SURAT

ચોર્યાસીના મામલતદારનો કોર્ટને ઊંધા ચશ્મા પહેરાવવા પ્રયાસ, લોખંડની સ્લેજના 1 ગોડાઉનને સીલ માર્યું

સુરત(Surat): કોર્ટે લાલ આંખ કર્યા બાદ જીપીસીબી (GPCB) અને કલેક્ટર (Surat Collector) કચેરીના અધિકારીઓ સફાળા જાગ્યા છે અને આજે હજીરામાં (Hazira) લોખંડની સ્લેજનો સંગ્રહ કરતા એક ગોડાઉનને સીલ મારવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચોર્યાસીના મામલતદાર દ્વારા રાજગરીમાં બ્લોક નં. 167માં આવેલા શ્રી સાંઈ સ્ક્રેપ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું છે. ચોર્યાસીના એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ, જીપીસીબીના આસિસ્ટન્ટ ઈજનેરની હાજરીમાં સીલીંગની કાર્યવાહી કરાઈ છે. શ્રી સાંઈ સ્ક્રેપ દ્વારા ગોડાઉનમાં લોખંડની સ્લેજનો ગેરકાયદે સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. કંપની દ્વારા સ્લેજ ક્રશીંગ પ્રોસેસિંગ યુનિટ ઉભું કરાયું હતું.

કોર્ટના આદેશ બાદ તંત્ર દોડ્યું
ખરેખર તો ગોડાઉનમાં સંગ્રહ કરાયેલી લોખંડની સ્લેજ હવામાં ઉડવાના કારણે ગ્રામજનોના સ્વાસ્થ્યને જોખમ ઉભું થઈ રહ્યું હતું. તેથી ગ્રામજનો દ્વારા તેના વિરુદ્ધમાં ફરિયાદ કરાઈ હતી. જાગૃત નાગરિક કમલેશ સુરતી દ્વારા સ્લેજ ભેગી કરનાર એકમ ધારકો વિરુદ્ધ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરાઈ હતી. અનેક દલીલો બાદ કોર્ટે કાર્યવાહીના આદેશ આપતા તંત્ર દોડતું થયું છે. કોર્ટે કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કરતા આજે એક ગોડાઉન સીલ મારી તંત્રએ કામગીરીનો દેખાડો કર્યો છે.

હજીરામાં 14 ગોડાઉન પણ 1 જ સીલ કર્યું
હજીરામાં શ્રી સાંઈ સ્ક્રેપ ટ્રેડર્સ જેવા 14 ગોડાઉન આવેલા છે. જેમાં લોખંડની સ્લેજનો સંગ્રહ કરવામાં આવે છે. આ ગોડાઉનને દૂર કરવા હજીરાના ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે, પરંતુ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. કોર્ટના આદેશ બાદ આજે 1 ગોડાઉન પર દેખાડા પુરતી કાર્યવાહી કરવામાં આવી છે. બાકીના 13 ગોડાઉનને ક્યારે સીલ મારવામાં આવે છે તે જોવું રહ્યું!

Most Popular

To Top