Dakshin Gujarat

કન્ટેનરમાં હતું રેફ્રિજરેટર અને તેની અંદર હતું કંઈક એવું કે પોલીસ પણ ચોંકી

વલસાડ : વલસાડ (Valsad) ધરમપુર ચોકડી ઓવરબ્રિજ હાઇવે પરથી સિટી પોલીસની (Police) ટીમે બાતમીના આધારે કન્ટેનરમાં (container) રેફ્રિજરેટરની (Refrigerator) આડમાં લઈ જવાતો રૂ.34,800 દારૂ (Alcohol) ઝડપી એક મહિલા સહિત ચાલકની ધરપકડ કરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજ સિટી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે ઓવરબ્રિજ નેહાનં.48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળું કન્ટેનર આવતા પોલીસે કન્ટેનર અટકાવ્યું હતું. કન્ટેનરમાં તપાસ કરતા પોલીસ પણ ચોકી ગઈ હતી. કન્ટેનરમાં 24 નંગ રેફ્રિજરેટર જેની કિં.7.90 લાખની આડમાં સંતાડીને લઈ જવાતો રૂ.34,800નો ઇંગ્લિશ દારૂ બોટલને 276 મળી આવી હતી. પોલીસે ઉત્તરપ્રદેશના કન્ટેનર ચાલક રામજી શિવશંકર યાદવ અને નવસારી ગણદેવીના મોરાલી ગામે રહેતી ગીતાબેન હીરા કોળી પટેલ બંનેની ધરપકડ કરી છે. પોલીસે દારૂ કન્ટેનર અને રેફ્રિજરેટર મળીને કુલ રૂ.14.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દારૂનો જથ્થો ભરાવનાર વાપી બલીઠાનો રાજુ મુકેશભાઈને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચીખલીના આલીપોર હાઇવે પાસે ટ્રકમાંથી દારૂ સાથે એકની ધરપકડ
ઘેજ : ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરના આલીપોર પાસે ટ્રકમાંથી 8.52 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી એકની ધરપકડ કરી અન્ય ત્રણ જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રવિવારે સાંજના સમયે પૂર્વ બાતમીના આધારે પી.આઈ. કે. જે. ચૌધરી, પીએસઆઈ સમીરભાઈ કડીવાલા તથા મહેન્દ્રભાઈ, વિજયભાઈ, અલ્પેશભાઈ સહિતના સ્ટાફે નેશનલ હાઈવે પર આલીપોર રેલ્વે ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી જીજે-15-એવી-790 ને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની વિસ્કી અને ટીન બીયરની નાની નોટી બોટલ નંગ 2988 નો 8,52,000 રૂપિયાનો મળી આવતા ટ્રક સાથે કુલ 18,57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચાલક મહમદસકિલ કલીમુદ્દીન અંસારી (ઉવ.43 રહે.ભિવંડી નવી બસ્તી નહેરુનગર કલ્યાણ રોડ મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી રાજસ્થાન જયપુરના ધીરજભાઈ તથા અન્ય બે જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

નવસારી ભેસતખાડા માછીવાડમાં ઘરમાંથી દારૂ સાથે એક ઝડપાયો
નવસારી : નવસારી ભેસતખાડા માછીવાડમાં ઘરમાંથી 77 હજારના વિદેશી દારૂ સાથે નવસારી ટાઉન પોલીસે એકને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, નવસારી ભેસતખાડા માછીવાડ સ્કુલ ફળીયામાં રહેતા વિમલભાઈ રમેશભાઈ ઢીમ્મરે ભેસતખાડા માછીવાડ ખાતે રહેતા ઠાકોરભાઈ ઉર્ફે કાળુ રવજીભાઈ રાઠોડના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ઘરમાં રેઇડ કરતા 77,775 રૂપિયાની વિદેશી દારૂની 596 નંગ બાટલીઓ મળી આવતા ઠાકોરભાઈ ઉર્ફે કાળુ રવજીભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે વિમલભાઈ ઢીમ્મરને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top