાથી બચી શકાતું નથી. ઇમરાન ખાન પણ આ કાયદાનો શિકાર બન્યા છે. ઇમરાન ખાને ૨૭ માર્ચ, ૨૦૨૨ના રોજ એક જાહેર રેલીમાં ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો હતો અને અમેરિકાનું નામ લઈને દાવો કર્યો હતો કે આ તેમની સરકારને તોડવાના આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનો પુરાવો છે.

તેના પગલે ઇમરાન ખાન પર દેશનાં રહસ્યો જાહેર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ દસ્તાવેજ વોશિંગ્ટનમાં પાકિસ્તાની રાજદૂત અને ઈસ્લામાબાદમાં વિદેશ મંત્રાલય વચ્ચે રાજદ્વારી પત્રવ્યવહાર હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાની અદાલત દ્વારા તે વિષયની તપાસ જ કરવામાં આવી નહોતી કે અમેરિકા દ્વારા ખરેખર ઇમરાન ખાનને પદભ્રષ્ટ કરવાનું કોઈ કાવતરું ઘડવામાં આવ્યું હતું કે કેમ? ઈમરાન ખાને જાહેરમાં દાવો કર્યો હતો કે દસ્તાવેજ એ વાતનો પુરાવો છે કે તેમને ધમકી આપવામાં આવી રહી હતી અને તેમની સરકારને હટાવવાનું એક અમેરિકન કાવતરું ઘડવામાં આવ્યું હતું, જે કથિત રીતે પાકિસ્તાની સરકાર અને સેના દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાને પોતાની નિર્દોષતાનો દાવો કર્યો હતો અને કહ્યું કે તેમણે દસ્તાવેજની ચોક્કસ સામગ્રીને જાહેર કરી નથી.

બીજી તરફ અમેરિકા અને પાકિસ્તાન સરકારે ઇમરાન ખાનના આરોપોને નકારી કાઢ્યા છે. જો અમેરિકા દ્વારા તેવું કોઈ કાવતરું ઘડવામાં આવ્યું હોય તો તે ખૂબ ગંભીર બાબત કહેવાય. અમેરિકા પોતાનાં હિતોની જાળવણી માટે દુનિયાના અનેક દેશોમાં ચૂંટાયેલી સરકારોને ઉથલાવી પાડવા માટે કાવતરાં ઘડતું હોવાનું છૂટથી કહેવાય છે, પણ તેના કોઈ પુરાવા મળતા નથી. જો ઇમરાન ખાન પાસે તેવા કોઈ પુરાવા હોય તો તેને પ્રગટ કરવાની તેમને તક આપવી જોઈતી હતી. તેને બદલે ભવિષ્યમાં પાકિસ્તાનના કોઈ ભૂતપૂર્વ વડા પ્રધાન અમેરિકાનાં કાવતરાં જાહેર કરવાની ગુસ્તાખી ન કરે તે માટે ઇમરાન ખાનને સજા કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં આંતરિક રીતે એવી ચર્ચા છે કે ઈમરાન ખાનને વડા પ્રધાનપદેથી હટાવવા પાછળ અમેરિકાનો હાથ હતો. આ માટે ઘણી મજબૂત દલીલો પણ આપવામાં આવે છે. ઈમરાન ખાને ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા અને તેમને પાકિસ્તાન આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

આ પહેલાં તેમણે પુતિન સાથે ઘણી વખત ફોન પર વાત પણ કરી હતી, જેમાં બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનમાં તેમની ભૂમિકા વધારવા પર ચર્ચા થઈ હતી. તે સમયે અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનથી પરત ફર્યું હતું અને તાલિબાન વહીવટ પર નજર રાખવામાં મદદ કરવા માટે અમેરિકા પાસે કોઈ ભાગીદાર નહોતું. ઈમરાન ખાને પાકિસ્તાનમાં લીઝ પર એરપોર્ટ લેવાની અમેરિકાની માંગને ફગાવી દીધી હતી. આ કારણોથી અમેરિકા નારાજ હતું અને તેણે પાકિસ્તાની સેના અને તત્કાલીન વિપક્ષી નેતાઓ સાથે મળીને ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા હતા.

હવે જો ઈમરાન મુક્ત થાય અને ચૂંટણી લડે તો તે ચૂંટણી જીતે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં તેઓ ફરીથી પાકિસ્તાનના વડા પ્રધાન બનશે. વડા પ્રધાન બન્યા બાદ ઈમરાન ખાન ફરીથી રશિયાની નજીક જવાની કોશિશ કરશે, જે અમેરિકાને ક્યારેય પસંદ નહીં આવે. આવી સ્થિતિમાં અમેરિકાનો ફાયદો ઈમરાન ખાન જેલમાં રહે અને કોઈ અન્ય પક્ષ ચૂંટણી જીતે તેમાં રહેલો છે. પાકિસ્તાનમાં અમેરિકાની આ જાતની દખલને જોયા પછી લાગ્યા વિના રહેતું નથી કે પાકિસ્તાનની સરકાર અને અદાલતો પણ અમેરિકાની કઠપૂતળી બનીને કામ કરી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top