Business

અદાણીએ આ કંપનીમાં કર્યું 6,661 કરોડનું રોકાણ, શેર બન્યા રોકેટ

નવી દિલ્હી(NewDelhi): દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના (GautamAdani) પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં (AmbujaCements) રૂ. 6,661 કરોડનું નવું રોકાણ કર્યું છે. આ સાથે કંપનીમાં અદાણી પરિવારની ભાગીદારી 3.6 ટકા વધીને 66.7 ટકા થઈ ગઈ છે.

આ અગાઉ પણ અદાણી પરિવારે કંપનીમાં 5000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સપ્ટેમ્બર 2022માં અધિગ્રહણ બાદ અદાણી પરિવારે કંપનીમાં રૂ. 11,661 કરોડનું રોકાણ કર્યું છે. કંપનીએ શેરબજારને (ShareBazar) એક ફાઈલિંગમાં આ માહિતી આપી હતી.

બીએસઈ (BSE) પર કંપનીના શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન તે 617.00 રૂપિયા સુધી ગયો. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 624.55 રૂપિયા છે, જે તે 5 માર્ચે પહોંચી હતી. કંપનીનું માર્કેટ કેપ 1.22 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

અંબુજાએ 2028 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 140 મિલિયન ટન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ હાંસલ કરવા માટે નવું રોકાણ મહત્વપૂર્ણ રહેશે. કંપનીના ઓલ ટાઈમ ડિરેક્ટર અને સીઈઓ અજય કપૂરે જણાવ્યું હતું કે આ રોકાણ અંબુજાને તેની વૃદ્ધિ ઝડપી ટ્રેક પર લાવવા, મૂડી વ્યવસ્થાપન પહેલને આગળ ધપાવવા અને બેલેન્સ શીટને મજબૂત કરવામાં મદદ કરશે.

છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરનું મૂલ્ય બમણું થયું છે. સેન્ટ્રમ બ્રોકિંગે (Centrum Broking) જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026 સુધીમાં અંબુજાના વોલ્યુમ ગ્રોથ 10 થી 12 ટકા રહેવાની ધારણા છે. અદાણી ગ્રૂપે સપ્ટેમ્બર 2022માં અંબુજા સિમેન્ટ્સ અને તેની પેટાકંપની ACC લિમિટેડને સ્વિટ્ઝર્લેન્ડના (Switzerland) હોલ્સિમ (Holcim) ગ્રૂપ પાસેથી $6.4 બિલિયનમાં ખરીદી હતી.

ડિસેમ્બર ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટ્સનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 39 ટકા વધીને રૂ. 514 કરોડ થયો હતો. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 369 કરોડ હતો. ઉપરાંત ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કંપનીની આવક પણ 8 ટકા વધીને રૂ. 4439 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 4,128 કરોડ હતી.

અંબુજા સિમેન્ટે નાણાકીય વર્ષ 2028 સુધીમાં 140 મિલિયન ટન ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જો કંપની આ લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ થશે તો તે દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની બની જશે. હાલમાં આદિત્ય બિરલા (Aditya Birla) ગ્રુપની કંપની અલ્ટ્રાટેક (Ultratech) દેશની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. તેની વાર્ષિક ક્ષમતા લગભગ 138 મિલિયન ટન છે.

Most Popular

To Top