Dakshin Gujarat

ભરૂચ નગરથી પૂર્વ ભાગમાં ૧૫.૪ કિલોમીટર દૂર રમણીય નર્મદા નદીના કાંઠે આવેલું તીર્થક્ષેત્રનું ગામ શુકલતીર્થ


ભરૂચ નગરથી પૂર્વ ભાગમાં ૧૫.૪ કિલોમીટર દૂર રમણીય નર્મદા નદીના કાંઠે આવેલા તીર્થક્ષેત્રનું ગામ એટલે શુકલતીર્થ. શુકલતીર્થ ગામમાં હિન્દુ ધર્મમાં સ્વયંભૂ આધ્યાત્મિક સ્થાનક હોવાથી તીર્થસ્થાન બની ગયું છે. સાથે જ શુકલતીર્થમાં કુદરતી સંપદા અને માં નર્મદા નદીના મધ્યમાં ‘કબીરવડ’એ દેશના સીમાડા ઓળંગીને વિશ્વફલકમાં તેની ઓળખ ફેલાવી છે. અંદાજે દસ હજારની વસતી ધરાવતું શુકલતીર્થ આજે વિકાસની ગતિમાં આગળ વધતું જાય છે. કારતક સુદ પૂનમના મેળામાં ચારથી પાંચ લાખ લોકો શુકલતીર્થ ખાતે આવી નર્મદામાં સ્નાનદર્શન અને પિતૃતર્પણ વિધિ કરે છે. શ્રાદ્ધ દિવસોમાં મોટી સંખ્યામાં પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા પિતૃતર્પણ માટે શુકલતીર્થના નર્મદા તટનું અનેરું મહત્ત્વ છે. શુકલતીર્થમાં શુકલેશ્વર, પટ્ટેશ્વર અને સોમેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગો છે.

ગામનું નામ કઈ રીતે પડ્યું
‘શુકલતીર્થ’ નામ એ શુકલેશ્વર શિવલિંગ પરથી પડ્યું હતું. રેવાખંડમાં શુકલતીર્થને “દેવતીર્થ” તરીકે ઉલ્લેખ છે. પૌરાણિકતામાં “શુક્લ” એટલે શ્વેત, શુદ્ધ તરીકે ઓળખાય છે. ભગવાન વિષ્ણુનું “હુંકારતીર્થ”, ઓમકારનાથ બે આરાધ્યદેવનાં પૌરાણિક મંદિરો સાથે આદિત્યેશ્વર, ગોપેશ્વર અને ભાર્ગલેશ્વર મહાદેવને લઈ શુકલતીર્થ એ ‘પંચતીર્થ’ નામથી પ્રચલિત છે. જો કે, શુકલતીર્થ નજીકમાં જ “કોટીતીર્થ” આવેલું હોવાથી ૧૮ વર્ષે મેળો ભરાય છે. શુકલતીર્થના અગ્નિહોત્રી બ્રાહ્મણોનો સાંસ્કૃતિક વારસો છેક કાશી સુધી પ્રસર્યો હતો. નર્મદા એ શિવ કન્યા હોવાથી આખા નદી કાંઠે બંને તરફ શિવલિંગ સ્થાપિત હોવાથી બંને કિનારે જેટલાં તીર્થ છે એટલા ભારતભરમાં કોઇપણ નદીએ નથી. માત્ર ગુજરાતમાં ૧૩૦ જેટલાં તીર્થો આવેલાં છે. જ્યારે નર્મદા તટે ૪૦૦ જેટલા ઋષિ-મુનિઓની તપસ્થલી સ્વરૂપે તીર્થસ્થાનો આવેલાં છે. દક્ષિણ તટે દંડકારણ્ય અને ઉત્તર તટે નૈમિષારણ્ય ઋષિ તપ-યજ્ઞથી સાધના કરતા હતા. એ વેળા નર્મદાજીએ તેમનું તપોબળ લેવાની પરીક્ષા કરવા રૌદ્રસ્વરૂપ ધારણ કર્યુ. ભય ઉત્પન્ન કરી બંને તીર્થોના તટપ્રદેશ કોઈ અવકાશવાળો પ્રદેશ ન રહ્યો. તમામ ઋષિગણે અર્થ આપનાર વિભુ સ્મરણ કર્યુ. શોક, દુઃખને હરનારા સ્વામીએ નર્મદા જળરાશીમાંથી “હુંકાર” કર્યો. ત્યાં જ રેવા બે કોશ દૂર જતાં રહ્યાં અને વાસુદેવ શ્રીહરિએ ઋષિઓ માટે અવકાશવાળો કર્યો. જે માટે સ્વયંભૂ “હુંકાર”થી “ઓમકાર” કહેવાયા. વિભુ સ્વામી ઓમકારનાથ (વિષ્ણુ) ભગવાનનું મંદિર પૌરાણિક છે. ઓમકારનાથ (વિષ્ણુ) ભવનાની શ્વેત મૂર્તિ દર્શનાર્થીઓને પહેલી નજરે આરસ પહાણની મૂર્તિનો આભાસ કરાવે છે. સાથે શંકર ભગવાનની પૂર્ણ કદની પ્રતિમા, બ્રહ્માજીની પ્રતિમા પર શેષનાગની ફણા, વ્યાસજી, લક્ષ્મીજી, રાધિકાજી, જમણો શંખ, દ્વારપાલ જય અને વિજયથી સુશોભિત પ્રતિમા કોઈએ સ્થાપિત કે શિલ્પકારે બનાવી નથી. આ અલંકારીત પ્રતિમા એ “સ્વયંભૂ રેતી” હોવાનું કહેવાય છે. ઈ.સ.૧૦૦૦ની સાલમાં ભરૂચ વિસ્તારમાં મકાનો-ઈમારતો-સ્થાપત્યોની બાંધણી ચૂના-ઈંટથી બંધાયેલી. જેનો ઇદ્રીસીમાં ઉલ્લેખ થયો છે. શુકલેશ્વર મહાદેવ અને ઓમકારનાથ મહાદેવ મંદિરની બાંધણી તેની સાક્ષી પૂરે છે. મૂળ તો રાજા ત્રિવિક્રમપાલ “લાટ પ્રદેશ”(ભરૂચ જિલ્લો સમાયેલો) પાછો મેળવ્યો અને રાજાએ શુકલતીર્થમાં સંસ્કૃતની પાઠશાળા માટે દાન આપ્યું હતું. શુકલતીર્થે પેશ્વાઓની મુલાકાત થઇ એનો ઈતિહાસનાં પૃષ્ઠોમાં ઉલ્લેખ છે. બ્રિટીશ સલ્તનતે તેમના ગેઝેટ્સમાં શુકલતીર્થનું મહાત્મ્ય પ્રસિદ્ધ કર્યુ છે.

