Columns

સિક્કીમની સરકાર યુગલોને ત્રણ બાળકો પેદા કરવા માટે ઉત્તેજન આપી રહી છે

વસતિની બાબતમાં ભારત ચીન કરતાં આગળ નીકળી ગયું છે, પણ તેમાં હરખાવા જેવું નથી. ચીનની જેમ ભારતમાં પણ વસતિનો વૃદ્ધિદર ધીમો પડી ગયો છે. ૨૦૧૧ સુધી ભારતની વસતિ વાર્ષિક ૧.૭ ટકાના દરથી વધી રહી હતી, પણ તે પછી વસતિવધારાનો દર ઘટીને ૧.૨ ટકા પર આવી ગયો છે. ૧૯૯૨-૯૩માં ભારતની મહિલા સરેરાશ ૩.૪ બાળકો પેદા કરતી હતી, જેને ટોટલ ફર્ટિલિટી રેટ કહેવામાં આવે છે. તેને કારણે ભારતનો વસતિવધારાનો દર જળવાઈ રહેતો હતો. ૨૦૧૯-૨૧ના આંકડાઓ મુજબ ભારતની મહિલાઓ પોતાના જીવનકાળમાં સરેરાશ ૨ બાળકો જ પેદા કરે છે. જો દેશની વસતિને તેના વર્તમાન રૂપમાં ટકાવી રાખવી હોય તો પણ પ્રત્યેક મહિલાએ સરેરાશ ૨.૧ બાળકો તો પેદા કરવાં જ પડે.

ભારતમાં ૩૬ રાજ્યો તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશો છે. તે પૈકી માત્ર પાંચનો જ ટોટલ ફર્ટિલિટી રેટ ૨.૧ કે તેથી વધુ છે. બિહારનો ટોટલ ફર્ટિલિટી રેટ ભારતમાં ઉચ્ચતમ છે. પૂર્વોત્તર ભારતમાં આવેલાં સિક્કીમ રાજ્યનો ટોટલ ફર્ટિલિટી રેટ ઘટીને ૧.૧ ટકા પર આવી ગયો છે. બિહારની સરકારને વધી રહેલી વસતિની ચિંતા છે તો સિક્કીમની સરકારને ઘટી રહેલી ફળદ્રુપતાની ચિંતા છે. સિક્કીમની વસતિ માત્ર સાત લાખની છે. તેની સરકારને ઘટી રહેલી વસતિની ચિંતા છે. સિક્કીમના ૮૦ ટકા નાગરિકો મૂળ નિવાસીઓ છે. તેઓ વિવિધ જનજાતિઓમાં વહેંચાયેલા છે.

તેમની વસતિ ઝડપથી ઘટી રહી છે. સિક્કીમની ૧૨ જનજાતિઓ પૈકી ભૂતિયા અને લિમ્બુ જાતિની વસતિ સતત ઘટી રહી છે. સિક્કીમ સરકારે ‘હમ દો, હમારે દો’નો નારો પડતો મૂક્યો છે. તે હવે દંપતીઓને બેથી વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે. જો સિક્કીમના સરકારી કર્મચારીઓ બે કરતાં વધુ બાળકો પેદા કરશે તો તેમને રોકડ સહાય ઉપરાંત જાતજાતના ફાયદાઓ કરાવવામાં આવશે. સિક્કીમની સરકારે નોકરી કરતી માતાને ચાલુ પગારે એક વર્ષની મેટરનિટી રજા અને પિતાને એક મહિનાની મેટરનિટી રજા આપવાની જાહેરાત પણ કરી છે.

