Gujarat

બનાસકાંઠાની શાળામાંથી રાજ્યવ્યાપી પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા સીએમ

ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ૧૭માં શાળા (School) પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના (Banaskantha) વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને કર્યો છે. મુખ્યમંત્રી પટેલે મેમદપુર પ્રાથમિક શાળામાં ધોરણ- ૧ ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી અને પ્રવેશકીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી અને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતતર્ગત 32 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રિદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો અને વર્ગ 1ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે. મુખ્યમંત્રી પટેલે મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ.એમ.સી.ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગ દર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ આ શાળાની મુલાકાત દરમ્યાન શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કરી ગામમાં શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી તેને વધુ સારી બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. પટેલે જણાવ્યું હતું કે, દેશના ગ્રોથ એન્જિન ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યનો છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવે એ માટે સફળ પ્રયત્નો કર્યા છે. આ ગતિને આગળ વધારવા અમારી સરકાર કાર્યરત છે. પીએમ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ એ ધ્યેય મંત્ર સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી બાબતો ઉપર વિશેષ ભાર મૂકીને એને મજબૂત બનાવ્યા છે. તેમણે કહ્યું હતું કે સમાજમાં શિક્ષણનો પાયો મજબૂત હોય તો દરેક ક્ષેત્રમાં આગળ વધી શકાય છે અને શિક્ષણ થકી ટેકનોલોજીનો ઉપયોગ કરી વ્યક્તિ સક્ષમ બની શકે છે.

Most Popular

To Top