શુકલતીર્થ હાઈસ્કૂલના આચાર્ય અમિતસિંહ વાંસદિયા ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પદે જવાબદારી નીભાવી રહ્યા છે
શુકલતીર્થ ખાતે આવેલી નર્મદા હાઇસ્કૂલના આચાર્ય તરીકે ૪૫ વર્ષીય અમિતસિંહ જગતસિંહ વાંસદિયા છેલ્લાં ૧૪ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તેઓ વિનમ્ર સ્વભાવ છે અને દરેક લોકો સાથે અતૂટ સંબંધ છે. હાલમાં ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેમના શિરે છે. તેમણે ધો.૧થી ૫ સુધી વાલિયાની રંગ નવચેતન સ્કૂલમાં અભ્યાસ કર્યો. ધો.૬થી ૧૨ ભરૂચ GNFC સ્કૂલમાં અભ્યાસ કરી ખંભાત ખાતે ગુજરાત યુનિવર્સિટી કોલેજ કાળમાં MSC, B.ED સુધીનો અભ્યાસ કર્યો. પાંચ વર્ષ માટે અંદાડાની અનુપ કુંવરબા જ્ઞાનદીપ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. બાદ ૨૦૦૯થી શુકલતીર્થ નર્મદા હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે ૧૪ વર્ષથી અવિરત ફરજ બજાવે છે. જે બાબતે અમિતસિંહ વાંસદિયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં શાળામાંથી અભ્યાસ કરીને ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રોફેસર અને સહકારી સંસ્થા સહિત અનેક જગ્યાએ આગવું સ્થાન ધરાવતા થયા છે.

જેમના જીવનમાં કોઈ ડાઘ ન હોય એવા શુકલતીર્થના શિક્ષણજીવી રિટાયર્ડ પ્રિન્સિપાલ પ્રફુલ્લસિંહ રાજ
જન્મભૂમિ શુકલતીર્થ અને કર્મભૂમિ શુકલતીર્થ. ખરોડ ગામના લોકોમાં તેમનું ખૂબ માન. સ્વાધ્યાય પ્રવૃત્તિ અને શિક્ષણજીવ રીટાયર્ડ ૬૭ વર્ષીય ડો.પ્રફુલ્લસિંહ જસવંતસિંહ રાજ મૂળ તો પીપલિયા (પારખેજ)ના, તેમના મોસાળ શુકલતીર્થમાં જન્મ થયો. તેમણે M.COM, M.ED અને PHD સુધી અભ્યાસ કર્યો હતો. પહેલા તો મોસાળ ગણાતા શુકલતીર્થમાં નર્મદા હાઇસ્કૂલમાં ૧૫ વર્ષ સુધી મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. બાદ તેમણે ઉચ્ચ શિક્ષણ લેતાં ખરોડમાં બીએડ કોલેજમાં ૧૪ વર્ષ પ્રોફેસર તરીકે જોડાયા. બાદ ૧૩ વર્ષ સુધી પ્રિન્સિપાલની જવાબદારી નિભાવી વર્ષ-૨૦૧૮માં નિવૃત્ત થયા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિદ્યાશાખામાં ત્રણ વર્ષ તરીકે ડીન તરીકે રહ્યા હતા. તેમના કાર્યકાળમાં વિશેષતા એ હતી કે તેમના પર એકપણ ડાઘ લાગ્યો નથી અને તેમના રીટાયર્ડ થયા બાદ આજે પણ ગુરુપૂર્ણિમા અને શિક્ષકદિને ઘણા વિદ્યાર્થીઓના ફોન અને કેટલાક રૂબરૂ મળવા આવે છે. જો કે, સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાથી શુકલતીર્થ સાથે આજુબાજુનાં ૧૫થી ૨૦ ગામ સાથે સંકળાયેલા હતા. ડો.પ્રફુલ્લસિંહ રાજ શુકલતીર્થ માટે કહે છે કે, આ ભૂમિની રજકણો સંસ્કારોથી ભરેલી છે. જેની અસર આદર્શ જોવા મળે છે. શુકલતીર્થ ગામ આદર્શ બનવાની શક્યતા તરફ જઈ રહ્યું છે.

