Dakshin Gujarat

ડાંગ જિલ્લાનાં ભારે વરસાદથી પાંચ કોઝવે બંધ

સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી પાછોતરા વરસાદી માહોલે (Rainy weather) ધબધબાટી બોલાવતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓનાં જળસ્તરમાં વધારો નોંધાયો છે. ડાંગ જિલ્લામાં પાછોતરા વરસાદનાં પગલે ઠેરઠેર માર્ગોનું વ્યાપક ધોવાણ થયુ છે.

ડાંગ જિલ્લાનાં વઘઇ સહિત સુબિર પંથકનાં ગામડાઓમાં સોમવારે રાત્રીનાં અરસામાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા પૂર્ણા અને અંબિકા નદીમાં પુર આવતા મંગળવારે દિવસ દરમ્યાન પાંચ જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલોમાં નાનાપાડા કુમારબંધ કોઝવે, ઘોડવહળ કોઝવે, ઘોડી કોઝવે, ચીખલા કોઝવે, માછળી દિવડ્યાઆવન કોઝવે ઊંડા પાણીમાં ગરક રહેતા આઠેક ગામોનું જનજીવન સહિત પશુપાલન અસરગ્રસ્ત બન્યુ હતુ. ડાંગ જિલ્લામાં મંગળવારે દિવસ દરમ્યાન સાપુતારા ખાતે ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. જ્યારે મંગળવારે દિવસ દરમ્યાન વઘઇ, સુબિર અને આહવા પંથક વરસાદ વિના કોરાકટ નોંધાયા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 02 મિમી, આહવા પંથકમાં 12 મિમી, સુબિર પંથકમાં 24 મિમી અર્થાત 1 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 31 મિમી અર્થાત 1.24 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

નવસારી જિલ્લામાં વરસાદનો વિરામ, ચીખલી તાલુકામાં ઝાપટા પડ્યા
નવસારી : નવસારી જિલ્લામાં વરસાદનો વિરામ રહ્યો હતો. જોકે ચીખલી તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. નવસારીમાં વરસાદનો વિરામ રહેતા તાપમાન વધ્યું હતું. નવસારી જિલ્લામાં ગત રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ઘણી જગ્યાએ ઘુટણસમા વરસાદી પાણી ભરાયા હતા. જોકે ગત રોજ બપોર બાદ વરસાદે વિરામ લેતા વરસાદી પાણી ઓસરી ગયા હતા. જોકે ગત રોજ વરસાદે લીધેલો વિરામ આજે પણ યથાવત રહ્યો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

જોકે ચીખલી તાલુકામાં 9 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય 5 તાલુકાઓ સૂકા રહ્યા હતા. નવસારીમાં વરસાદનો વિરામ રહેતા તાપમાનમાં વધારો થયો હતો. મંગળવારે નવસારીમાં મહત્તમ તાપમાન 4.3 ડિગ્રી વધતા 29.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધતા 24 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 81 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 2.5 કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top