Gujarat

રાજ્યમાં ભારે વરસાદ: 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યેલો એલર્ટ

રાજ્યમાં અનેક વિસ્તારોમાં સોમવાર સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ બે દિવસ ભારે વરસાદના આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે લોકો ઉલ્લાસ પૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. રજાનો દિવસ હોવાથી લોકોએ મન ભરીને વરસાદને માણ્યો હતો. જોકે એક ધારા વરસાદને કારણે પાણીનો ભરાવો થતા લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 16મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને તંત્ર એલર્ટ છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 194 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 5.55 ઈંચ વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત મેઘરજ, મોડાસા, ઈડર, હિંમતનગર, માંગરોળમાં બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

17 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ તરફ સુરતમાં વહેલી સવારથી વરસાદે ધમધમાટ બોલાવ્યો હતો. જોકે બપોરે 3 વાગ્યા પછી વરસાદનું જોર હળવું થયું હતું. બીજી તરફ અમદાવાદમાં બપોરથી જોરદાર વરસાદ વરસ્યો હતો.

Most Popular

To Top