Gujarat

રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ: રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો

રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠકનું અમદાવામાં આયોજન કરાયું હતું. આ બેઠકમાં પુરસોતમ રૂપાલાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથેજ રાજકોટથી રૂપાલાને ચૂંટણી નહીં લડવા દેવાની તેમજ જો તેઓ ચૂંટણી લડશે તો તેમના વિરોધમાં મતદાન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

રાજકોટથી ભાજપ ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરવામાં આવેલ નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ વધુ ઉગ્ર બન્યો છે. સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ઉમેદવાર રૂપાલાના વિરોધમાં વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા આગામી દિવસોમાં દરેક જિલ્લામાં પુરસોતમ રૂપાલાનાં પૂતળા દહનનો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં પરસોતમ રૂપાલના વિરોધમાં આવેદન અપાશે તથા વિરોધ કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપ ‘તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં’ના નારા લગાવવામાં હતા. બેઠકમાં હાજર આગેવાનોએ કહ્યું કે સમાજને ભાજપ સાથે વાંધો નથી. તેઓ માત્ર રૂપાલાનો વિરોધ કરી રહ્યાં છે. 

જણાવી દઈએ કે રુપાલા દ્વારા રજવાડાઓને લઈ આપવામાં આવેલા નિવેદનનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. રુપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે,  અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા,  રોટી – બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે. રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ચારિત્ર ઉપર પાયા વિહોણી વાત ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી તે બાબતને લઈ ક્ષત્રિય સમાજમાં હજુ પણ વિરોધ છે. જણાવી દઈએ કે આ મામલે બાદમાં રુપાલાએ માફી માંગી લીધી હતી. તેમ છતા હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top