SURAT

ધો. 10 સમાજ વિજ્ઞાનના પેપરમાં અનેક છબરડાં, સાચા જવાબના પણ માર્ક્સ મળશે કે નહીં?, સ્ટુડન્ટ્સ કન્ફ્યૂઝ!

સુરત(Surat): આજે તા. 15 માર્ચે ધો. 10 બોર્ડ (SSC Board) ગુજરાતી (Gujarati) માધ્યમની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા હતી. પેપર પ્રમાણમાં સરળ હતું પરંતુ કેટલાંક પ્રશ્નોએ વિદ્યાર્થીઓને મુંઝવણમાં મુકી દીધા હતા. ખરેખર આ પ્રશ્નોના જવાબ પાઠ્ય પુસ્તકમાં જ અલગ-અલગ હોવાથી વિદ્યાર્થીઓ ગુંચવાયા છે. કયો જવાબ સાચો તે અંગે મૂંઝવણ ઉભી થઈ છે. બોર્ડ કયો જવાબ સાચો માનશે તે સ્પષ્ટ નહીં હોય વિદ્યાર્થીઓ ટેન્શનમાં મુકાયા છે.

ધો. 10 સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં આજે સેક્શન બીએ વિદ્યાર્થીઓને મૂઝવ્યા હતા. સેક્શન એ ખરા ખોટામાં એક સવાલે ચર્ચા જગાવી છે. 6 નંબરનો સવાલ હતો “તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને ‘અરણ્યકો’ કહે છે”. જવાબ ‘’આરણ્યકો” હોવાથી આ વિધાન ખરેખર ખોટું કહેવાય કેમ કે પ્રશ્નપત્રમાં આરણ્યકો નહીં પણ અરણ્યક લખેલું છે (ગુજરાતી શબ્દકોષ પ્રમાણે પણ બેઉ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે!!) એટલે ખરેખર મુદ્રા રાક્ષસની ભૂલને લીધે આરણ્યકોને બદલે અરણ્યક છપાયું હતું કે ખરેખર પેપર સેટરે વિદ્યાર્થીઓને ગૂચવવા સ્માર્ટનેસ વાપરી હતી? તે પ્રશ્ન ઉભો થયો છે.

એક ઓર મુદ્રારાક્ષસ!
ધો. 10 સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં એક ઓર મુદ્રણ દોષ જોવા મળ્યો! વિભાગ એ 15 નંબરની ખાલી જગ્યા “એક્સપ્રેસ હાઇવેને …..માર્ગ પણ કહેવાય છે” જવાબના વિકલ્પ એમાં “દ્રુતગતિ” ને બદલે “દૂતગતિ” લખેલું હતું!! આ સવાલે પણ સ્ટુડન્ટ્સને કન્ફ્યૂઝ કર્યા છે. સાચો જવાબ લખવા છતાં માર્ક્સ મળશે કે નહીં તે ચિંતા સ્ટુડન્ટ્સના મનમાં જાગી છે.

સિલેબસમાં જ બબ્બે જવાબો!!!!!!
એવો જ એક સવાલ આજે સામાજિક વિજ્ઞાનમાં 21 નંબરનો સવાલ હતો “ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે?” આ સવાલનો જવાબ પાઠ્યપુસ્તકમાં 14મા પ્રકરણમાં (પેજ નંબર 117) 7516 કિમી લખ્યું છે અને એ જ પાઠ્યપુસ્તકના પ્રકરણ 2 (પેજ નંબર 10)માં 7517 કિમી સમુદ્રકિનારો લખ્યો છે!!! શું બોર્ડ આ બેઉ જવાબો સાચા ગણશે? એ સવાલ ઉભો થયો છે.

એક જ સવાલના એક જ ધોરણના બે પાઠ્યપુસ્તકમાં બે અલગ અલગ જવાબ!
એવી જ રીતે તાજેતરમાં પૂરી થયેલી ધો.12 કોમર્સ- નામાનાં મૂળતત્વોના પ્રશ્નપત્રમાં સેક્શન એમાં એક સવાલ હતો “સેબીની સ્થાપના ક્યારે થયેલી?” આ પ્રશ્નના ધો. 12ના વિષયો નામાના મૂળ તત્વો અને ઓસી એમ બેઉ વિષયોના પાઠ્યપુસ્તકોમાં અલગ અલગ જવાબો એટલે કે 1991 અને 1992 આપવામાં આવ્યા છે. એનસીઈઆરટી (NCERT)ના અભ્યાસક્રમોમાં આવા લોચા? કમ સે કમ એકરૂપતા તો જળવાવી જોઈએ.

Most Popular

To Top