SURAT

રેલવે મંત્રી સુરતના હોવા છતાં સુરતની ટ્રેનોમાં ઘટાડો, આ 3 ટ્રેન છીનવાઈ ગઈ

સુરત(Surat): કેન્દ્ર સરકારનો સુરત સાથેનો અન્યાય હજી યથાવત્ છે. ખાસ કરીને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય (Railways) દ્વારા સુરત સાથે સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે, જે સતત પુરવાર થઈ રહ્યું છે. હદ તો એ થાય છે કે રેલવે મંત્રી સુરતના હોવા છતાં સુરત સાથેનો અન્યાય વધી ગયો હોય એવું સ્થિતિ જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે.

  • જામનગર-અમદાવાદ વંદે ભારત સુરત સુધી લંબાવાની હતી તેના બદલે ઓખા સુધી લંબાવી દીધી
  • દર્શનાબહેન જરદોશ રેલવે મંત્રી બન્યા બાદ સુરત-જામનગર એક્સપ્રેસ, સુરત-હાપા એક્સપ્રેસ અને સુરત-ભુસાવલ એક્સપ્રેસ છીનવાઈ ગઈ

નિષ્ફળ ગયેલી જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને (Jamnagar-Ahmedabad Vande Bharat Express) વધુમાં વધુ પેસેન્જર મળે તે માટે તે ટ્રેનને સુરત સુધી લંબાવવાની વાત હતી. હવે તે ટ્રેન અમદાવાદથી આગળ સુરત તરફ લંબાવવાના બદલે જામનગરની આગળ છેક ઓખા (Okha) સુધી લંબાવી દેવામાં આવી છે. રેલવે મંત્રી સુરતના છે ત્યારે સુરત પાસેથી ટ્રેનો છીનવાઈ રહી છે તે બાબત હવે સુરતીઓને કઠી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે મંગળવારે વડાપ્રધાન દેશભરમાં 10 નવી વંદે ભારત એક્સપ્રેસ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. ઉપરાંત ચાર વંદે ભારત એક્સપ્રેસને લંબાવવામાં આવી છે તેની પણ જાહેરાત થશે. તેમાં 70 લાખથી વધુ વસ્તી ધરાવતા સુરતને એક પણ વંદે ભારત એક્સપ્રેસ મળી નથી. જે વંદે ભારત એક્સપ્રેસ મળી છે તે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનાર છે.

ઉપરાંત જે વંદે ભારત ગયા વર્ષે જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી થઈ હતી. તેને પેસેન્જર ખુબ જ ઓછા મળતા હતા. એક રીતે તે વંદે ભારત એક્સપ્રેસ નિષ્ફળ ગઈ હતી, તેથી તેને સુરત સુધી લંબાવવાની વાત હતી. તે માટે એક રેક પણ સુરત રેલવે સ્ટેશનને મળી ગઈ હતી પરંતુ છેલ્લી ઘડીએ આ સંભવિત ટ્રેન જામનગર-સુરત વંદે ભારત પણ સુરત પાસેથી છીનવાઈ ગઈ છે. તે ટ્રેન સુરત સુધી નહીં લંબાવીને જામનગરથી આગળ ઓખા સુધી લંબાવી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રી દર્શના જરદોશ સુરતથી સાંસદ છે, સાથે રેલમંત્રી પણ તેઓ જ છે છતાં પણ સુરત સાથેનું કેન્દ્ર સરકારનું ઓરમાયું વર્તન હજી ચાલુ છે. ઉલ્લેખનિ છે કે તેઓ મંત્રી બન્યા બાદ સુરત પાસેથી સુરત-જામનગર ઇન્ટરસિટી, સુરત-હાપા ઇન્ટરસિટી અને સુરત-ભુસાવલ એક્સપ્રેસ છીનવાઈ ગઈ છે.

આ બાબતે વિગતો પર યોગ્ય પ્રકાશ પાડવા રેલવે મંત્રી દર્શનાબહેન જરદોશનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.
મંત્રી સુરતથી હોય કે ન હોય તેનાથી કોઈ ફેર નથી પડતો. ખરેખર તો સુરતને ડિવિઝન ન બનાવવામાં આવે ત્યાર સુધી સુરતને ટ્રેનો બાબતે અન્યાય થતો જ રહેશે. આખા રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝન તથા રતલામ ડિવિઝનની જેટલી આવક હોય છે એટલી આવક સુરત-ઉધના સ્ટેશનની છે. છતા પણ સુરત સાથે અન્યાય થઈ રહ્યો છે.

Most Popular

To Top