Business

UPI યુઝર્સ માટે RBIની મોટી જાહેરાત: પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધી

નવી દિલ્હી: પેમેન્ટની (Payment) લેવડ દેવડ માટે UPI સિસ્ટમનો ઉપયોગ કરનાર માટે રિઝર્વ બેન્કે (RBI) મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બેન્ક દ્વારા UPI લાઈટ યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શન (Transaction) મર્યાદા 200 રૂપિયાથી વધારી 500 રૂપિયા કરવામાં આવી છે. UPI લાઈટ સપ્ટેમ્બર 2022માં નેશનલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રિઝર્વ બેન્ક દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ UPI પેમેન્ટ સિસ્ટમનું સરળ માળખું છે.

જો બેન્ક તરફથી પ્રોસેસિંગ ફેઈલ થાય તો યુઝર્સ કોઈ પ્રકારની સમસ્યા વિના પેમેન્ટ કરી શકે તે માટે UPI લાઈટ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જો તમે UPI યુઝર છો તો તમે UPI લાઈટનો ઉપયોગ કરી શકો છો. UPI થી દરરોજના વ્યવહારોની મર્યાદા એક લાખ રૂપિયા છે. બીજી તરફ, UPI લાઇટ યુઝર્સ મહત્તમ 500 રૂપિયાનું મહત્તમ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. પહેલા આ મર્યાદા 200 રૂપિયા હતી.

આ સિવાય આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, યુપીઆઈ લાઇટ દ્વારા નિઅર-ફીલ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને UPIમાં ઑફલાઇન ચુકવણી શરૂ કરવામાં આવશે. MPCમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નરે જણાવ્યું હતું કે યુઝર્સ માટે ડિજિટલ પેમેન્ટના અનુભવને વધારવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે. UPI લાઇટ દ્વારા ઑફલાઇન ચુકવણી કરી શકાય છે. રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું કે આ નિર્ણયના લીધે દેશમાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધશે.

ભારતમાં 300 મિલિયન લોકો યુપીઆઈનો ઉપયોગ કરે છે
નવેમ્બર 2022ના ડેટા અનુસાર ભારતમાં દર મહિને 300 મિલિયન લોકો એક્ટિવલી યુપીઆઈ સિસ્ટમનો ઉપયોગ કરે છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ પાછલા વર્ષોમાં વધ્યું છે. 2018-19ના 23 ટકાની સરખામણીએ 2020-21માં 55 ટકા પર પહોંચ્યું છે.

RBIએ પોલિસી રેટ યથાવત રાખ્યો
ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સતત ત્રીજી વાર પોલિસી રેટ યથાવત રાખ્યો છે. હાલમાં રેપો રેટ 6.50 ટકા પર યથાવત રહેશે. આ અગાઉ રિઝર્વ બેન્કે એપ્રિલ-જૂનમાં પણ વ્યાજ દરો વધાર્યા નહોતા. છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર જોવા મળ્યો હતો. તે સમયે રિઝર્વ બેન્કે 0.25 ટકાનો વધારો કર્યો હતો. નિષ્ણાતોના મતે હાલ દેશમાં વધતી મોંઘવારીને પગલે રિઝર્વ બેન્કે પોલિસી રેટમાં ફેરફાર કર્યો નથી.

Most Popular

To Top