Vadodara

‘સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્સ’ ના માલિક દંપતીએ છાત્રોને
વિદેશ મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા

વડોદરા : શહેરના ગેંડા સર્કલ નજીક એટલાઈન્ટીસ હાઈટ્સમાં આવેલા સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્સના માલિક દંપતિએ કેટલાક વિદ્યાર્થીઓ પાસે વિદેશમાં અભ્યાસ અર્થે એડમીશન કરાવી આપવા લાખો રૂપિયા પડાવી લઈ એડમીશન પણ ન કરાવી તથા પૈસા પરત માંગવા આવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસ છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુના નોંધ્યા હતા. ત્યારે દંપતિ પૈકી પતિને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે પત્ની ફરાર હોવાનું જાણવા મળ્યુ હતું.

આણંદ જિલ્લાના વિદ્યાનગર જલાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા બિન્તા કેતનકુમાર પટેલ(ઉ.વ.32)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગેંડા સર્કલ પાસે આવેલા એટલાઈન્ટીસ હાઈટ્સના સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્સના માલિક ઝીલ સાગર પટેલ તથા સાગર પટેલ(બંને રહે, રાજેશ્વર સોસાયટી હરણી) એ 2021ના જુલાઈ થી 2022ના જાન્યુઆરી સુધી ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે મોકલી આપવા એડમીશન કરાવવાના બહાને કુલ રૂ.9.15 લાખ લીધા હતા. જોકે આ બાદ સાગર તથા બિન્તાએ એડમીશન કરાવી આપ્યુ નહતું.

જેથી પૈસા પરત લેવાની માંગણી કરતા, તેઓએ જણાવ્યુ હતું કે, અમારી ઓફિસે આવવાનું નહીં અને જો આવશો તો અમારે સારી ઓળખાણ છે, તેમ કહી મારી સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  ત્યારે આ સાથે બિન્તા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓએ આવી જ રીતે ઉપરોક્ત દંપતિને રૂ.27.58 લાખ આપ્યા હતા. અને છેતરપીંડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેઓના રૂપિયા સહિત બિન્તાના મળી દંપતિએ કુલ રૂ.36.74 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દંપતિ પૈકી સાગરને ઝડપી પાડ્યો હતો. ત્યારે તેની પત્ની ઝીલ ફરાર થઈ ગઈ હતી.

વધુ ભોગ બનારા સામે આવે તેવી શક્યતા
ગોરવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડે.એચ. રાખોલિયાએ જણાવ્યુ હતું કે, 18થી 20 વર્ષના વિદ્યાર્થીઓને વિદેશ જવાના સ્પનાઓ બતાવી, વિદેશમાં એડમિશન અપાવવાના બહાને વગેરે સારી-સારી વાતો કરી પૈસા લીધા હતા. હાલ સુધી ચાર જણા સામે આવ્યા છે. ત્યારે તપાસમાં વધુ 4થી 5 ભોગબનારા સામે આવી શકે છે.

Most Popular

To Top