લોકભાગીદારીથી ૨૫થી ૨૮ વર્ષ પહેલાં શુકલતીર્થમાં લોક ઉપયોગી કામ કરનાર માજી સરપંચ સુરેન્દ્રસિંહ પરમાર
૧૯૯૫માં બનેલા શુકલતીર્થના સરપંચ પદે સુરેન્દ્રસિંહ.કે.પરમાર (૧૯૯૫થી ૨૦૦૨ સુધી)પાંચ વર્ષ સુધી રહ્યા હતા. એ વખતે ગ્રાન્ટનો અભાવ. ગામનો વિકાસ કરવો એ માથાના દુખાવાસમાન હતું. એ વખતે રોયલ્ટીના પૈસા માટે પણ ન મળે. જેથી DDOને લેખિતમાં એવું આપ્યું કે, રોયલ્ટીના ૫૦ ટકા પૈસા અમને મળવા જોઈએ, જેમાંથી પૈસા લઈને, સંસદ સભ્ય, ધારાસભ્ય, DRDAની ગ્રાન્ટ, પાંચ ટકાની વિકાસની ગ્રાન્ટમાંથી ગામના પાકા રસ્તા અને ખાસ કરીને સીમના રસ્તા પણ લોકભાગીદારીથી બનાવ્યા હતા. ભલે સરકાર લોકભાગીદારીથી કામ કરવા માટે નક્કી થતું હતું. પરંતુ ૨૫થી ૨૮ વર્ષ પહેલા શુકલતીર્થમાં લોકભાગીદારીથી કામ કર્યુ. ૬૮ વર્ષીય સુરેન્દ્રસિંહે ૧૨ વર્ષ વકીલાત કરી હતી. તેમના સરપંચ વખતે ગામમાં સલામતી ખાતર પાંચ વર્ષ બહુરૂપિયા લોકોને આવવા પર પ્રતિબંધ મૂકતાં સુખાકારીનો લાભ રહીશોને મળ્યો. સુરેન્દ્રસિંહ પરમાર કહે છે કે, શુકલતીર્થમાં સારી વાત લઈને આવો તો લોકો આરામથી ફોલો કરે છે.

આધ્યાત્મિક અને ઈતિહાસજીવી હિતેન્દ્રભાઈ પટેલ અને લઘુબંધુ સંગીતના શિક્ષક મહેન્દ્ર પટેલ
શુકલતીર્થ ગામની ધરોહરની વાત આવે તો ૬૦ વર્ષના હિતેન્દ્રભાઈ શાંતિલાલ પટેલનું અચૂક નામ સામે આવે. હિતેન્દ્રભાઈ પટેલના પિતાજી મૂળ તો પ્રાથમિક શાળામાં શિક્ષક હોવાથી બાળપણમાં જ સંસ્કારોનું સિંચન થયું હતું. તેઓ ધો.૧૨ પાસ સ્ટેનો વિષય સાથે શિક્ષણ મેળવ્યા બાદ ૧૯૯૨માં ભરૂચની નવજીવન વિદ્યાલયમાં સ્ટેનો વ્યવસાયલક્ષી શિક્ષક તરીકે નોકરી મળી હતી. જો કે, મૂળ તો હિતેન્દ્રભાઈને ડ્રોઈંગ સાથે ઈતિહાસ અને ધાર્મિક વિષયો પર લખવાનો શોખ હોવાથી અખબારી આલમમાં સમાચારો છપાયા હતા. જો કે, તેમની ભરૂચની નોકરીમાં સરપ્લસ થતાં ઝનોરની શ્રી માં અરવિંદ વિદ્યામંદિરમાં ક્લેરિકલમાં નોકરી તરીકે વર્ષ-૨૦૦૯માં લાગતા ૨૦૨૧ના વર્ષમાં રીટાયર્ડ થયા હતા. તેઓ નિવૃત્તિકાળે પણ છેલ્લાં બે વર્ષથી ગાયત્રી મંત્ર માટે એક મિત્ર સાથે પ્રભાતફેરી ફરે છે. હિતેન્દ્રભાઈ પટેલ શુકલતીર્થ માટે કહે છે કે, શુકલતીર્થ આધ્યાત્મિક દૃષ્ટિએ વિશ્વ લેવલે આવેલું ગામ છે. માર્કંડેય ઋષિએ શુકલતીર્થની ઉત્ત્પત્તિ વિશે આદર અને શ્રદ્ધાભાવથી સ્કંદપુરાણ આવંત્યખંડના રેવાખંડમાં ઉલ્લેખ કર્યો છે. તેમના જ બંધુને સંગીતનો શોખ. શુકલતીર્થના ૫૮ વર્ષીય મહેન્દ્રભાઈ શાંતિલાલ પટેલે HSC સહિત સંગીત વિશારદનો અભ્યાસ કર્યો. અંકલેશ્વર GIDCની વિઝનરી ગણાતી સંસ્કારદીપ વિદ્યાલયના સ્થાપના કાળથી જ સંગીત શિક્ષક તરીકે જોડાઈને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. આ વર્ષે જ ONGCમાં ગરબા કોમ્પિટિશન વખતે ઘણાએ ભાગ લેતાં મહેન્દ્રભાઈએ તૈયાર કરાવેલો સંસ્કારદીપ વિદ્યાલયનો ગરબો પ્રથમ સ્થાને આવ્યો હતો.

