World

‘ચીન સાથેના સંબંધોને સરહદ વિવાદનો બંધક ન બનાવી શકાય’,પૂર્વ CDS અનિલ ચૌહાણે પાકિસ્તાનને પણ ચેતવ્યું

ભારતની સુરક્ષા અને પાડોશી દેશો સાથેના સંબંધોને લઈને પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ભારત-ચીન સંબંધો, લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ અને પાકિસ્તાન તરફથી ઊભા થતા સુરક્ષા પડકારો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. દિલ્હીમાં શનિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ‘ભારતની સુરક્ષા માટેના ખતરા અને પડકારો’ વિષય પર બોલતા જનરલ ચૌહાણે કહ્યું કે ચીન સાથેનો સરહદ વિવાદ હજુ પણ સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી, પરંતુ બંને દેશોના સંબંધોને માત્ર સરહદ વિવાદના આધારે બંધક બનાવી શકાય નહીં.

જનરલ ચૌહાણે કહ્યું કે ભારત અને ચીન બંને એશિયાની બે મોટી શક્તિઓ અને મોટી અર્થવ્યવસ્થાઓ છે. બંને દેશો વચ્ચે કેટલાક મુદ્દાઓ પર સહયોગ પણ છે અને કેટલીક બાબતોમાં સ્પર્ધા પણ છે. બંને દેશોની પ્રાદેશિક તથા વૈશ્વિક વ્યવસ્થાને લઈને પોતાની-પોતાની અલગ દૃષ્ટિ છે. આવી સ્થિતિમાં ભારત માટે ચીન સાથે વાતચીત અને સંપર્ક ચાલુ રાખવો જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરહદ પર મતભેદ હોવા છતાં બંને દેશોએ સંબંધોના અન્ય ક્ષેત્રોમાં સંવાદના રસ્તા ખુલ્લા રાખવા જોઈએ.

LAC પર હજુ પણ મતભેદ
પૂર્વ CDSએ ભારત-ચીન સરહદ અંગે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LACની પરસ્પર સ્વીકારેલી સ્પષ્ટ વ્યાખ્યા હજુ સુધી નથી. બંને દેશોની સરહદ અંગેની ધારણાઓમાં તફાવત છે. આ ઉપરાંત સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને આગળની ચોકીઓ પર સૈનિકોની તૈનાતી જેવી બાબતોને કારણે સ્થિતિ વધુ જટિલ બની શકે છે. તેથી સરહદ પર સ્થિરતા જાળવવા માટે ભારતે સતત સતર્ક રહેવાની જરૂર છે.ચૌહાણના જણાવ્યા મુજબ સરહદ પર સ્થિરતા માત્ર સૈન્ય તૈનાતીથી જ નહીં, પરંતુ વિશ્વસનીય ક્ષમતાઓ, સ્પષ્ટ સમજૂતીઓ અને તે સમજૂતીઓનું સતત પાલન કરીને જ જાળવી શકાય છે. તેમનું માનવું છે કે બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા અને તણાવ ઘટાડવા માટે વાતચીતની પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ.

ડોભાલ-વાંગ યી મુલાકાતનો પણ ઉલ્લેખ
પૂર્વ CDSનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બેઇજિંગમાં ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચેની વાતચીતમાં ભારત-ચીન સરહદના નિર્ધારણ તેમજ સરહદ પારના સહયોગને આગળ વધારવાના પ્રયાસો સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ચૌહાણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સંબંધોનું ભવિષ્ય માત્ર સરહદ પરના મતભેદોથી નક્કી થવું જોઈએ નહીં. બંને દેશો વચ્ચે વેપાર, પ્રાદેશિક મુદ્દાઓ અને બહુપક્ષીય મંચો પર પણ સંપર્ક જરૂરી છે. તેમણે કહ્યું કે ભારત આ પ્રકારનો સંવાદ SCO અને BRICS જેવા મંચો મારફતે પણ જાળવી રહ્યું છે.

પાકિસ્તાન ભારત માટે હજુ પણ મોટો સુરક્ષા પડકાર
પાકિસ્તાન અંગે પૂર્વ CDS અનિલ ચૌહાણે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન આવનારા સમયમાં પણ ભારત માટે મોટી સુરક્ષા ચિંતા અને ખતરો બની રહેશે, એવું તેમનું માનવું છે. એટલે ભારતે પાકિસ્તાન તરફથી ઊભા થતા પડકારોને હળવાશથી લેવા જોઈએ નહીં અને પોતાની સુરક્ષા તૈયારીઓ સતત મજબૂત રાખવી જોઈએ.પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલા મહત્વપૂર્ણ સંયુક્ત સંરક્ષણ કરાર અંગે પણ તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ કરારને કેટલાક લોકો ‘ઇસ્લામિક નાટો’ તરીકે ઓળખાવી રહ્યા છે. ચૌહાણના મતે આવા સંરક્ષણ કરારો પાકિસ્તાનમાં અતિ આત્મવિશ્વાસ પેદા કરી શકે છે. તેના કારણે ઇસ્લામાબાદ તરફથી કોઈ ખોટું આકલન અથવા ખોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે.

ભારત સામે બે અલગ પ્રકારના પડકાર
જનરલ ચૌહાણે ભારતના ઉત્તરી પાડોશી એટલે કે ચીનને લાંબા ગાળાનો અને વ્યાપક પડકાર ગણાવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે ચીન સાથેનો પડકાર માત્ર સરહદ સુધી મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને પ્રાદેશિક સ્તરે પણ સ્પર્ધા છે. બીજી તરફ પાકિસ્તાન ભારત માટે સતત સુરક્ષા ચિંતા બની રહ્યું છે.આ સમગ્ર ચર્ચામાં પૂર્વ CDSનો મુખ્ય સંદેશ એ રહ્યો કે ભારતે એક તરફ પોતાની સરહદો અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે સંપૂર્ણ સતર્ક રહેવું જોઈએ, જ્યારે બીજી તરફ મોટા પડોશી દેશો સાથે સંવાદના માર્ગ પણ ખુલ્લા રાખવા જોઈએ. ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ હજુ ઉકેલાયો નથી, પરંતુ સંબંધોના દરેક ક્ષેત્રને માત્ર આ વિવાદ સાથે જોડવાથી બંને દેશોના લાંબા ગાળાના હિતોને નુકસાન થઈ શકે છે. ચૌહાણના મતે એશિયાનું ભવિષ્ય પણ ઘણી હદ સુધી એ વાત પર નિર્ભર કરશે કે ભારત અને ચીન એકબીજા સાથેના સંબંધોને કેવી રીતે સંભાળે છે.

Most Popular

To Top