Business

પ્રાકૃતિક કૃષિથી જ અન્ન અને ધન વધશે: રાજ્યપાલ

આણંદ : ‘પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા સુધરશે, ઓર્ગેનિક કાર્બન વધશે, તો જ અન્ન અને ધન વધશે. રાસાયણિક ખાતર અને દવાઓના અતિશય ઉપયોગના દુષપરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી સિવાય આપણી પાસે બીજો કોઇ વિકલ્પ નથી. આ દિશામાં પ્રમાણિત સંશોધનો અને ટેકનોલોજીનો ઉપયોગની આવશ્યકતા છે.’ તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુરૂવારના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જણાવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના 19મા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 629 વિદ્યાર્થીઓને પદવી તથા 31 તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યાં હતાં.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેશના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિમાં સ્નાતક-અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરનારા આણંદ કૃષિ યુનિવર્સિટીના છાત્રોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિકાસ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સંશોધનો કરવા અપીલ કરી હતી. તેઓએ આણંદ કૃષિ યુનિવર્સિટીના સૂત્ર ને ટાંકીને કહ્યું હતું કે, આપણું રાષ્ટ્ર કૃષિથી સંપન્ન અને સમૃદ્ધ ત્યારે જ થશે. જ્યારે આપણી ધરતીમાતા સમૃદ્ધ થશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી હશે, માનવ જાતને સુરક્ષિત કરવી હશે, ગૌમાતાને બચાવવી હશે. તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી જ પડશે. ભારત પ્રતિવર્ષ અઢી લાખ કરોડના રાસાયણિક ખાતરની આયાત કરે છે. એટલે દેશ પર આર્થિક બોજ પણ વધે છે. એટલું જ નહીં, રાસાયણિક ખાતર-દવાઓના બેફામ ઉપયોગથી ખેડૂતોનો ખર્ચો વધે છે, જમીનની ગુણવત્તા બગડે છે, જલ-વાયુ પ્રદુષણ વધે છે, ખોરાકમાં ધીમું ઝેર ભળે છે, પરિણામે અનેક રોગો થાય છે. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે.

અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા પ્રશ્નો ઊભા થયા છે. જો આપણે આ રીતે જ ખેતી કરતા રહીશું તો દુનિયાને કેવી રીતે બચાવી શકીશું ? એમ કહીને તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ સમયની માંગ છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, આઈએઆરઆઈના ભૂતપૂર્વ નિયામક અને યુએએસ ધારવાડના ભૂતપૂર્વ કુલપતિ તથા કર્ણાટક કૃષિ મિશનના ભૂતપૂર્વ ચેરમેન ડો. એસ.એ. પાટીલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કે.બી. કથીરિયા, કુલસચિવ ડો. જી.આર. પટેલ, વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ અને આચાર્ય, વૈજ્ઞાનિક, અધિકારી, નિવૃત્ત વૈજ્ઞાનિકો તેમજ પદવી મેળવનારા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

આણંદ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી
આણંદ કૃષિ યુનિવર્સિટીના 19મા દિક્ષાંત સમારોહ અર્થે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ યુનિવર્સિટી ખાતે પધાર્યા હતા. દીક્ષાંત સમારોહ કાર્યક્રમની પૂર્વે મંત્રી રાઘવજીભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે શાકભાજીની વિવિધ જાતો અને તેની ઉત્પાદન ગુણવત્તાની જાત ચકાસણી કરી તેના વાવેતરથી લઈને કેટલો સમય લાગે ત્યાં સુધીની તમામ માહિતી આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કે. બી. કથીરિયા અને યુનિવર્સિટી તેમજ સંલગ્ન સંશોધન વિભાગના પ્રાધ્યાપકો તથા કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી મેળવી હતી.

Most Popular

To Top