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ નામની સંસ્થાના આંકડાઓ મુજબ વસતિની બાબતમાં ભારત ચીન કરતાં આગળ નીકળી ગયું છે. ૨૦૨૨ના અંતમાં ચીનની વસતિ ૧૪૧.૨૦ કરોડની હતી, જ્યારે ભારતની વસતિ ૧૪૧.૭૦ કરોડની હતી. આ હિસાબે ભારતની વસતિ ચીનની વસતિ કરતાં ૫૦ લાખ જેટલી વધારે છે. ૧૯૬૦ પછી પહેલી વખત ચીનની વસતિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડાઓ મુજબ આ વર્ષના પાછળના ભાગમાં ભારત વસતિની બાબતમાં ચીનને ઓવરટેક કરવાનું છે. નિષ્ણાતો કહે છે કે ભારતની મહિલાઓનો ટોટલ ફર્ટિલિટી રેટ ઘટીને ૨ ઉપર આવી ગયો છે તો પણ ૨૦૫૦ સુધી ભારતની વસતિ વધવાનું ચાલુ રહેશે. સામાન્ય રીતે વસતિમાં વૃદ્ધિનો દર ઓછો થાય તે પછી તેમાં ઘટાડો થતાં ૨૫ વર્ષ લાગતાં હોય છે.

૧૯૮૦ના દાયકા સુધી ચીનની વસતિ કૂદકે ને ભૂસકે વધી રહી હતી, જેનાથી અમેરિકા જેવા પશ્ચિમના દેશો ગભરાઈ ગયા હતા. તેમને ડર લાગ્યો કે જો ચીનાઓની વસતિ આ ઝડપે વધ્યા કરશે તો તેઓ દુનિયામાં ફેલાઈ જશે અને ગોરી પ્રજા લઘુમતીમાં ધકેલાઈ જાશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના દબાણ હેઠળ ચીનની સામ્યવાદી સરકારે ‘એક પરિવાર, એક બાળક’ની નીતિનો કડકાઈથી અમલ કરાવ્યો હતો. ચીનમાં સરમુખત્યારશાહી છે, માટે લોકોના વિરોધની પરવા કર્યા વગર એકથી વધુ બાળકો ધરાવતાં પરિવારોને મળતા સરકારી લાભો બંધ કરી દેવામાં આવ્યા હતા. ૨૦૨૧માં ચીનની સરકારને ખ્યાલ આવ્યો કે તેની વસતિ ઘટવાને કારણે ઉત્પાદકતા પણ ઘટી રહી છે. ત્યાર પછી ચીને તેની ‘એક પરિવાર, એક બાળક’ની નીતિ પડતી મૂકી છે. હવે ચીનની સરકાર દરેક યુગલને બે કે ત્રણ બાળકો પેદા કરવાનું પ્રોત્સાહન આપી રહી છે. તેમ છતાં ચીનની વસતિ ઘટી રહી છે.

અર્થશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા ફેલાવવામાં આવેલું મોટામાં મોટું જુઠાણું એ છે કે જેમ દેશની વસતિ વધે છે, તેમ ગરીબી, બેકારી અને મોંઘવારી પણ વધે છે. આ વાતનો સૌથી મોટો પુરાવો ભારત છે. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે તેની વસતિ ૪૦ કરોડની જ હતી, પણ દેશમાં ભીષણ ગરીબી હતી, અનાજની તંગી હતી અને વિકાસનો અભાવ હતો. આજે દેશની વસતિ ૧૪૦ કરોડને આંબી ગઈ છે ત્યારે દેશમાં અનાજની કોઈ તંગી નથી. દેશનાં લોકોનું પોષણનું સ્તર ઉપર આવ્યું છે. દેશની સમૃદ્ધિ વધી છે અને દેશની માથાદીઠ આવક પણ વધી છે. તેનું કારણ એ છે કે દેશની વસતિ વધે છે તેમ તેમાં યુવાનોની સંખ્યા વધે છે અને કામ કરનારાં લોકોની સંખ્યા પણ વધે છે. જો સરકાર તેમને કામ આપી શકે તો વધી રહેલી વસતિ ઉત્પાદન વધારે છે અને સંપત્તિનું સર્જન કરે છે.