સરપંચ રણધીરસિંહ માંગરોલાનો કુશળ વહીવટ
ગામડું અગ્રેસર બને એવી શુકલતીર્થના સરપંચને હંમેશાં લાગણી છે. બાવન વર્ષીય રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા MA સુધીનો અભ્યાસ કરી પહેલા ખેતીના વ્યવસાય સાથે જોડાઈ ગયા. જો કે, તેમને ખેતી સાથે જ ગામમાં દરેક સમાજના સારા પ્રસંગે અડીખમ રહેવાની તત્પરતા હતી. સુખ-દુઃખના કોઈપણ પ્રસંગે તેમની હાજરી હોય. વર્ષ-2022માં સરપંચની ચૂંટણીમાં તેઓ વિજેતા થતા. પાંચ વર્ષમાં શુકલતીર્થને પાઈપલાઈન આધારિત ગેસ લાઈન મળે, સીમના રસ્તાઓ માટી-મેટલના બને, ગામમાં CC રોડ, મીઠા પાણીની લાઈનો નાંખવી અને હાલમાં રૂ.૧,૪૫,૬૨,૨૭૬ના ખર્ચે ૧૦ વીઘાંમાં પથરાયેલા લુહારિયા તળાવમાં ગ્રે.વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ કરી છે. શુકલતીર્થ આજે CCTV કેમેરાયુક્ત ગામડું બની ગયું છે. થોડા સમય પહેલાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ભરૂચ દૂધધારા ડેરીમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે શેરડી પકવવા બદલ તેમનું સન્માન પણ કરાયું હતું. તેઓ કહે છે કે, સરપંચ તરીકે આવતા જ ગામના રહી ગયેલાં અને નવાં કામો પાંચ વર્ષમાં કરીશ. સરકાર પાસે ઘણી ગ્રાન્ટ છે. જેથી જે કામ હાથમાં લીધું એને પૂરું કરી શકાય છે.

  • શુકલતીર્થની રૂપરેખા
  • શુકલતીર્થમાં સાક્ષરતાનો દર-૬૯.૬૨ ટકા
  • (સાક્ષરતા) પુરુષનો દર-૭૬.૧૪ ટકા
  • (સાક્ષરતા) સ્ત્રીનો દર-૬૨.૫૮ ટકા
  • શુકલતીર્થ ગામમાં કુલ ઘર-૧૬૨૬
  • શુકલતીર્થમાં ભૌગોલિક વિસ્તાર-૧૬૫૭.૪૮ હેક્ટર
  • શૌચાલય-૧૦૦ ટકા
  • પીવાનું શુદ્ધ પીવાનું પાણી તમામને મળે છે
  • સ્ટ્રીટ લાઈટ તમામ વિસ્તારમાં મળે છે
  • ૯૦ ટકા વિધવા બહેનોને સહાયનો લાભ મળે છે
  • આયુષ્યમાન કાર્ડ તમામને કઢાવી આપ્યાં છે.

શુકલતીર્થ ગ્રામ પંચાયતની ટીમ
સરપંચ- રણધીરસિંહ જી.માંગરોલા
ડેપ્યુટી સરપંચ-રાજુભાઈ.એસ.વસાવા
સભ્ય-ગૌરીબેન એ.પટેલ
સભ્ય-નીલેશભાઈ એસ.પરમાર
સભ્ય-પરેશભાઈ જે.પટેલ
સભ્ય-ખુશાલભાઈ એમ.પરમાર
સભ્ય-સુંદરબેન એસ.વસાવા
સભ્ય-નિરૂપાબેન પી.વસાવા
સભ્ય-વૈશાલીબેન વાય.પ્રાંકડા
સભ્ય-લતાબેન એસ.વસાવા
સભ્ય-કલાવતીબેન પી.નિઝામા
સભ્ય-વર્ષાબેન બી.ઠાકોર
સભ્ય-ભારતભાઈ પી.વસાવા
તલાટી કમ મંત્રી-દશરથભાઈ આર.પટેલ
તલાટી કમ મંત્રી-હેમલત્તાબેન એમ. પિસ્તોલવાલા

ધાર્મિક સ્થળો
૧) શુકલેશ્વર મહાદેવ મંદિર (સ્વયંભૂ શિવલિંગ)
૨) ઓમકારનાથ-વિષ્ણુ ભગવાન મંદિર
૩) ગંગનાથ મંદિર
૪) રામજી મંદિર
૫) અંબા માતા મંદિર
૬) ખપ્પર માતા મંદિર
૭) ઈશ્વરી માતા મંદિર
૮) નર્મદા માતા મંદિર
૯) વેરાઈ માતા મંદિર
૧૦) કબીરજી મંદિર-કબીરવડ
૧૧) કોટેશ્વર મહાદેવ મંદિર
૧૨) આદિતેશ્વર મહાદેવ મંદિર

