Columns

રસ્તાના ખાડા

એક યુવાન ડ્રાઈવર. નામ સાગર. બહુ મહેનત કરે. દિવસે ડ્રાઈવરની નોકરી કરે અને પછી 2 કલાક આરામ કરી, આખી રાત ભાડાની ટેક્સી ચલાવે. પાછો 2 કલાક આરામ કરી નોકરીએ ડ્યુટી પર હાજર થઈ જાય. ઘરમાં માતાપિતા ચિંતા કરે કે દીકરા આટલી મહેનત કરવાથી કયાંક તારી તબિયત ન બગડે. સાગર જવાબમાં કહે, ‘ગરીબીમાંથી ઉપર ઉઠવા માટે મહેનત તો કરવી જ પડશે.’

આગળ જતાં સાગરની માતાની તબિયત બગડી. ઘરના કામ કરવાની જવાબદારી પણ સાગર પર આવી. મુસીબત આવે તો ચારેબાજુથી આવે તેમ પિતાજીની નોકરી છૂટી ગઈ. સાગર ચારેબાજુથી ઘેરાય ગયો અને મૂંઝાય ગયો. તેના મોઢા પર બહુ ચિંતા અને થાક હતો. જે થોડો સમય તે આરામ કરતો હતો, તે સમયમાં પણ ઘરનું કામ અને ચિંતાનો ભાર તેને સુવા દેતા ન હતા. તેના મોઢા પર થાક જોઇને માલિકે પૂછ્યું, ‘સાગર શું થયુ? તબિયત સારી નથી ?’ સાગર રડવા જેવો થઇ ગયો અને બધી તકલીફ કહી બોલ્યો, ‘સાહેબ મહેનત તો હું કરતો જ હતો અને હજી પણ વધુ મહેનત કરવા તૈયાર છું. પણ આ એક પછી એક મુસીબતો આવે છે, તેમાં સમજાતું નથી શું કરું અને હિંમત તૂટતી જાય છે.’ માલિક બોલ્યા, ‘સાગર, મારી એક વાતનો જવાબ આપ. તું તો કુશળ ડ્રાઈવર છે, તો રસ્તા પર ખાડો આવે તો શું કરવાનું? અટકી જવાનું કે ઝટકો લાગવા દેવાનો.’

સાગર બોલ્યો, ‘સાહેબ, રસ્તા પર તો ખાડા આવતા જ રહે. એમ કઈ અટકી થોડું જવાય. જ્યારે ખાડો આવે તો ગાડીની ઝડપ ધીમી કરી નાખવાની અને જો એકદમ ધીમે ધીમે ગાડી ચલાવીએ તો ખાડા પરથી ગાડી નીકળી જાય અને ઝટકો ઓછો લાગે.’ માલિક બોલ્યા, ‘બરાબર, ચલ હવે તું એક કારનો ડ્રાઈવર છે. તેમાંથી તારી જિંદગીનો ડ્રાઈવર બની જા. જિંદગીમાં મુસીબત તો હંમેશા આવતી જ રહેશે. ગમે તેટલી મોટી મુસીબત હોય, જો તું સયંમ અને ધીરજ રાખીને ધીમે ધીમે આગળ વધીશ તો મુસીબતના ખાડાને ઓળંગીને આગળ નીકળી જવાશે અને ઝટકો ઓછો લાગશે.’ માલિકની વાત સાંભળીને સાગરને હિંમત મળી. તેને ધીરજથી મુસીબતોનો સામનો કરવાનું નક્કી કર્યું.
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top