કોઈ દેશની વસતિ પરાણે ઘટાડી કાઢવામાં આવે ત્યારે તેની કેવી દશા થાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જપાન છે. જપાને દાયકાઓ પહેલાં અમેરિકા જેવી મહાસત્તાના દબાણમાં વસતિનિયંત્રણની નીતિ અપનાવી, જેને કારણે જપાનનો વિકાસ તદ્દન સ્થગિત થઈ ગયો છે. જપાન આજે બુઢ્ઢા નાગરિકોનો દેશ બની ગયો છે. જપાનમાં યુવાનોની સંખ્યા ઘટી ગઈ તેને કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે અને વિકાસદર શૂન્ય સુધી પહોંચી ગયો છે. જપાનમાં ઘણાં યુગલો એવાં છે, જેમના પર ચાર વૃદ્ધ વડીલોના ભરણપોષણની જવાબદારી આવી ગઈ છે. પતિ પોતાના માબાપનો એકનો એક પુત્ર હોવાથી તેનાં માબાપની જવાબદારી તેણે નિભાવવી પડે છે. વળી પત્ની પણ તેનાં માબાપનું એકનું એક સંતાન હોવાથી તેનાં માબાપની જવાબદારી પણ તેના માથે આવી ગઈ છે.

ભારતમાં હિન્દુ પ્રજાની વસતિ જે ઝડપે વધી રહી છે તેના કરતાં ક્યાંય વધુ ઝડપે મુસ્લિમ પ્રજાની વસતિ વધી રહી છે. ૧૯૯૧થી ૨૦૦૧ના દાયકામાં ભારતમાં હિન્દુ પ્રજાની વસતિમાં ૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, પણ તે દરમિયાન મુસ્લિમોની વસતિમાં ૨૯.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આર.એસ.એસ.ને ભય છે કે જો આ રીતે મુસ્લિમોની વસતિ વધ્યા કરશે તો એક દિવસ ભારતમાં મુસ્લિમોની બહુમતી થઈ જશે અને હિન્દુ પ્રજા લઘુમતીમાં મૂકાઇ જશે. આર.એસ.એસ.ને બરાબર ખબર છે કે તેઓ કોઈ રીતે હિન્દુઓને તેમની વસતિ વધારવા સમજાવી શકે તેમ નથી; માટે તેઓ મુસ્લિમોની વસતિ ઘટાડવા વસતિનિયંત્રણનો કાયદો લાવવા માગે છે. હકીકતમાં હિન્દુઓની ઘટી રહેલી ફળદ્રુપતાનું કારણ વિભક્ત કુટુંબની પ્રથા છે. સંયુક્ત પરિવારમાં બાળકોનો ઉછેર સહેલાઈથી થઈ જતો હોવાથી વધુ બાળકો પેદા કરવામાં તકલીફ થતી નથી. વિભક્ત પરિવારમાં જો પત્ની નોકરી કરતી હોય તો તેને બેથી વધુ બાળકો કોઈ સંયોગોમાં પરવડતાં નથી.

આર.એસ.એસ. ભારતની વસતિને નિયંત્રિત કરવા માટે કાયદો લાવવા માગે છે તેનું લોજિક બહુ સ્પષ્ટ છે. તેને મુસ્લિમોની કૂદકે ને ભૂસકે વધતી વસતિની ચિંતા છે. ભારતના હિન્દુઓની વસતિ જે ઝડપે વધી રહી છે, તેના કરતાં ક્યાંય વધુ ઝડપે મુસ્લિમોની વસતિ વધી રહી છે. ૧૯૫૧માં ભારતમાં પહેલી વખત વસતિગણતરી થઇ ત્યારે મુસ્લિમોની સંખ્યા ૩.૫૮ કરોડ હતી, જે કુલ વસતિના ૯.૯ ટકા જેટલી હતી. ૨૦૧૧માં વસતિગણતરી થઈ ત્યારે મુસ્લિમોની સંખ્યા ૧૭.૨૨ કરોડ પર પહોંચી ગઈ હતી, જે કુલ વસતિના ૧૪.૨ ટકા જેટલી છે. આજની તારીખમાં ભારતમાં મુસ્લિમોની સંખ્યા ૨૦ કરોડ ઉપર પહોંચી ગઇ છે, જે કુલ વસતિના ૧૫ ટકાથી વધુ છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top