વડની વડવાઈમાં ફેલાયેલું અને અડગ શ્રદ્ધા તથા વિશ્વાસનું પ્રતીક એટલે ‘કબીરવડ’
ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પહાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એકસરખો,
દિસ્યો હાર્યો જોદ્ધો, હરિતણું હ્રદે ધ્યાન ધરતો,
સવારે એકાંત, કબીરવડ એ શોક હરતો,
ઠરી મારી આંખો, કબીરવડ તુને નિરખીને…
કવિ નર્મદની આ પંક્તિ આપણને ભાવવિભોર કરી મૂકે છે. નૈસર્ગિક સંપદામાં સદાયે મંગલકારી ‘સત્યપ્રેમી’ના સાક્ષીરૂપે બીરાજમાન માં નર્મદાની ખળખળ વહેતા પવિત્ર વહેણમાં ઉભયતટે વડની વડવાઇમાં વૃક્ષવાટિકામાં ફેલાયેલું ‘કબીરવડ’નું સ્થાન યાત્રાળુ માટે અલૌકિક છે. પુરાણોમાં તીર્થક્ષેત્ર તરીકે શુકલતીર્થનું મહાત્મ્ય તલપુર વધુ વર્ણવેલ છે. માં નર્મદાની પવિત્ર જળરાશીમાં ‘ઉભયઘટ’ (બંને બાજુ જળપ્રવાહ) અને વચમાં બેટસમા સદગુરુ સંત ‘કબીરજી’ને પ્રકૃતિરૂપે વારસામાં મળેલું ‘કબીરવડ’ આવેલું છે. ગુજરાતના પ્રકૃતિપ્રેમી, સાધુ, સંતો, ઓલિયો, ફકીર કે વિદેશી પર્યટકો કબીરવડની મુલાકાત લેવાનું ચૂકતા નથી.

ખાસ કરીને કબીરવડની ઉત્પત્તિ અને તેની લોકવાયકા પ્રમાણે મળતી જાણકારી વિશે અનેક તર્ક-વિતર્ક પ્રવર્તે છે. પૌરાણિક સત્યકથા મુજબ પંચ ગોડન્તર્ગત ઔદિચ્ય બ્રાહ્મણ કુળમાં જન્મેલા તત્ત્વા અને જીવા બે સગા ભાઈ હતા. તેમના શરીર અલગ પણ બંનેને એક જ સમયે સરખા વિચારો આવતા. તત્ત્વા કંઈ પણ બોલે એ પહેલા જીવાના મુખેથી તે વિચાર પ્રગટ થતો. બંને ભાઈઓ વચ્ચે અતૂટ પ્રીતિ. વ્યવહારિક અને પરમાર્થિક કાર્યો હળી-મળીને કરતા. મોક્ષપદ પ્રાપ્ત કરવાની તેમની તીવ્ર ઈચ્છા હતી. તેઓ અંદરોઅંદર કહેતા પણ ખરા. જેમ શબરીના ઘેર ‘રામ’ પધાર્યા હતા તેમ ભગવાન એક દિવસ અમારા ઘરે પધારશે જ. આથી બંને ‘સમર્થ’ ગુરુની શોધમાં જ રહેતાં. તેઓ માનતા કે સાધુતાની સાથે કંઈક ‘સિદ્ધિ’ પણ હોય. એમ એવા ગુરુ માટે આંગણામાં એક વડની સૂકી ડાળ રોપી.

બંને જ્યારે ઘરે આવતાં ત્યારે સંતોના પગ પખાળી ચરણામૃત એ વડની ડાળ પર સીંચતા અને એવા અડગ નિશ્ચય સાથે પ્રભુને પ્રાર્થના કરતા કે ‘આ ડાળ જે સંતના ચરણામૃતથી લીલી થઇ જાય અને તેમને ગુરુપદે ગણવા. જો કે, સમયાંતરે સિદ્ધ ગુરુ મહાત્મા ન મળતાં તેઓ નાસીપાસ થયા. બંનેની ભક્તિ અને અડગ આસ્થા ડગવા લાગી. બંને ભાઈઓ સાચા ગુરુ માટેની ભેદ યુક્તિ-પ્રયુક્તિનું રહસ્ય જાણી ગયા. ‘તત્ત્વા અને જીવા’ ત્યાં જતા બંધ થયા. સાધુ-સંતોની આવી અવગણના. બંનેને ઓટથી વિચારતા વિચારતા સંતોને એમ થયું કે ‘સંતો પ્રત્યે પ્રેમ, ભક્તિ, માન, સેવા વગેરે કળિયુગમાં ઘટી ગયા છે. આ બંને ભાઈઓ પ્રત્યે શંકા એવી ઉપજી હોય કે તેઓ બ્રાહ્મણપુત્રો નહીં હોય.

આથી જ સાધુ-સંતોની અવગણના કરે છે. સંતગણમાંથી એકે કહ્યું કે, ‘કાશીપુરીમાં સદગુરુ કબીરસાહેબ સમર્થ ગુરુ કે પુરુષ છે. તેમની પાસે જઈ પ્રાર્થના કરીએ તો તેમના થકી સંત સમુદાયની લાજ બચશે. કાશી જઈને સંતગણે ‘તત્ત્વા-જીવા’ની નિશ્ચયતા, આસ્થા અને અડગતા વિશે કબીરસાહેબને કહ્યું કે, સંતોની લાજ રાખવા આપ ગુજરાત પધારો. કારણ કે આપ જ સમર્થ છો. કબીરસાહેબ ગુજરાત પધાર્યા. પહેલા તો પાટણનગરના રાજા જગજીવન એ વખતે રાજ કરતા હોવાથી ત્યાં પધાર્યા હતા. ‘નવલખી’ નામનો પ્રસિદ્ધ બગીચો હતો. તેમાંથી એક સંતે ફળ-ફૂલ લેતાં રાજસિપાઈઓએ ઇન્કાર કર્યો. જેમાં સંતે શ્રાપ આપીને કહ્યું કે, ‘આ બગીચો સુકાઈ જશે’. જે વિચક્ષણ બુદ્ધિશાળીએ રાજાને કહ્યું કે, સંતના શ્રાપથી સુકાઈ ગયો છે.

જા કોઈ મહાન પુરુષના આશીર્વાદથી ફરીવાર લીલોછમ હરિયાળો બની જશે.’ અને એમ જ થયું. થોડા દિવસો પસાર થતાં કબીરજીએ ‘શુકલતીર્થ’ તરફ પ્રસ્થાન કર્યું. ‘કબીરજી’ તેજસ્વી સંત હોવાથી દૂરથી નિહાળી ‘તત્ત્વા-જીવા’ ભાવવિભોર થયા. ‘વડની સૂકી ડાળ ભલે લીલી થાય કે ન થાય, પરંતુ આ પ્રભાવશાળી સંતને જ ગુરુ બનાવવા એવો મનોમન સંકલ્પ બંને ભાઈએ કરી લીધો. બંને ભાઈએ ‘તીર્થરૂપ’ સંતની પૂજા કરી પવિત્ર નર્મદા જળથી તામ્રથાલીમાં ચરણ પલાળ્યા, અને પક્ષાલન કરી ચરણામૃત રોપેલી સૂકી ડાળ પર રેડ્યું.

ત્યાં એકાએક ચમત્કાર થયો કે સુકાયેલી ડાળને તાજી કૂંપળો ફૂટી નીકળી. અલૌકિક, અદ્વિતીય દૃશ્ય નજર સમક્ષ નિહાળતાં ‘તત્ત્વા-જીવા’ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મનોમન કહેવા લાગ્યા…હે પ્રભુ! આપે જ અમારી શંકાનું નિવારણ કર્યુ છે. અમારી ડગમગતી આસ્થામાં પ્રાણ પૂર્યા છે. બંને ભાઈની તીવ્ર જીજ્ઞાસા, અડગતા જોઈ કબીરસાહેબે ચૌકા આરતીનું માંગલિક કાર્ય સમજાવી પૂર્ણ કર્યું અને ઉપદેશ આપ્યો કે, ‘ધ્યાનક્રિયાથી જીવ બ્રહ્મની એકતા થાય છે. જેનાથી મોક્ષપદ પ્રાપ્ત થાય છે. માટે પોતાનો ધર્મ છોડવો નહીં.’ ‘સ્વધર્મે નિધનં શ્રેય:, પરધર્મો ભયાવહ:. અર્થાત પોતાના ધર્મમાં જ કલ્યાણ છે.

બીજોનો ધર્મ ભયરૂપ છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે ‘કબીરવડ’ અંગે કેટલાક મત-મતાંતરોમાં ‘તત્ત્વા-જીવા’ને બ્રાહ્મણોના પુરોહિતો હોવાનું ગણાવે છે. તો કેટલાક ‘કબીરવડ’ વિષે ‘તત્ત્વા-જીવા’ તેમના ઘર આંગણામાં વડનું સૂકું ઠુંઠું હતું. તો કોઈ કહે કે કબીરજીએ વડના દાંતણની ચીરી ફેંકી તો તેમાંથી ‘કબીરવડ’ થયો એવી માન્યતા, મત-મતાંતરો પ્રવર્તે છે.

…તો શુકલતીર્થ “વલ્લભ વિદ્યાનગર”ની જેમ વિદ્યાધામ બની શક્યું હોત
ભૂતકાળ ઉપર નજર કરો તો ગુજરાતમાં ‘વલ્લભ વિદ્યાનગર’ની જેમ ‘શુકલતીર્થ’ વિદ્યાધામ બની ગયું હોત. આવા જ ભૂતકાળમાં મહાપુરુષોના મનમાં વિચારો હતા. ગામડાંના સમુદાયમાં આજીવિકાનું સાધન હોય તો ખેતી. દેશની આઝાદી પહેલા વડવાઓને નવી પેઢી માટે “શૈક્ષણિક સંકુલ” ઊભી કરવાની ખેવના હતી. એ વેળા જમીન તત્કાલીન ન મળતાં આદ્યસ્થાપક ભીખાભાઈ કુબેરભાઈ પટેલના માનમાં શૈક્ષણિક ક્ષેત્રે નર્મદા હાઈસ્કૂલમાં “ભીખાભાઈ સદન”એ આકાર લીધો છે. તેઓ અને સપ્રે (નર્મદા હાઈસ્કૂલના પહેલા આચાર્ય)ની દીર્ઘ દૃષ્ટિથી નર્મદા હાઈસ્કૂલને નિર્માણાધિન તો થયું.

જો સમયાંતરે શુકલતીર્થમાં શરૂઆતમાં શૈક્ષણિક હેતુ માટે જમીન મળી હોત તો ગુજરાતમાં “વલ્લભ વિદ્યાનગર” જેવું વિદ્યાધામ બન્યું હોત. તેમ છતાં તા.૧૮ માર્ચ-૧૯૧૫ના દિવસે અંગ્રેજ સલ્તનતમાં બાળકો અભ્યાસ કરે એ ધ્યેયથી નર્મદા કેળવણીમંડળની સ્થાપના કરી હતી. નાનકડા કાચા મકાનમાં તત્કાલીન કલેક્ટર ઈમેન્યુઅલના હસ્તે એક અંગ્રેજી શાળા શરૂ કરવામાં આવી. મૂળ ભરૂચ શહેરમાં એ અરસામાં એકાદ-બે સરકારી હાઈસ્કૂલ, જેમાં માધ્યમિક સુધીનું શિક્ષણ અપાતું. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી નર્મદા હાઈસ્કૂલ શુકલતીર્થ માટે આખા ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ માધ્યમિક શાળા બની હતી.શુકલતીર્થની બાજુમાં નિકોરા, મંગલેશ્વર, કડોદ સહિત અનેક ગામોમાં અજ્ઞાનતા હોવાથી એ વખતે કેળવણી માટે ઉમદા વૈચારિક રીતે નવી પેઢીને શિક્ષણ મળે એ ધ્યેય શિદ્ધ કરવા સૌ કામે લાગ્યા.

ત્યારે દુર્લભભાઈ પ્રાગજીભાઈ દેસાઈની પોતાની આગવી સૂઝ, વગ અને અનુભવથી શૈક્ષણિક સંકુલ સંસ્થાને ઘણા લાભો થયા. એ વખતે ગામના ગર્ભશ્રીમંત દેવરાજસિંહ નાનસિંહ પરમારને સમગ્ર ગ્રામજનોએ ‘લોકમાન્ય’ની પદવી આપી હતી. દેવજીભાઈ દયાળભાઈ પટેલ (પરમાર) લોકજીભે ખ્યાતિ પામેલા અને અંગ્રેજ શાસન વખતે “પટલાઇ” કરતા હતા. તેમણે તાર પાઠવતા જ ગંગાદાસ પટેલે પોતાની ડિગ્રીનો મોહ છોડી શુકલતીર્થની ધરતી પર પગ મૂક્યો. તેમને પણ કંઈ કરવાની તમન્ના હતી. માટે એ વખતે શુકલતીર્થમાં ભાંગી પડેલી શૈક્ષણિક સંસ્થાને ધીમે ધીમે પગભર કરવાનું ઉત્તમ કામ તેમના હાથે થયું. નર્મદા નદીને પેલે પાર અવિધા ગામે મદ્રાસની બી.ટી. ટ્રેનિંગ પરિપૂર્ણ થયેલા શિક્ષક મિત્રોને કોઈક સ્થળે શૈક્ષણિક સંકુલ સ્થાપવાનું મનોમંથન થતું હતું.

એ વેળા ગ્રામજનોએ શિક્ષક મિત્રમંડળને હૃદયપૂર્વક આમંત્રણ આપ્યું હતું. મગનભાઈ વ્યાસ અને ચંદુભાઈ વ્યાસે પોતાના મિત્રો સાથે પાંચમાં ધોરણના વર્ગોનું સંચાલન સ્વીકારી માત્ર બે વર્ષમાં પગભર કરી હાઈસ્કૂલનો દરજ્જો અપાવ્યો હતો. ૧૯૨૧માં કેળવણીકાર ડો.જી.એસ.આરંડેલે સંસ્થાની મુલાકાત વખતે આર્થિક મદદ કરી. શિક્ષણજીવી ગંગાદાસભાઈ પટેલનાં બહેન કંકુબેન દ્વારા એ સમયે રૂ.૧૫૦૦ (આજના સમયે ૧૫ કરોડની ગરજ સારે) સંસ્થાને દાનની ઝોળીમાં આપતાં ખૂબ જ ઉપયોગી થયા. વર્ષ-૧૯૨૪-૨૫માં મુંબઈ નિવાસી શેઠ વિઠ્ઠલદાસ ઠાકોરભાઈ તરફથી એક વર્ષ સુધી માસિક રૂ.૩૦૦ની મદદ કરવામાં આવી હતી. એ સમયે સંસ્થા થિયોસોફિકલ એજ્યુકેશન ટ્રસ્ટને સોંપાતાં ફરીવાર આરંડેલ આવતાં સંસ્થાને પ્રોત્સાહન મળ્યું.

થિયોસોફિકલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પદે ડો.બેસંટ હોવાથી અનેક શૈક્ષણિક પ્રવૃત્તિ તેમજ ઈતર પ્રવૃત્તિના કદમાં વધારો થયો. થિયોસોફિસ્ટ ભાઈઓનો ઉત્સાહ શાળાને કોલેજમાં રૂપાંતરિત કરીને કોલેજનો દરજ્જો અપાવવાનો હતો. જો કે, થિયોસોફિકલ ભાઈના હાથમાંથી સંસ્થાનું સંચાલન ૧૯૨૭માં આર્ય સમાજીસ્ટ ભાઈને સોંપાયું. સમયાંતરે પરિવર્તન આવતું હોય છે. એ વખતે ભારત અંગ્રેજોની જંજાળમાં હોવાથી ૧૯૩૬માં “આણંદ ચરોતર એજ્યુકેશન સોસાયટીના શિક્ષણના મહારથીજીવ એવા ભાઈલાલભાઈ દયાભાઈ પટેલ(ભાઈકાકા) તેમજ ભીખાભાઈ કુબેરભાઈ પટેલના હાથમાં સંસ્થાનું સુકાન સોંપાયું હતું. શુકલતીર્થમાં હાલમાં શૈક્ષણિક સંકુલ પાછળના ભાગે જે જમીન પર સ્વ.નરસિંહ રાયજી પરમાર પ્લે ગાઉન્ડ છે એ છાત્રાલય હેતુ માટે સ્વ.નરસિંહ રાયજી પરમાર તરફથી કેળવણીમંડળને બક્ષીસ પેટે જમીનદાન કરી હતી.

૧૯૪૬માં ભીખાભાઈ કુબેરભાઈ પટેલ ‘વિદ્યાનગર’(હાલનું) પ્રવૃત્તિમાં રોકાતા હોવાથી શુકલતીર્થ સંસ્થાનું કામ સપ્રે સાહેબને સોંપ્યું. એ વેળા તો ગુજરાતનું અસ્તિત્વ ન હોવાથી આ શાળા માટે મુંબઈ સરકાર હસ્તક ખેતીવાડી શાળા બનવા માટે પ્રવૃત્તિ શરૂ થઇ. ત્યારે સપ્રે સાહેબ વિદ્યાનગર જતા રહ્યા. સંસ્થાનો વહીવટ શુકલતીર્થ ગામે લોકમાન્ય દેવજીભાઈ દયાળભાઈ પટેલના અધ્યક્ષતામાં આવ્યો. તેમનું અકાળે અવસાન થતાં તેમના પુત્ર ભીમસિંહભાઈએ ‘બાજી’ સંભાળતા તેમની કુનેહ, સૂઝ અને વગનો લાભ શાળાને મળ્યો. ત્યારબાદ નિયામક તરીકે ભગવાનસિંહ અનોપસિંહ પરમાર અને પ્રમુખ તરીકે ગંગાદાસ પટેલે સ્વીકાર કરી સંસ્થાને ૧૯૬૫માં ૫૦ વર્ષ પૂરાં થતાં ગુજરાતના જાણીતા કવિ ઉમાશંકર જોષીના નેતૃત્વમાં ‘સુવર્ણ જયંતી’ મહોત્સવની ઉજવણી કરી.

મુંબઈ સ્થિત ધી.બોમ્બે કોટન મર્ચન્ટ્સ એન્ડ મુકાદમ્સ એસોસિએશન દ્વારા આર્થિક મદદ અપાવવામાં નિકોરાના વરધભાઈ પટેલનો સિંહફાળો રહ્યો છે. નર્મદા નદીમાં ૧૯૬૮માં પૂર આવતાં નદી કિનારેના શુકલતીર્થ શૈક્ષણિક સંસ્થાનાં મકાનો જમીનદોસ્ત થતાં એ વખતે પારસી બાવાજી જોન મીક્લ્સને આવીને જોતાં જ તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે રૂ.૯૦ હજાર દાન કરતાં માત્ર ૧૯૭૦ની સાલમાં (બે જ વર્ષમાં) ગ્રાઉન્ડ ફ્લોરનું બિલ્ડિંગ બની ગયું. ત્યારબાદ સમયાંતરે દિનપ્રતિદિન ત્રણ માળની બિલ્ડિંગ બનાવીને ૧૨ રૂમથી નવાં રંગરૂપ બનાવ્યાં છે. ૧૦૮ વર્ષ બાદ આજે સાડા ચાર એકરમાં પાંચ બિલ્ડિંગ સ્ટાફ ક્વાર્ટસ સહિતના સ્કૂલ કેમ્પસમાં શિશુથી પાંચમું ધોરણ (નોન ગ્રાન્ટેડ), ધો-૬થી ૮ (ગ્રાન્ટેડ) અને ધો-૯થી ૧૨ (ગ્રાન્ટેડ) તેમજ ધો-૧૧થી ૧૨ સાયન્સ (નોન ગ્રાન્ટેડ) મળી ૧૪૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

હાલ આચાર્ય સહિત ૪૫ સ્ટાફગણ છે. આજે આ સંસ્થાના વર્તમાનમાં નવું ટ્રસ્ટીમંડળમાં પ્રમુખ તરીકે કિરણસિંહ ભગવાનસિંહ પરમાર તેમજ મંત્રી કમ મેનેજર તરીકે પ્રદીપસિંહ ગેમલસિંહ પરમાર તેમજ કારોબારી સાથે સંચાલન ચલાવી રહ્યા છે. સ્કૂલમાં વિદ્યાર્થી ખેલાડીઓ એથ્લેટિક્સ, રાજ્યક્ક્ષાએ દોડ, ખોખો, લાંબીકૂદ, કબડ્ડી સહિત રમતોમાં ભાગ લે છે. પહેલાં કુમાર હોસ્ટેલ ચાલતી હોવા છતાં કોરોના કાળે હોસ્ટેલ બંધ કરવાની સ્થિતિ ઊભી થઇ. વિદ્યાનગરમાં જૂન-૨૦૧૧માં સોવેનિયરમાં ‘શુકલતીર્થ નર્મદા કેળવણીમંડળ-શૈક્ષણિક સંકુલ” સ્થાપના અંગે અંગત રસ દાખવનાર સ્વ.ભીખાભાઈ કુબેરભાઈ પટેલનો ઉલ્લેખ થયો છે.

Most Popular

To Top